અધ્યાય-૧૨૮-શ્રીકૃષ્ણનો પ્રત્યુત્તર
II वैशंपायन उवाच II ततः प्रशम्य दाशार्ह: क्रोधपर्याकुलेक्षण:I दुर्योधनमिदं वाक्यमब्रवीत्कुरुसंसदि II १ II
વૈશંપાયને કહ્યું-દુર્યોધનનો એ ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણનાં નેત્રો ક્રોધથી વ્યાકુળ થઇ ગયાં,પણ તે કૈંક ગમ ખાઈને,સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-તું જે વીરશૈય્યાની ઈચ્છા કરે છે તે તારો મનોરથ પૂર્ણ થશે,થોડા જ સમયમાં સંગ્રામ શરુ થશે.
ઓ મૂર્ખ,તું એમ માને છે કે-પાંડવો તરફ તેં કોઈ અપરાધ કર્યો નથી,પરંતુ હે રાજાઓ,આના સર્વ અન્યાયોને તમે સાંભળો.
હે ભરતવંશી,તું પાંડવોના વૈભવને જોઈને તપી ઉઠ્યો અને તેં તથા શકુનિએ દ્યુત રમવાની દુષ્ટ વિચાર ઉભો કર્યો.
પાંડવો કે જે સદાચારી,સજ્જનોને માન્ય અને સરળ આચરણવાળા છે,તેઓની સાથે કપટપૂર્વક અન્યાયથી વર્તવું એ કેમ યોગ્ય ગણાય? તેં સદાચારીઓની સલાહ ન લેતાં,પાપીઓની સાથે મળીને,દ્યુતદ્વારા આ ભયંકર સંકટ વહોરી લીધું છે.(7)
કુલીન દ્રૌપદીને સભામાં ખેંચી મંગાવીને તેં તેને જેવાં વચનો કહ્યાં અને તેનું જેવું અપમાન કર્યું,તેવું પોતાના ભાઈની સ્ત્રીનું કોણ અપમાન કરે? પાંડવો વનમાં જવા નીકળ્યા ત્યારે,દુઃશાસને ભરી સભામાં તેમને જે વચનો કહ્યા તે સર્વ જાણે જ છે.
તેં,કર્ણે અને દુઃશાસને ક્રૂર અને અનાર્ય પુરુષોના જેવું અનેકવાર ભાષણ કર્યું છે.અરે,પાંડવો બાળકો હતા ત્યારે તેં તેમને તેઓની માતાસહિત બાળી મુકવાનો પ્રયત્ન કર્યો હતો,પણ તારો તે પ્રયત્ન સફળ થયો નહોતો.તેં ઝેરથી,સર્પોના બંધનથી અને બીજા સર્વ ઉપાયોથી પાંડવોના વિનાશને માટે યત્ન કર્યો હતો.તું સર્વદા પાંડવોની સાથે કપટતાથી ને દુષ્ટતાથી વર્ત્યો છે ત્યારે પાંડવો તરફ તારો કોઈ અપરાધ નથી એમ કહેવાય કેમ? (16)
હમણાં,પાંડવો,શાંતિથી માગણી કરે છે પણ તેમને જો તું તેમના પિતાનો ભાગ આપીશ નહિ,તો હે પાપાત્મા,તું પાંડવોના હાથે પડીને ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈને આપીશ.કોઈ ક્રૂર મનુષ્યની જેમ,પાંડવો પ્રત્યે અનેક અકાર્યો કરીને,હજી પણ કપટવૃત્તિ ધારણ કરીને આજે તું મારી સાથે વિવાદ કરે છે? તને વડીલોએ વારંવાર સલાહ કરવાનું કહ્યું પણ કહ્યું,પણ તે વાત તને ગમતી નથી,તેનું કારણ તારી અલ્પબુદ્ધિ વિના બીજું શું હોય? તારા આ કામથી તને સુખ મળશે નહિ.(21)
શ્રીકૃષ્ણ એ પ્રમાણે કહેતા હતા ત્યારે દુઃશાસને તે સભામાં ક્રોધી દુર્યોધનને કહ્યું કે-'હે રાજા,તમે જો પોતાની ઈચ્છાથી,પાંડવોની સાથે સલાહ નહિ કરો તો,કુરુવંશી પુરુષો તમને બાંધીને પાંડવોને સ્વાધીન કરશે.આ ભીષ્મ,દ્રોણ અને તમારા પિતા તમને,કર્ણને અને મને -એ ત્રણેને બાંધીને પાંડવોને સાંપશે' ત્યારે દુઃશાસનના તે વચન સાંભળીને ક્રોધે ભરાયેલો દુર્યોધન,મોટા નાગની જેમ ફૂંફાડા મારતો ઉભો થઈને સભામાંથી ચાલતો થયો.સભાના સર્વનો અનાદર કરીને તે ચાલ્યો ત્યારે તેની પાછળ,તેના ભાઈઓ,મંત્રીઓ ને સર્વ રાજાઓ પણ સભા છોડી ચાલી નીકળ્યા.
તે વખતે ભીષ્મ બોલ્યા-'જે મનુષ્ય,ધર્મ-અર્થનો ત્યાગ કરીને ક્રોધને આધીન થાય છે,તેને થોડા જ સમયમાં સંકટમાં સપડાયેલો જોઈને તેના શત્રુઓ હસે છે.દુર્યોધન દુરાત્મા છે ને રાજ્યનું મિથ્યા અભિમાન ધરાવે છે,તે ક્રોધી,લોભી અને અવળા ઉપાયોનો આશ્રય લેનારો છે.હે જનાર્દન,હું માનું છું કે-આ સર્વ ક્ષત્રિયો કાળ વડે પરિપક્વ થઇ ગયા છે,કારણકે તે દુર્યોધનને અનુસરે છે'
શ્રીકૃષ્ણ બોલ્યા-ઐશ્વર્ય વડે મૂઢ થયેલા આ દુર્યોધનને તમે કેદ કરતા નથી તે તમ સર્વ વૃદ્ધ કૌરવોનો પ્રમાદ છે.આ સંબંધી,જે કાર્ય કરવા યોગ્ય હું માનું છું,અને જે કરવાથી કલ્યાણ થાય એમ છે,તે તમે સાંભળો,ને તમને જો અનુકૂળ લાગે ને રુચે તો તેમ કરજો.ભોજકુળના ઉગ્રસેનનો પુત્ર કંસ,દુરાચારી ને અવશ્ય ચિત્તવાળો હતો,ને પિતાના જીવતાં તેમનું રાજ્ય હરી લીધું હતું,અને તેથી તે મૃત્યુને તાબે થયો હતો,સંબંધીઓએ તેનો ત્યાગ કર્યો હતો,ત્યારે તેઓનું હિત કરવાની ઈચ્છાથી મેં તેને યુદ્ધમાં માર્યો હતો,ને પાછો ઉગ્રસેનને પાછો ગાદીએ બેસાડ્યો હતો.કુળને માટે એક કંસનો ત્યાગ કરીને સર્વ યાદવો તથા અંધકો એકઠા મળીને હવે આબાદી ભોગવે છે.પૂર્વે ભયંકર દેવાસુર સંગ્રામમાં બ્રહ્માએ ધર્મને કહ્યું હતું કે-'તમે આ દૈત્યો-દાનવોને બાંધીને વરુણને સ્વાધિ કરો' ત્યારે ધર્મે તેમ કર્યું હતું ને ત્યારથી તે વરુણ તેમને બાંધીને સાવધાન થઈને દેવોનું રક્ષણ કરે છે.(47)
આ જ પ્રમાણે તમે પણ,દુર્યોધન,કર્ણ,શકુનિ,અને દુઃશાસનને બાંધીને પાંડવોને સોંપી દો.શાસ્ત્રમાં કહેલું છે કે કુળના રક્ષણને માટે એક પુરુષનો ત્યાગ કરવો પડે તો કરવો.માટે હે રાજા તમે એક દુર્યોધનને બાંધીને પણ પાંડવોની સાથે સંધિ કરો.એટલે તમારે લીધે ક્ષત્રિયોનો વિનાશ થાય નહિ (50)
અધ્યાય-128-સમાપ્ત