અધ્યાય-૧૧૮-ઉશીનરને માધવી આપી
II नारद उवाच II तथैव तां श्रियं त्यक्त्वा कन्या भूत्वा यशस्विनी I माधवी गालवं विप्रमभ्ययात्सत्यसंगरा II १ II
નારદે કહ્યું-સત્ય પ્રતિજ્ઞાવાળી યશસ્વિની માધવી પૂર્વની જેમ જ કન્યારૂપ ધારણ કરીંને ગાલવ પાસે આવી પછી,તે બંને ઉશીનર રાજાની પાસે ભોજ નગરમાં ગયા.ગાલવે આગળ મુજબ જ ઘોડાઓની માગણી કરી,ત્યારે રાજાએ કહ્યું કે-'મારી પાસે માત્ર બસો ઘોડાઓ છે.મને તમારું સર્વ વૃતાંત જાણમાં છે,હું પણ એક પુત્ર ઉત્પન્ન કરીને માધવીને પાછી આપીશ'
આમ કહી તેણે માધવીનો સ્વીકાર કર્યો ને તેનાથી તેણે 'શિબી'નામનો પુત્ર ઉત્પન્ન કર્યો.
સમય આવતા ગાલવ મુનિ રાજા પાસે આવ્યા અને કન્યાને લઇ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યાં તેમણે ગરુડને જોયો.(21)
અધ્યાય-118-સમાપ્ત
અધ્યાય-૧૧૯-વિશ્વામિત્રને માધવી આપી
II नारद उवाच II गालवं वैनेतोयथ प्रहस्न्निदमब्रवीत I दिष्ट्या कृतार्थं पश्यामि भवन्तमिह वै द्विज II १ II
નારદે કહ્યું-ગરુડે હાસ્ય કરતાં ગાલવને કહ્યું કે-'હે દ્વિજ,હું તમને અહીં કૃતાર્થ થયેલા જોઉં છું,એ બહુ સારું થયું'
ગાલવે કહ્યું-'હજુ ચોથા ભાગનું કામ બાકી છે' ત્યારે ગરુડે ગાલવને કહ્યું કે-'હવે તમે આગળ પ્રયત્ન કરશો નહિ,તમારો પ્રયત્ન સિદ્ધ થશે નહિ.કારણકે પૂર્વે,ઋચિક ઋષિએ કાન્યકુબ્જ દેશમાં જઈ ગાધિરાજા પાસે તેની કન્યા સત્યવતી માટે માગણી કરી હતી ત્યારે ગાધિરાજાએ આવા જ એક તરફ શ્યામ કાનવાળા ને ઉજ્જવળ કાંતિવાળા એક હજાર ઘોડાઓની માગણી કરી હતી.ત્યારે ઋચિક,વરુણના સ્થાનમાં ગયા અને અશ્વતીર્થમાંથી તેવા ઘોડાઓ મેળવીને ગાધિરાજાને આપ્યા હતા.(6)
ગાધિએ પુંડરિક નામનો યજ્ઞ કરી તે ઘોડાઓ બ્રાહ્મણોને આપ્યા.ત્યારે ત્રણ રાજાઓએ બસો બસો ઘોડાઓ તેમની પાસેથી વેચાતા લઇ લીધા હતા.બાકીના ચારસો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.એટલે હવે તેવા ઘોડાઓ મળવા દુર્લભ જ છે.
માટે હવે તમે છસો ઘોડાઓ અને બસો ઘોડાઓના બદલામાં આ કન્યા વિશ્વામિત્રને આપો,એટલે તમે કૃતાર્થ થશો ને તમારી ચિંતા દૂર થઇ જશે' ગાલવને આ વાત પસંદ પડી અને તેથી તે ગરુડને અને છસો ઘોડાઓને લઈને વિશ્વામિત્ર પાસે ગયો ને તેમને કહ્યું કે-'આપની ઈચ્છા પ્રમાણે આ છસો ઘોડાઓ અને બસો ઘોડાઓના બદલામાં આ કન્યા ગ્રહણ કરો'
વિશ્વામિત્રે,માધવીને સ્વીકારી અને તેનાથી 'અષ્ટક' નામનો પુત્ર ઉત્પન્ન કર્યો,ને તેને ધર્મોપદેશ કરીને ધન તથા તે ઘોડાઓ તેને આપી દીધા.પછી,વિશ્વામિત્રે તે કન્યાને ગાલવને પાછી સોંપીને વનમાં ગયા.ત્યારે ગાલવે,માધવીને કહ્યું કે-તારાથી ચાર પુત્રો થયા છે,તેમાં એક દાનપતિ છે,બીજો શુરો છે,ત્રીજો ધર્મપરાયણ છે અને ચોથો યજ્ઞયાગ કરનારો છે.એ પુત્રો દ્વારા તેં તારા પિતા,મને અને રાજાઓને પણ તાર્યા છે,હવે ચાલ આપણે તારા પિતા પાસે જઈએ' પછી,તે માધવી કન્યા તેના પિતા યયાતિને સોંપીને ગાલવ મુનિ વનમાં ચાલ્યા ગયા
અધ્યાય-119-સમાપ્ત