Apr 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-778

 

અધ્યાય-૧૨૦-માધવીની તપશ્ચર્યા-યયાતિ સ્વર્ગમાં ગયો 


II नारद उवाच II स तु राज पुनस्तस्याः कर्तुकामः स्वयंवरम I उपगम्याश्रमपदं गंगायमुनसंगमे II १ II

નારદે કહ્યું-પછી,તે યયાતિ રાજા,તે માધવીનો સ્વયંવર કરવાની ઈચ્છાથી ગંગા-યમુનાના સંગમ આગળ આવેલ એક આશ્રમમાં ગયો.તેના પુત્રો પુરુ અને યદુ,તે માધવીને રથમાં બેસાડીને વર ખોળવા આસપાસ ફરવા લાગ્યા.અનેક રાજાઓ અને ઋષિઓથી વસાયેલું તે વન ચોતરફ ફેલાયેલું હતું.માધવીને તે સર્વનાં નામો કહ્યાં,પણ માધવીએ વનવાસને જ પસંદ કર્યો,ને તે રથમાંથી ઉતરી જઈને,બંધુઓને નમસ્કાર કરીને વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગી.

યથાસમયે,યયાતિ રાજા પણ હજારો વર્ષનું આયુષ્ય ભોગવીને મરણ પામ્યો ને પોતાના સત્કર્મોથી સ્વર્ગમાં ગયો.

એક વખત સ્વર્ગમાં મોટી સભામાં,અતિ ગર્વિષ્ઠ બનેલા તથા જ્ઞાનમાં મૂઢ થયેલા તે યયાતિએ,દેવોનું અને ઋષિગણોનું અપમાન કર્યું.એટલે ત્યાં બેઠેલા રાજર્ષિઓ 'ધિક ધિક'એમ બોલવા લાગ્યા અને યયાતિને જોઈને વિચાર કરવા લાગ્યા કે-'આ કોણ? આ સ્વર્ગમાં કેવી રીતે આવ્યો? કોણ એને ઓળખે છે?' આમ કહી તેઓએ સ્વર્ગદ્વારના રક્ષકોને પૂછ્યું-તો તેઓએ કહ્યું કે-'અમે તેને ઓળખાતા નથી' પછી,એક મુહૂર્તમાં જ યયાતિ રાજા નિસ્તેજ થઇ ગયો.(22)

અધ્યાય-120-સમાપ્ત 


અધ્યાય-૧૨૧-યયાતિ સ્વર્ગમાંથી પડ્યો 


II नारद उवाच II अथ प्रचलितः स्थानादासनाच्च परिच्युतः I कंपितेनेव मनसा धर्षितः शोकवन्हिना II १ II

નારદે કહ્યું-પછી,યયાતિ રાજા,સ્થાનથી ડગી ગયો ને આસનથી નીચે પડ્યો.તેનું મન કંપી ઉઠયું ને તે શોકાગ્નિથી પરાભવ પામ્યો.

ત્યાં,ક્ષીણ પુણ્યવાળા જીવને સ્વર્ગમાંથી પાડી નાખનારો કોઈ એક પુરૂષ ઇન્દ્રની આજ્ઞાથી ત્યાં આવ્યો ને કહેવા લાગ્યો કે-

'હે રાજપુત્ર,તું મદથી અત્યંત છકી ગયો છે,ને તેં દેવો આદિનું અપમાન કર્યું છે,માટે હવે તું સ્વર્ગમાં રહેવા લાયક નથી,તારું તેજ ક્ષીણ થઈને તું સ્વર્ગથી ભ્રષ્ટ થયો છે,તેથી તને કોઈ ઓળખાતું પણ નથી,હવે તું જા,ને પૃથ્વી પર પાછો પડ'


યયાતિ પૃથ્વી પર પડતી વખતે 'ક્યા સજ્જનોની વચ્ચે પડવું?' એવો વિચાર કરતો હતો,તે જ સમયે,તેણે નૈમિષારણ્યમાં ચાર રાજાઓને જોયા,કે જે રાજાઓ પ્રતર્દન,વસુમના,શિબિ અને અષ્ટક હતા.યયાતિએ તેઓની વચ્ચે જ પડવાનો વિચાર કર્યો,

અને તે પોતાના દોહિત્રો (પોતાની પુત્રી માધવીના પુત્રો) વચ્ચે આવી પડ્યો.યયાતિને જોઈને તે રાજાઓએ તેને પૂછ્યું કે-'તમે કોણ છો?' યયાતિએ કહ્યું-'હું યયાતિ નામનો રાજર્ષિ છું,પુણ્ય ક્ષીણ થવાથી સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયો છું,સ્વર્ગમાંથી નીચે પડતી વખતે મેં 'સજ્જનોની વચ્ચે પડવું'એવો વિચાર કર્યો હતો તેથી તમારી વચ્ચે આવી પડ્યો છું' (17)


રાજાઓએ કહ્યું-'તમારી એ આકાંક્ષા સત્ય થાઓ.તમે અમારા સર્વના યજ્ઞફળને તથા ધર્મને ગ્રહણ કરો'

યયાતિએ કહ્યું-'હું પ્રતિગ્રહ વડે ધન સંપાદન કરનાર બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છું,એટલે બીજાનું પુણ્ય નાશ કરવામાં મારી બુદ્ધિ પ્રવૃત્ત થતી નથી' આ પ્રમાણે ત્યાં વાત ચાલતી હતી તે વખતે જ ત્યાં તપસ્વીની માધવી,ફરતી ફરતી આવી પહોંચી.તેને જોઈને રાજાઓએ તેને પ્રણામ કરીને કહ્યું કે-'અમે સર્વ તમારા પુત્રો છીએ.અમે તમારી શી આજ્ઞા પાળીએ?'

ત્યારે તે તાપસી માધવીએ,પોતાના પુત્રોના મસ્તક પર હાથ મૂકી,પિતા યયાતિને પાસે જઈને કહ્યું કે-'આ મારા પુત્રો ને તમારા દોહિત્રો છે,તેઓ તમને તારશે.મેં પણ ધર્મ સંપાદન કર્યો છે,તેમાંથી અર્ધો ભાગ તમે ગ્રહણ કરો,કારણકે સર્વ મનુષ્યો,પોતાની સંતતિએ કરેલા પુણ્યફળના ભાગી ગણાય છે,અને તે માટે જ સર્વ મનુષ્યો દોહિત્રોની ઈચ્છા રાખે છે'

ત્યારે તે સર્વ રાજાઓ,પોતાની માતાને ને માતામહ (યયાતિ)ને  પ્રણામ કરીને,સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા યયાતિને તારવા માટે,પ્રેમાળ,અનુપમ તથા ઉચ્ચ સ્વરથી વિનંતી કરવા લાગ્યા.એટલામાં ત્યાં ગાલવમુનિ આવ્યા અને તે પણ યયાતિને કહેવા લાગ્યા કે-તમે મારા તપના અષ્ટમાંશ પુણ્યથી સ્વર્ગમાં જાઓ' (28)

અધ્યાય-121-સમાપ્ત