Apr 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-783

 

અધ્યાય-૧૨૭-દુર્યોધનનાં વાક્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा दुर्योधनो वाक्यमप्रियं कुरुसंसदि I प्रत्युवाच महाबाहुं वासुदेवं यशस्विनम् II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કૌરવોની સભામાં,પોતાને અપ્રિય લાગે તેવાં વાક્ય સાંભળીને દુર્યોધન,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-

'હે કેશવ,તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ.તમે ખાસ કરીને કઠોર શબ્દો બોલીને મારી જ નિંદા કરો છો.તમે નિત્ય પાંડવો પર પ્રીતિ દર્શાવનારા વાદ વડે એકાએક મારી જે નિંદા કરો છો,તે અમારા અને પાંડવો વચ્ચેના કયા બળાબળને જોઈને કરો છો? તમે,વિદુર,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,અને ભીષ્મ કેવળ મારી જ નિંદા કરો છો,બીજા કોઈ રાજાને નિંદતા નથી.હું તો મારો કોઈપણ અન્યાય જોતો નથી,છતાં રાજાઓ સહિત તમે સર્વ મારો જ દ્વેષ કર્યા કરો છો (5)

હે કેશવ,હું વિચાર કરું છું તો પણ,મારો કોઈ પણ જાતનો મહાઅપરાધ કે અતિ સૂક્ષ્મ અપરાધ પણ મારામાં જોવામાં આવતો નથી.પાંડવો,પ્રીતિથી સ્વીકારેલા દ્યુતમાં,શકુનિથી રાજ્ય હારી ગયા,એમાં મારો શો અપરાધ? તે દ્યુતમાં તેઓ જે થૉડુ દ્રવ્ય જીત્યા હતા,તે મેં તે જ વખતે તેઓને આપી દીધું હતું.પાસાથી હારીને તેઓ વનમાં ગયા તેમાં મારો કોઈ અપરાધ નથી.તો પછી તેઓ અમારા પર કયો અપરાધ મૂકીને શત્રુ માનીને અમારો વિરોધ કરે છે? પાંડવો અસમર્થ છે છતાં ઉમંગમાં આવી જઈને શત્રુની જેમ અમારો કેમ વિરોધ કરે છે? અમે તેઓનું શું બગાડ્યું છે? કયા અપરાધને લીધે તેઓ અમને મારવાની ઈચ્છા રાખે છે? પણ,અમે તેઓના વચનથી ભયભીત થઈને રાજ્ય છોડીને માથું નમાવીએ તેવા નથી.(12)


ક્ષાત્રધર્મ પ્રમાણે વર્તનારામાંથી યુદ્ધમાં અમને જીતવાનો ઉત્સાહ ધરાવે તેવો મને તો કોઈ પણ દેખાતો નથી.ભીષ્મ,દ્રોણ,કૃપ અને કર્ણ-એમને યુદ્ધમાં,દેવો જીતી શકે નહિ,તો પાંડવોની શી વાત? છતાં,અમે સ્વધર્મનું પાલન કરતાં કદાચ શસ્ત્રથી મરણ પામશું,તો પણ તે અમને સ્વર્ગ આપનારું જ રહેશે.અમે સંગ્રામમાં બાણશૈય્યા ઉપર શયન કરીએ,એ અમારો ક્ષત્રિયોનો મુખ્ય ધર્મ જ છે,અને શત્રુઓને નમ્યા વિના અમે વીરગતિ પ્રપ્ત કરીશું તો અમારા સંબંધીઓ સંતાપ પામશે નહિ.

'પુરુષે નમી જવું નહિ પણ ઉદ્યમ ચાલુ જ રાખવો,કારણકે ઉદ્યમ એ જ પુરુષાર્થ છે.પુરુષે વાંસની જેમ વચ્ચેથી ભાગી જવું પણ કદી નમવું નહિ' એ માતંગ મુનિનાં વચનને,પોતાનું હિત ઇચ્છતા મનુષ્યો અનુસરે છે.મારા જેવા પુરુષે,ધર્મ અને બ્રાહ્મણને પ્રણામ કરવા અને બીજા કોઈની દરકાર ન રાખતા,મરણ સુધી અક્કડ થઈને વર્તવું,કે જે ક્ષત્રિયોનો ધર્મ છે.(21)


હે કેશવ,મારા પિતાએ,પાંડવોને જે રાજ્યભાગ આપવા પૂર્વે કબૂલ કર્યું હતું,તે હવે હું જીવું છું ત્યાં સુધી ફરી કદી પણ પાંડવોને મળે તેમ નથી.જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર રાજા જીવે છે ત્યાં સુધી અમે શસ્ત્રો હેઠાં મૂકીને,ભિક્ષુકની જેમ નિર્વાહ કરીશું,પણ પૂર્વે વાણીથી આપેલું રાજ્ય મારે હાથે તેઓને પાછું અપાય તેમ નથી,કારણકે હું પરાધીન છું.હું બાળક હતો તે વખતે અજ્ઞાનને લીધે અથવા ભયને લીધે પાંડવોને રાજ્ય આપ્યું હતું પણ તે આજે પાંડવોને પાછું મળે તેમ નથી.હે કેશવ,મોટા બાહુઓવાળો હું હમણાં જીવતો બેઠો છું,તેથી સોયની અણીથી વીંધાય એટલી પૃથ્વી પણ અમારે પાંડવોને અપાવી નથી (25)

અધ્યાય-127-સમાપ્ત