અધ્યાય-૧૨૫-ભીષ્મ-આદિનો દુર્યોધનને ઉપદેશ
II वैशंपायन उवाच II ततः शांतवनो भीष्मो दुर्योधनममर्षणं I केशवस्य वचः श्रुत्वा प्रोवाच भरतर्षम II १ II
વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ જન્મેજય,પછી,શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને શાંતનુના પુત્ર ભીષ્મ અસહનશીલ દુર્યોધનને કહેવા લાગ્યા કે-'હે તાત,સંબંધીઓમાં સલાહસંપ થાય એવી ઇચ્છવાળા શ્રીકૃષ્ણે તને જે વચન કહ્યાં છે તે વચનને ગ્રહણ કર.ક્રોધને આધીન થઈશ નહિ.શ્રીકૃષ્ણનાં વચન પ્રમાણે તું નહિ ચાલે તો તારું કદી પણ શ્રેય થશે નહિ,તારું કલ્યાણ થશે નહિ અને તને સુખ પણ મળશે નહિ.તું પ્રજાનો નાશ કર નહિ.આ તારી રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓમાં અતિ ઉજ્જવળ છે તેનો તું કેવળ પોતાની દુષ્ટતાને લીધે ધૃતરાષ્ટ્રની હયાતિમાં જ નાશ કરી બેસીશ.અને 'હું હું' એવી અભિમાની બુદ્ધિને લીધે મંત્રી,પુત્ર,ભાઈઓ અને સગાઓની સાથે તું તારા પોતાના જીવનનો પણ નાશ કરીશ.તું તારા પિતા,વિદુર અને શ્રીકૃષ્ણ-એ સર્વના સાચાં ને હિતકારક વચન ઓળંગીને પોતાને 'કૃતઘ્ન,કુપુરુષ,દુર્મતિ,કુમાર્ગગામી'એવાં વિશેષણો લગાડીશ નહિ અને માબાપને શોક સાગરમાં ડુબાવીશ નહિ'(8)
પછી,દુર્યોધનને દ્રોણ કહેવા લાગ્યા કે-'હે તાત,શ્રીકૃષ્ણે અને ભીષ્મે તને ધર્મ ને અર્થયુક્ત વચનો કહ્યાં છે માટે તેનો સ્વીકાર કર. અને તેમણે જે કહ્યું તે પ્રમાણે આચરણ કર,તું તારી બુદ્ધિના મોહને લીધે શ્રીકૃષ્ણનું અપમાન કર નહિ.આ કર્ણ વગેરે તને ચઢાવે છે ખરા,પરંતુ વિજયમાં તે કોઈ પણ રીતે કામમાં આવશે નહિ,એ લોકો તો સંગ્રામ વખતે પારકાઓને ગળે વૈરનું ઝુંસરું ભેરવીને આઘા ખસી જશે.જે પક્ષમાં વાસુદેવ અને અર્જુન રહેલા છે,તેને તું સંપૂર્ણ રીતે અજિત જાણ.અને સર્વનો નાશ કર નહિ.
તું એમના સત્ય મતને સ્વીકારશે નહિ તો તારે પાછળથી પશ્ચાતાપ કરવો પડશે.પરશુરામે અર્જુનને જે પરાક્રમ વર્ણવ્યું છે તેના કરતાં પણ અર્જુન અધિક પરાક્રમી છે અને શ્રીકૃષ્ણ તો સર્વને ભારે પડે તેવા છે.તને આથી વધુ અધિક વાત કહેવાથી શું ફળ છે?મેં જે કહેવાનું છે તે સર્વ કહ્યું હવે તારી ઈચ્છા પ્રમાણે આવે તેમ કર.હવે હું વધુ કહેવાની ઈચ્છા રાખતો નથી.(17)
પછી,વિદુરે દુર્યોધનને કહ્યું છે કે-'હે દુર્યોધન,હું તારો શોક કરતો નથી,પણ તારાં વૃદ્ધ માતાપિતાનો શોક કરું છું,કારણકે દુષ્ટ હૃદયવાળો તું એનો રણીધણી થઇ પડ્યો છે.તેથી એ બંને,મિત્રો તથા અમાત્યોથી રહિત અને નિરાધાર થઈને પાંખ વગરનાં પંખીની જેમ રવડશે.તેઓ આવા કુળહત્યારા પાપી કુપુરુષને જન્મ આપવાથી ભિક્ષુક થઈને આ પૃથ્વી પર શોક કરતાં ભટકશે'
પછી,ધૃતરાષ્ટ રાજાએ કહ્યું કે-હે દુર્યોધન,મહાત્મા શ્રીકૃષ્ણે તને જે વચન કહ્યાં છે તે અત્યંત કલ્યાણકારી અને યોગક્ષેમ આપનારાં છે તેને તું ધ્યાનપૂર્વક ગ્રહણ કર.આ શ્રીકૃષ્ણ સહાયરૂપે મળવાથી આપણે સર્વ રાજાઓમાં આપણા સર્વ ઇષ્ટ અભિપ્રાયોને સાધ્ય કરીશું.શ્રીકૃષ્ણની સાથે એકતા કરીને તું યુધિષ્ઠિર પાસે જા અને સલાહ કર.આ સલાહ કરવાનો સમય છે એમ હું માનું છું માટે સમયને નિષ્ફળ જવા ન દે.તારા હિતને માટે ભાષણ કરતા શ્રીકૃષ્ણને જો તું પાછા કાઢીશ તો તારો પરાજય જ થશે એ નક્કી જ છે (27)
અધ્યાય-125-સમાપ્ત