Apr 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-782

 

અધ્યાય-૧૨૬-ભીષ્મ અને દ્રોણનો ફરીથી ઉપદેશ 


II वैशंपायन उवाच II धृतराष्ट्रवचः श्रुत्वा भीष्मद्रौणो समव्यथौ I दुर्योधनमिदं वाक्यमुचतुः शासनातिगः II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રનાં વચન સાંભળીને સમાન ચિંતાવાળા ભીષ્મ તથા દ્રોણ,આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને કહેવા લાગ્યા-'જ્યાં સુધી શ્રીકૃષ્ણ તથા અર્જુન યુદ્ધ કરવા સજ્જ થયા નથી,જ્યાં સુધી ગાંડીવ ધનુષ ઠેકાણે રહેલું છે,જ્યાં સુધી ધૌમ્ય સંગ્રામના યજ્ઞમાં શત્રુસેનાની આહુતિ આપવા લાગ્યા નથી,જ્યાં સુધી યુધિષ્ઠિરે ક્રોધ કરીને તારી સેના તરફ જોયું નથી,ત્યાં સુધીમાં વેર શાંત થઇ જાય તો સારું.જ્યાં સુધી,અર્જુન હાથમાં ગાંડીવ લઈને અને ભીમ હાથમાં ગદા લઈને,પોતાના સૈન્યમાં જોવામાં આવતો નથી ત્યાં સુધીમાં વૈર શાંત થવું જોઈએ.જ્યાં સુધી,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,શિખંડી-આદિ સર્વ અસ્ત્રનિપુણ યોદ્ધાઓ બખ્તરો ચડાવીને,ઝડપથી બાણો ફેંકતા સૈન્યમાં પ્રવેશ કરે નહિ ત્યાં સુધીમાં આ વૈર શાંત થઇ જાય તો સારું.અને મસ્તક વડે પ્રણામ કરતા તને યુધિષ્ઠિર પોતાના બે હાથથી તને ઉપાડી લે તેમ તું કર.(12)

હે ભરતશ્રેષ્ઠ,અત્યંત દક્ષ એવા યુધિષ્ઠર,શાંતિને માટે પોતાનો ધ્વજ,અંકુશ તથા પતાકાના ચિહ્નવાળો પોતાનો જમણો હાથ તારા ખભા પર મુકો અને તું બેસે એટલે તેમનો હાથ તારી પીઠ પર ફેરવો.ભીમસેન તને ભેટીને શાંતિ કરવા માટે તારી સાથે શાંત શબ્દોથી વાર્તાલાપ કરો.અર્જુન,સહદેવ અને નકુલ આ ત્રણે પ્રણામ કરે એટલે તું તેમનાં મસ્તક સૂંઘીને તેમની સાથે પ્રેમથી વાર્તાલાપ કર.રાજધાનીમાં તમારી પરસ્પરની પ્રીતિને માટે ઢંઢેરા દ્વારા પ્રસિદ્ધ કરો અને તમે બધા ભ્રાતૃભાવથી પૃથ્વીનો ઉપભોગ કરો ને તું સંતાપરહિત થા (18)

અધ્યાય-126-સમાપ્ત