અધ્યાય-૧૨૨-યયાતિ ફરી સ્વર્ગમાં ગયો
II नारद उवाच II प्रत्यभिज्ञातमात्रोथ सद्भिरतैर्नरपुंगवः I समारुरोह नृपतिरस्पृशन्ववसुधातलम् I
ययतिर्दिव्यसंस्थानो बभूव विगतज्वरः II १ II
નારદે કહ્યું-તે સજ્જનોએ નરશ્રેષ્ઠ યયાતિ રાજાને ઓળખ્યો,તેની સાથે જ તે ક્લેશરહિત થઈ,પૃથ્વીતળનો સ્પર્શ ન કરતાં,સ્વર્ગ તરફ ઊંચે ચઢવા લાગ્યો.તે વખતે,માધવીના પુત્રો વસુમના,પ્રતર્દન,શિબિ,અને અષ્ટકે પોતપોતાનું પુણ્યફળ તેને આપ્યું.અને
તે પુણ્યફળ પ્રાપ્ત થતાં જ તે પૃથ્વીનો ત્યાગ કરીને ફરીથી સ્વર્ગ તરફ ઊંચે ચડવા લાગ્યો.આ રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા યયાતિને તેના દોહિત્રોએ પોતાના યજ્ઞ અને દાનના ધર્મ વડે તાર્યો હતો.તે વખતે તે રાજાઓ બોલ્યા કે-હે રાજા,અમે તમારા દોહિત્રો,રાજાઓના ધર્મ અને ગુણોથી યુક્ત છીએ અને સર્વ ધર્મગુણોથી સંપન્ન છીએ,એ પુણ્યના સામર્થ્યથી તમે સ્વર્ગમાં ચઢો.
અધ્યાય-122-સમાપ્ત
અધ્યાય-૧૨૩-યયાતિના પડવાનું કારણ
II नारद उवाच II सद्भिरारोपितः स्वर्ग पार्थिवैर्भुरिदाक्षिणैः I अभ्यनुज्ञाय दोहित्रान् ययातिर्दिवमास्थितः II १ II
નારદે કહ્યું-પુષ્કળ દક્ષિણા આપનારા સજ્જન રાજાઓએ યયાતિને સ્વર્ગમાં ચઢાવ્યો,તે વખતે યયાતિ,પોતાના દોહિત્રોને સંમતિ આપીને સ્વર્ગમાં ગયો.સ્વર્ગમાં તેનું સ્વાગત થયું ને બ્રહ્મા તેને કહેવા લાગ્યા કે-'હે યયાતિ,તેં સ્વર્ગલોક પ્રાપ્ત કરવાના હેતુરૂપ કર્મો વડે ચાર પાદવાળા (તપ,યજ્ઞ,જ્ઞાન અને દાન)ધર્મનો સંચય કર્યો હતો,ત્યારે તને આ અક્ષયલોક પ્રાપ્ત થયો હતો,પરંતુ તેં પોતે જ પુણ્યના ગર્વ વડે તે સુખનો વિનાશ કર્યો હતો,તારી ગર્વભરી વાણી વડે સ્વર્ગવાસીઓનાં ચિત્ત ક્રોધાયમાન થયાં હતાં,ને તેથી તેઓએ તને શ્રેષ્ઠ તરીકે સ્વીકાર્યો નહિ અને અકીર્તિથી ઢંકાઇને સ્વર્ગમાંથી નીચે પડ્યો પણ તારા દોહિત્રોએ પ્રીતિથી તને તાર્યો છે તું અહીં પાછો આવ્યો છે,ને અચલ,શાશ્વત,પવિત્ર,ઉત્તમ અને સ્થિર અવિનાશી સ્થાનને પામ્યો છે.'(10)
યયાતિ બોલ્યો-હે લોકપિતામહ.મને એક સંશય છે,તેનું આપે નિવારણ કરવું જોઈએ.મેં હજારો વર્ષ સુધી પ્રજાપાલન કરીને તથા અનેક યજ્ઞો અને દાનોના સમુદાય વડે અથાગ પુણ્યફળ પ્રાપ્ત કર્યું હતું,તે પુણ્યફળ થોડાજ સમયમાં શાથી ક્ષીણ થઇ ગયું કે જેને લીધે મને સ્વર્ગમાંથી પાડી દેવામાં આવ્યો ને મારું સર્વ ઐશ્વર્ય શાથી નાશ પામ્યું?
બ્રહ્મા બોલ્યા-તેં જે પુણ્યફળ સંપાદન કર્યું હતું,તે તારા અભિમાનરૂપી દોષને લીધે જ ક્ષીણ થઇ ગયું હતું,ને સ્વર્ગવાસીઓએ તને ધિક્કાર્યો હતો.આ સ્વર્ગલોકમાં અભિમાનથી,બળથી,હિંસાથી,શઠતાથી અને કપટથી નિત્ય નિવાસ મળતો નથી.
માટે,તારે અભિમાન કરવું નહિ કારણકે અભિમાનથી બળેલાઓને ક્યાંય કોઈ પણ પ્રકારની શાંતિ મળતી નથી.(17)
નારદે કહ્યું-હે દુર્યોધન,આમ પૂર્વે યયાતિને આ દોષ અભિમાનને લીધે અને ગાલવને અત્યંત આગ્રહને લીધે પ્રાપ્ત થયો હતો.પુરુષે,હિતની કામનાવાળા હિતેચ્છુ સ્નેહીઓનું કહેવું સાંભળવું જોઈએ,આગ્રહ પકડીને બેસી રહેવું નહિ,કારણકે આગ્રહથી પરિણામે વિનાશ થાય છે.માટે તું અભિમાન ને ક્રોધનો ત્યાગ કર અને મનનો ક્ષોભ મટાડીને પાંડવો સાથે સંધિ કર.
હે રાજા,મનુષ્ય જે દાન આપે છે,જે કર્મ કરે છે,જે તપ કરે છે અને જે હોમ કરે છે,તે કર્મનો નાશ થતો નથી તેમ તેમાં ઘટાડો પણ થતો નથી,અને તેના કર્તા સિવાય બીજો કોઈ ઉપભોગ પણ કરતો નથી (23)
અધ્યાય-123-સમાપ્ત