Apr 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-785

 

અધ્યાય-૧૨૯-ગાંધારીનું ભાષણ 


II वैशंपायन उवाच II कृष्णस्य तु वचः श्रुत्वा धृतराष्ट्रो जनेश्वरः I विदुरं सर्वधर्मज्ञं त्वरप्राणोभ्यभाषत II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર રાજા,ઉતાવળથી વિદુરને કહેવા લાગ્યા કે-તું જા,ને ગાંધારીને બોલાવી લાવ.એટલે તેની સાથે મળીને દુર્યોધનને સમજાવું.ગાંધારી જો એ દુષ્ટચિત્ત દુરાત્માને શાંત પાડે તો પછી,આપણે સર્વ શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે કરી શકીએ' પછી,વિદુર જઈને ગાંધારીને બોલાવી લાવ્યા,ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-'મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો.દુરાત્મા દુર્યોધન,ઐશ્વર્યના લોભથી જીવિતનો ત્યાગ કરશે.મર્યાદા વિનાનો તે મૂર્ખ,સ્નેહીઓનાં વચનોનો અનાદર કરીને હમણાં પાપીઓની સાથે ઉદ્ધત થઈને સભામાંથી નીકળી ગયો છે' ત્યારે ગાંધારીએ કહ્યું કે-(9)

'હે મહારાજ,રાજ્યની કામનાવાળા અને તેને માટે આતુર એવા મારા પુત્રને તમે તત્કાળ અહીં બોલાવી મંગાવો.ધર્મ અને અર્થનો નાશ કરનારો ઉદ્ધત પુરુષ કદી રાજ્ય મેળવી શકતો નથી.આ સંબંધમાં,પુત્ર ઉપર પ્રીતિવાળા તમે જ અત્યંત ઠપકાપાત્ર છો.કારણકે તમે તેની પાપવૃત્તિને જાણવા છતાં,પણ તેની બુદ્ધિને જ અનુસરો છો.હે રાજા,તે દુર્યોધન,કામ,ક્રોધ ને લોભને એવો આધીન થઇ ગયો છે કે હવે તમે તેને બળાત્કારથી પણ પાછો વળી શકો તેમ નથી,એવા મૂર્ખ,અજ્ઞાની,દુરાત્મા,લોભી  અને દુષ્ટ સહાયવાળા પુત્રને રાજ્ય આપીને હવે તમે તેનું ફળ ભોગવો છો.હવે એ પૃથ્વીપતિ રાજા બનીને સંબંધીઓમાં પડતા ભેદની બેદરકારી શા માટે કરે?તમને સ્વજનોથી છુટા પડેલા જોઈને તમારા શત્રુઓ,તમારા પર હસશે. (15)


પછી,ગાંધારીના કહેવાથી અને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,વિદુર દુર્યોધનને સભામાં તેડી લાવ્યા.ક્રોધી દુર્યોધને સભામાં પ્રવેશ કર્યો એટલે તરત જ ગાંધારીએ તેની ઝાટકણી કાઢી ને શાંતિને માટે કહેવા માંડ્યું કે-'હે દુર્યોધન,તું મારું કહેવું સાંભળ,એમાં તારા પરિવારસહિત તારું પણ હિત છે ને પરિણામે સુખનો ઉદય છે.તને તારા પિતા,ભીષ્મ,વિદુર આદિ સ્નેહીઓએ જે વચન કહ્યાં છે તે પ્રમાણે તું કર,ને પાંડવોની સાથે તું સલાહ કરીશ તો તે અમારા સર્વની પૂજા કરેલી ગણાશે.બેટા,ભીષ્મે અને દ્રોણે જે કહ્યું છે 'પાંડવો ને શ્રીકૃષ્ણ અજિત છે'તે વાત સત્ય છે,માટે તું શ્રીકૃષ્ણને શરણે જા.જો કેશવ પ્રસન્ન થશે તો બંને પક્ષના સુખનું કારણ થશે.યુદ્ધમાં કલ્યાણ નથી,તેમ ધર્મ ને અર્થની પ્રાપ્તિ પણ નથી ત્યારે સુખ તો હોય? વળી,યુદ્ધમાં નિત્ય વિજય પણ થતો નથી માટે તું યુદ્ધમાં મન લગાડીશ નહિ.તારા પિતા અને ભીષ્મે,પરસ્પરમાં ભેદ ન પડે તે ભયથી પાંડવોને રાજ્યભાગ આપ્યો હતો અને શૂરા પાંડવોએ શત્રુરહિત કરેલી આખી પૃથ્વીનો તું જે ઉપભોગ કરે છે,તે તેનું જ ફળ છે (42)


હે દુર્યોધન,તું મંત્રીઓની સાથે રાજ્ય ભોગવવાની ઈચ્છા રાખતો હોય,તો પાંડવોને ન્યાય પ્રમાણે અર્ધો ભાગ આપી દે.

શ્રીમાન,વિવેકી,બુદ્ધિમાન અને જિતેન્દ્રિય એવા પાંડવોની સાથે તારું યુદ્ધ થવાથી તારું સુખ નાશ પામશે,માટે તું પાંડવોને ભાગ આપી દે,સ્નેહીઓના ક્રોધને શાંત કર અને ન્યાય પ્રમાણે રાજ્ય ચલાવ.તેં તેર વર્ષ સુધી પાંડવોનો અપકાર કર્યો તે જ બહુ છે.હવે તું કામ-ક્રોધ વડે વૃદ્ધિ પામેલા તારા વૈરને શાંત કર.તું,દુઃશાસન,અને કર્ણ પાંડવોનું રાજ્ય પચાવી લેવાની ઈચ્છા કરો છો,પરંતુ તે પચાવવાનું તમારું સામર્થ્ય નથી.તું ક્રોધને આધીન થઈને કુરુકુળનો ને આખી પૃથ્વીનો વિનાશ કર નહિ.(50)


ઓ મૂર્ખ,તું માને છે કે,'ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ યોદ્ધાઓ,સર્વ સામર્થ્યથી મારે માટે યુદ્ધ કરશે' પરંતુ તે હવે અસંભવિત જ છે,કારણકે ભીષ્મ વગેરે વિવેકી છે અને તેઓ રાજ્ય પર બંનેનો સમાન હક ગણે છે,બંને પર સમાન પ્રીતિ રાખે છે અને ધર્મને અધિક માને છે.કદાચ એ 'રાજાનું અન્ન ખાધેલું છે'એ ભયથી જીવનનો ત્યાગ કરશે પરંતુ યુધિષ્ઠિર સામે ઊંચી દ્રષ્ટિથી જોઈ શકશે નહિ.હે દુર્યોધન,આ લોકમાં મનુષ્યોને,કેવળ લોભથી અર્થસંપત્તિ મળેલી જોવામાં આવતી નથી માટે તું લોભને છોડી દે ને શાંતિ ધારણ કર. (54)

અધ્યાય-129-સમાપ્ત