અધ્યાય-૧૩૦-દુર્યોધનનો દુર્વિચાર અને તેની ઝાટકણી
II वैशंपायन उवाच II तत्तु वाक्यमनादत्य सोर्थवन्मातृभाषितम् I पुनः प्रतस्थे संरंभात्सकाशमकृतात्मना II १ II
વૈશંપાયને કહ્યું-પછી,તે દુર્યોધન,માતાનાં કહેલાં વચનનો અનાદર કરીને પાછો તેના મંત્રીઓની પાસે ચાલ્યો ગયો.અને ત્યાં કર્ણ,શકુનિ,દુઃશાસન સાથે મળીને તેણે વિચાર કર્યો કે-'આ ચાલાક કૃષ્ણ,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મની સાથે મળીને પ્રથમ આપણને પકડી લેવા ધારે છે પરંતુ,જેમ,ઇન્દ્રે બલિને બળાત્કારથી બાંધી લીધો હતો તેમ,આપણે જ પ્રથમ તે કૃષ્ણને બળાત્કારથી બાંધી લઈએ.કૃષ્ણને કેદ કરેલા સાંભળીને પાંડવોનાં મન ભાગી જશે ને ઉત્સાહ વિનાના થઇ જશે.માટે ચાલો આપણે તે કૃષ્ણને અહીં જ બાંધી લઈએ,પછી યુદ્ધ કરીશું,એ ધૃતરાષ્ટ્ર ભલે બૂમો માર્યા કરે'
ત્યારે બીજાઓના મનના વિચારને જાણનારો સાત્યકિ,તે પાપીઓના અભિપ્રાયને જાણી ગયો એટલે તે સભામાંથી બહાર નીકળીને કૃતવર્માને મળ્યો અને તેને કહ્યું કે-'તમે તત્કાલ સેનાએ સજ્જ કરો ને તેને વ્યૂહમાં ગોઠવીને સભાના દ્વાર આગળ ઉભા રહો,એટલામાં હું આ વૃતાન્ત શ્રીકૃષ્ણને જણાવું' પછી તેણે સભામાં પ્રવેશ કરીને શ્રીકૃષ્ણને તે દુષ્ટોનો અભિપ્રાય કહ્યો ને પછી ધૃતરાષ્ટ્ર વગેરેને પણ તે અભિપ્રાય જણાવતાં કહ્યું કે-મૂર્ખ દુર્યોધન,ધર્મ,અર્થ ને કામની દ્રષ્ટિથી નિંદિત એવું દૂતને કેદ કરવા રૂપી કર્મ કરવા ધારે છે,પરંતુ તે કોઈ રીતે સિદ્ધ થવાનું નથી.જેમ બાળકો અથવા ગાંડાઓ,અગ્નિને વસ્ત્રમાં બાંધવાની ઈચ્છા કરે ,તેમ એ મુર્ખાઓ શ્રીકૃષ્ણને બાંધવાની ઈચ્છા કરે છે'
ત્યારે વિદુર ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-'હે રાજા,તમારા સર્વ પુત્રો કાળ વડે ઘેરાઈ ગયા છે,તેઓ અશક્ય ને અપયશ આપનારું કર્મ કરવા તૈયાર થયા છે.પરંતુ જેમ,પતંગિયાં અગ્નિ પાસે જતાં નાશ પામે છે તેમ,તેઓ આ નરવ્યાઘ્ર,અજિત ને દુઃસહ શ્રીકૃષ્ણની પાસે આવતાં જ નાશ પામશે.શ્રીકૃષ્ણ માત્ર ઈચ્છા કરે તો સઘળા યુદ્ધ કરનારાઓને જરૂર યમલોકમાં પહોંચાડી દે તેવા છે,પરંતુ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ કોઈ પણ રીતે પાપવાળું નિંદિત કર્મ કરે તેવા ને ધર્મથી ચલિત થાય તેવા નથી'
પછી,શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્ર તરફ જોઈને બોલ્યા કે-'હે રાજા,દુર્યોધન વગેરે જો મને કેદ કરવા ધારતા હોય તો ભલે તેઓ મને કેદ કરે,અથવા હું તેઓને કેદ કરી લઉં,તમે માત્ર આજ્ઞા આપો,તો તે સર્વને કબજે કરવા હું સમર્થ છું.પરંતુ હું કોઈ પણ રીતે નિંદિત તથા પાપયુક્ત કર્મ કરીશ નહિ.માટે જો દુર્યોધન મને કેદ કરવા ઈચ્છતો હોય તો હું તેને ઈચ્છા પ્રમાણે કરવાની રજા આપું છું'
ત્યારે ધૃતરાષ્ટ્રે વિદુરને,દુર્યોધનને તેના મંત્રીઓ સહિત,ફરીથી સભામાં તેડી લાવવાનું કહ્યું એટલે વિદુર તે સર્વને સભામાં લઇ આવ્યો,એટલે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું કે-'ઓ ક્રૂર,તું પાપીઓની સાથે મળીને તેઓની મદદથી પાપકર્મ કરવાની ઈચ્છા કરે છે કે?
સજ્જનોએ નિંદેલુ,અપયશ આપનારું અને કોઈ રીતે સિદ્ધ ન થનારું કામ,તારા જેવો કુળને કલંક લગાડનારો મૂર્ખ મનુષ્ય જ કરવા ધારે ! ઓ મૂર્ખ,ઇન્દ્ર સહિત દેવો પણ જેને બળથી વશ કરી શકે નહિ,તે શ્રીકૃષ્ણને,તું જેમ,બાળક ચંદ્રને પકડવાની ઈચ્છા કરે તેમ,પકડવાની ઈચ્છા કરે છે.જેને સંગ્રામમાં,દેવો,ગંધર્વો,મનુષ્યો અને અસુરો ભેગા મળીને પણ સહન કરી શકે નહિ,તેવા કેશવને તું ઓળખતો નથી.જેમ,હાથવડે વાયુને પકડી શકતો નથી,જેમ,મસ્તક વડે પૃથ્વી ઉપાડી શકતી નથી,તેમ,બળથી કેશવને પકડવા અશક્ય છે (39)
વિદુર બોલ્યા-'હે દુર્યોધન,હું તને જે વચન કહું તે તું ધ્યાનમાં લે.સૌભ વિમાનમાંથી દ્વિવિદ નામના વાનરે,શ્રીકૃષ્ણ પર પાષાણની વૃષ્ટિ કરી તેમને પકડી લેવાની ઈચ્છા કરી હતી,પરંતુ તે તેમ કરી શક્યો નહોતો,તે શ્રીકૃષ્ણને તું કેમ પકડવાની ઈચ્છા કરે છે?
દાનવો સહિત નરકાસુર એમને પકડી શક્યો નહોતો તેમને તું પકડવાની ઈચ્છા કરે છે? એમના જીવનના અનેક પરાક્રમો તું જાણે છે છતાં તું એ દુષ્ટ કર્મ કરવાની ઈચ્છા રાખે છે કે જે બિલકુલ અશક્ય છે.આ કેશવ,સર્વના કર્તા છે,પણ એમનો કર્તા કોઈ નથી.પરાક્ર્મના આદિ કારણ પણ એ જ છે,તેથી તે,જે જે મનમાં લાવે તે યત્ન વિના જ કરે છે.એવા આ ભયંકર પરાક્રમી તથા દૃઢ પ્રતિજ્ઞાવાળા ગોવિંદને તું ઓળખતો નથી ને તેમનો પરાભવ કરવા ઈચ્છે છે,પરંતુ તેમ કરવા જતાં તું,તારા મંત્રીઓ સહિત નાશ પામીશ,તે વિષે કોઈ જ શંકા નથી (53)
અધ્યાય-130-સમાપ્ત