Apr 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-780

અધ્યાય-૧૨૪-શ્રીકૃષ્ણનો દુર્યોધનને ઉપદેશ 


II धृतराष्ट्र उवाच II भग्वन्नेवमेवैतद्यथा वदसि नारद I इच्छामि चाहमप्येवं नत्विसो भगवन्नहम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે ભગવન નારદ,તમે જે કહો છો તેમ જ છે,અને હું પણ એ પ્રમાણે થાય તેમ ઈચ્છું છું,પરંતુ હે ભગવન,મારી સત્તા ચાલતી નથી' આ પ્રમાણે નારદને કહીને પછી ધૃતરાષ્ટ્ર,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમે મને જે બોધ કર્યો,તે ધર્મ તથા ન્યાયને અનુસરનારો અને આ લોકમાં સુખ આપનારો છે.દુર્યોધને જે કાર્ય કરવા માંડ્યું છે તે મને પ્રિય નથી પરંતુ હું શું કરું?હું સ્વાધીન સત્તાવાળો નથી માટે તમે મારા આ મૂર્ખ તથા શાસ્ત્રનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને જ સમજાવવા પ્રયત્ન કરો.

તે ગાંધારી,વિદુર ભીષ્મનાં વચનને પણ સાંભળતો નથી,માટે તમે પોતે જ દુર્યોધનને ઉપદેશ આપો.હે જનાર્દન,આ કામ કરવાથી તમે એક મોટું સુહૃતકાર્ય કરેલું ગણાશે.' ત્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન તરફ વળીને મધુર વાણીથી બોલ્યા કે-

'હે કુરુશ્રેષ્ઠ દુર્યોધન,તું મારાં આ વચનને સાંભળ,કે જે પરિવારસહિત તારું ભલું કરનાર છે.તું ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો છે માટે તારે ઉત્તમ કામ કરવું જોઈએ.તું શાસ્ત્ર,સદાચાર તથા સર્વ ગુણોથી સંપન્ન છે,પણ હમણાં તું જેવું કામ કરવા ધારે છે તેવું કામ તો દુષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા દુરાત્મા,ક્રૂર તથા નિર્લજ્જ લોકો જ કરે છે.આ લોકમાં દુર્જનોની પ્રવૃત્તિ જ ધર્મ અને અર્થથી વિપરીત જોવામાં આવે છે અને આ વિપરીત વૃત્તિ તારામાં વારંવાર જોવામાં આવે છે.હે ભારત,આ સંબંધમાં તારો જે આગ્રહ છે,તે અધર્મરૂપ,ભયંકર,પ્રાણહારક,મહાન અનિષ્ટકારક ને પાછળથી ટાળી ન શકાય તેવો છે માટે તે અનર્થનો ત્યાગ કરવાથી તું તારું પોતાનું,તારા ભાઈઓનું,સેવકોનું અને મિત્રોનું કલ્યાણ કરીશ.અને તું પણ અધર્મયુક્ત તથા અકીર્તિકારક કર્મથી મુક્ત થઈશ.તું પાંડવોની સાથે સંધિ કર કે જે કાર્ય ધૃતરાષ્ટ્ર,ભીષ્મ,વિદુર -આદિ સર્વેનું હિતકારક છે ને તેમને પ્રિય પણ છે.(18)


હે દુર્યોધન,તું કુલીન,લજ્જાશીલ,શાસ્ત્રસંપન્ન અને દયાળુ છે આતે તું માતપિતાની આજ્ઞામાં રહે ને પિતા જે ઉપદેશ કરે છે,તેને કલ્યાણકારક માન.કોઈ પણ મનુષ્ય જયારે મોટી આપત્તિમાં પડી જાય છે ત્યારે તે પિતાના શબ્દોને સંભારે છે.તારા પિતાને પાંડવોની સાથે સલાહ કરવી રુચે છે અને તેમના અમાત્યોને પણ તેમ જ કરવું રુચે છે.માટે તને પણ તે રુચિકર થાઓ.

જે મનુષ્ય સ્નેહીઓનાં વચન સાંભળીને તે પ્રમાણે વર્તતો નથી,તેને 'મહાકાળ' નામનાં ફળ ખાનારાની જેમ પરિણામે બળવું પડે છે.જે પુરુષ બુદ્ધિના મોહને લીધે કલ્યાણકારક વાક્યને સ્વીકારતો નથી,તે મનુષ્યને કાર્ય નાશ પામતાં પશ્ચાતાપ કરવો પડે છે પરંતુ જે મનુષ્ય કલ્યાણકારક વાત સાંભળીને પોતાનો મત છોડી પ્રથમથી જ તેને સ્વીકારે છે તે આ લોકમાં સુખ ભોગવે છે.


જે મનુષ્ય,પોતાના હિતૈષીનાં વચનને,તે માત્ર પોતાની ઈચ્છા વિરુદ્ધ હોવાથી જ સાંખતો નથી અને અહિત વચનો સાંભળે છે,તે શત્રુઓને વશ થાય છે.જે સજ્જનોના મતને ઉલ્લંઘીને દુર્જનોના મતને અનુસરે છે તેને સંકટ આવી પડતાં,તેના સ્નેહીઓ થોડા સમયમાં જ રડે છે.જે મુખ્ય મંત્રીઓને છોડીને હલકા મંત્રીઓને સેવે છે,તે ભયંકર આપત્તિમાં પડે છે અને તેમાંથી નીકળવાનો માર્ગ તેને જડતો નથી.જે પુરુષ,દુર્જનોની સેવા કરે છે ને સજ્જન સ્નેહીઓનાં વચનો સાંભળતો નથી,જે,પારકાંઓને પોતાના માને છે ને પોતાનાંઓનો દ્વેષ કરે છે તેનો પૃથ્વી ત્યાગ કરે છે.તું પણ વીર પાંડવોથી વિરોધ કરીને બીજા અસભ્ય,અસમર્થ અને મૂઢ લોકોથી પોતાનું રક્ષણ ઈચ્છે છે.રે,ઇન્દ્ર સમા મહારથી સંબંધીઓનો ત્યાગ કરીને બીજાઓથી રક્ષણની આશા રાખનારો પૃથ્વીમાં તારા વિના બીજો કોણ મનુષ્ય હોય? (30)


તેં જન્મથી આરંભીને નિત્ય પાંડવોને દુઃખ દીધું છે,છતાં,પાંડવો તારા પર કદી પણ કોપ કરતા નથી કારણકે પાંડવો ધર્માત્મા છે.તે પાંડવોને કપટથી છેતર્યા છે છતાં તે પાંડવો તારી સાથે સારી રીતે જ વર્ત્યા છે,તો તારે પણ તેઓની સાથે તે પ્રમાણે જ વર્તવું જોઈએ.તું પોતાના બંધુ પાંડવો તરફ ક્રોધધીન થા નહિ.હે ભરતશ્રેષ્ઠ,જ્ઞાની પુરુષો ધર્મ,અર્થ અને કામ જેનાથી સિદ્ધ થતાં હોય તેવાં કર્મનો આરંભ કરે છે અને એ ત્રિવર્ગ સિદ્ધ થાય તેમ ન હોય તો ધર્મ અને અર્થ સિદ્ધ થાય તેવું કામ કરે છે,પરંતુ એક કામથી એ ત્રણ અથવા બેની સિદ્ધિ થતી ન હોય અને એક એક કામથી એક એકની જ સિદ્ધિ થતી હોય તો તેમાં ખરો ધીર પુરુષ,જેનાથી ધર્મ સધાય એવાં કર્મનો જ આશ્રય કરે છે.


જે મધ્યમ વિચારનો મનુષ્ય છે તે કલહના મૂળરૂપ અર્થ (ધન)પ્રાપ્ત કરી કર્મનો આશ્રય કરે છે ને કેવળ મૂર્ખ મનુષ્ય કામતૃપ્તિ આપનારાં કર્મનો જ આશ્રય કરે છે.જે જ્ઞાની મનુષ્ય,ઇન્દ્રિયોને આધીન થઈને લોભને લીધે ધર્મનો સમૂળ ત્યાગ કરે છે અને અયોગ્ય ઉપાયથી કામ અને અર્થ સંપાદન કરવાની ઈચ્છા રાખે છે તે વિનાશ પામે છે,માટે જેને,કામ અને અર્થ સંપાદન કરવાની ઈચ્છા હોય,તેણે પ્રથમથી જ ધર્મનું જ આચરણ કરવું જોઈએ કારણકે અર્થ અને કામ કદી ધર્મથી વેગળા રહેતા નથી.

હે રાજા,ધર્મ,અર્થ અને કામ-આ ત્રિવર્ગને ધર્મ જ સાધનરૂપ છે,એમ વિદ્વાનો કહે છે.જેમ,ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ ઝટ વૃદ્ધિ પામે છે,તેમ ધર્મનું આચરણ કરવાથી ત્રિવર્ગ ઝટ વૃદ્ધિ પામે છે.પણ,તું તો આ સામ્રાજ્ય નીચ ઉપાય વડે જ સંપાદન કરવાની ઈચ્છા રાખે છે.જે મનુષ્ય,પોતાની સાથે સારી રીતે વર્તન કરનારની સામે કપટથી વર્તે છે,તે પોતે જ પોતાનો નાશ કરે છે.


જેનો પરાભવ ન થાય એવી પોતાની ઈચ્છા હોય,તેની બુદ્ધિને લોભ વગેરેથી દુષિત કરવી નહિ,કારણકે જેની બુદ્ધિ દુષિત ન થઇ હોય તેની જ બુદ્ધિ કલ્યાણમાર્ગમાં દોરાય છે.જે સ્થિર બુદ્ધિવાળો છે તે ત્રણે લોકમાં કોઈ સામાન્ય પ્રાણીનું પણ અપમાન કરતો નથી તો પછે શ્રેષ્ઠ પાંડવોનું તો કરે જ ક્યાંથી? જે મનુષ્ય ક્રોધને આધીન થાય છે તેને કંઈ પણ ભાન રહેતું નથી.તું દુર્જનોની સંગતિ કરવા કરતાં પાંડવોની સાથે જો સંગતિ કરીશ તો તારું કલ્યાણ થશે.પાંડવો તારી પર પ્રીતિ રાખે તેમ કરવાથી તારા સર્વ મનોરથો સિદ્ધ થશે.તું પાંડવોએ સંપાદન કરેલી ભૂમિને ભોગવે છે,છતાં તે પાંડવોને જ પાછળ રાખીને બીજાઓથી રક્ષા ઈચ્છે છે-એ શું કહેવાય? દુઃશાસન,કર્ણ અને શકુનિના ઐશ્વર્યનો આધાર રાખી તું સમૃદ્ધિની ઈચ્છા રાખે છે પરંતુ એ સર્વ જ્ઞાન,ધર્મ,અર્થ અને પરાક્રમમાં કોઈ રીતે પાંડવોને પુરા પડે તેમ નથી.


તારી સાથેના આ સર્વ રાજાઓ સંગ્રામમાં કોપી ઉઠેલા ભીમનું મુખ જોવાને પણ સમર્થ નથી.આ એકઠું મળેલું રાજાઓનું સમગ્ર સૈન્ય,અને આ ભીષ્મ,દ્રોણ,કર્ણ,કૃપ,અશ્વસ્થામા -આદિ સર્વ એકત્ર થાય તો પણ અર્જુનની સામે યુદ્ધ કરવા અસમર્થ છે.

અરે,સંગ્રામમાં સર્વ દેવો,અસુરો,ગંધર્વો અને મનુષ્યો એકઠા થઈને આવે તો પણ અર્જુન જીતાય તેવો નથી,માટે તું યુદ્ધ કરવાનું માંડી વાળ.તું આ રાજ્યોના સમગ્ર સૈન્યમાંથી કોઈ એવો પુરુષ તો દેખાડ કે જે અર્જુનની સામે યુદ્ધમાં જઈને ક્ષેમકુશળ પાછો ઘેર આવે? હે રાજા,સંગ્રામમાં મનુષ્યોનો ક્ષય કરવાથી તને શું ફળ મળશે?જે અર્જુનને જીતવાથી સર્વને જીત્યા ગણાય,તે અર્જુનને જીતનારા એક પુરુષને જ તું ખોળી નાખ એટલે થયું!!(52)


વિરાટનગરમાં એકલા અર્જુને કરેલું યુદ્ધ તેના પરાક્રમનું પૂરતું ઉદાહરણ છે.જે અર્જુને યુદ્ધમાં સાક્ષાત મહાદેવને સંતુષ્ટ કર્યા હતા તેવા વીર અર્જુનને તું સંગ્રામમાં જીતવાની ઈચ્છા રાખે છે એ શું કહેવાય?મારી સાથે રહીને તે અર્જુનની સામે,યુદ્ધમાં કોણ સામે આવી શકે તેમ છે? રે,સાક્ષાત ઇન્દ્ર પણ સામે ઉભો રહી શકે તેમ નથી.યુદ્ધમાં જે અર્જુનને જીતે,તે પુરુષ,બે હાથ વડે પૃથ્વીને ઉપાડી લે,કે દેવોને પણ સ્વર્ગમાંથી પાડી દે,એમ જ જાણવું.તું તારા આ પુત્રો,ભાઈઓ,જ્ઞાતિજનો,અને સંબંધીઓ તરફ દૃષ્ટિ કર,ને ભરતકુળમાં જન્મેલા આ શ્રેષ્ઠ પુરુષો તારે લીધે નાશ ન પામે તેમ કર.


હે રાજ,કુરુકુળમાં ઉત્પન્ન થયેલાઓનાં મૂળને બાકી  રહેવા દે,આ કુળનો પરાભવ ન થાય તેમ કે,ને તું પોતે કીર્તિરહિત થઈને 'કુળઘ્ન'એવા નામને પાત્ર ન થા.તું પાંડવોની સાથે સલાહ કરીશ તો તે મહારથીઓ તને જ યુવરાજના પદ પર સ્થપાશે અને તારા પિતા ધૃતરાષ્ટ્રને જ મહારાજ પદ પર સ્થાપશે.હે તાત,તું પોતાની મેળે આવતી લક્ષ્મીનો અનાદર ન કર અને પાંડવોને અર્ધું રાજ આપી રાજ્યલક્ષ્મીને પ્રાપ્ત થા.તું પાંડવો સાથે સલાહ કર,સ્નેહીઓનાં વચનને માન આપ અને મિત્રોની પ્રીતિ સંપાદન કર,એટલે તારું લાંબા કાળ સુધી કલ્યાણ થશે (62)

અધ્યાય-124-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE