Apr 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-776

 

અધ્યાય-૧૧૬-ગાલવે,તે માધવી રાજા હર્યશ્વને આપી 


II नारद उवाच II हर्यश्वस्त्वब्रविद्राजा विचिन्त्य बहुधा ततः I दीर्घमुष्णं च निःश्वस्य प्रजाहेतो र्नृपोत्तमः II १ II

નારદે કહ્યું-નૃપતિશ્રેષ્ઠ હર્યશ્વ રાજા,અનેક પ્રકારના વિચાર કર્યા પછી,પ્રજાના કારણથી લાંબો નિસાસો નાખી કહેવા લાગ્યા કે-આ કન્યા ઘણાં લક્ષણોથી યુક્ત છે.સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણે જે છ અવયવો (બે સ્તન,બે નિતંબ,બે નેત્ર) ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે.જે સાત સ્થાન (ત્વચા,કેશ,દાંત,હાથ અને પગની આંગળીઓ,ને આંગળીઓના પર્વો) સૂક્ષ્મ હોવાં જોઈએ તે સૂક્ષ્મ છે.જે ત્રણ (સ્વર,મન,નાભિ)ગંભીર હોવાં જોઈએ તે ગંભીર છે ને જે પાંચ (હથેળી,નેત્રના છેડા,તાળવું,જીભ,નીચલો હોઠ)લાલ હોવાં જોઈએ તે લાલ છે.એકંદર આ કન્યા દેવો-અસુરોએ જોવા યોગ્ય,રૂપવાળી,ને ચક્રવર્તી પુત્રને પણ જન્મ આપવા સમર્થ છે,માટે હે દ્વિજશ્રેષ્ઠ,મારા વૈભવ તરફ દ્રષ્ટિ રાખી તમે એનું મૂલ્ય કહો (4)

ત્યારે ગાલવે,તેને આઠસો ઘોડાઓનું મૂલ્ય તેને કહ્યું.કામથી મોહિત થયેલો તે હર્યશ્વ એ માંગણી સાંભળી દીન થયો ને બોલ્યો-તમે કહ્યા તેવા ઘોડાઓ મારી પાસે બસો જ છે,તેથી હું આ સ્ત્રીમાં એક જ પુત્ર ઉત્પન્ન કરીશ,મારી આ કામના તમે પૂર્ણ કરો' રાજાનું તે વચન સાંભળી,માધવીએ ગાલવને કહ્યું કે-'મને કોઈ એક બ્રહ્મવાદીએ વર આપ્યો છે કે-તું પ્રત્યેક પ્રસવને અંતે ફરી કન્યા જ થઇ જઈશ.આવો વર મળ્યો છે,તેથી તમે બસો ઘોડાઓ લઈને મને રાજાને અર્પણ કરો.આ રીતે તમને મારા દ્વારા ચાર રાજાઓ પાસેથી પુરા આઠસો ઘોડાઓ મળી જશે અને મને ચાર પુત્રો પ્રાપ્ત થશે.હે દ્વિજ,મને આવો વિચાર સૂઝે છે પછી તમને જેમ ગમે તેમ કરો' પછી ગાલવે તે કન્યા હર્યશ્વને આપી.(15)


યોગ્ય સમયે,હર્યશ્વને તે માધવીથી વસુ નામનો પુત્ર થયો.ને ત્યારે ગાલવ મુનિએ પાછા આવીને માધવીને પાછી માગી.

ત્યારે હર્યશ્વ રાજાએ પોતાના સત્ય વચનમાં સ્થિર રહીને માધવીને પછી સોંપી.માધવી પોતાના યોગ  સામર્થ્યથી,ફરી કુમારી થઈને ગાલવની સાથે ચાલી નીકળી.જતી વખતે ગાલવે રાજાને કહ્યું કે-'હમણાં આ ઘોડાઓ તમારી પાસે જ રહેવા દો '

એમ કહીને તે કન્યાને લઈને તે 'દિવોદાસ' રાજા પાસે ગયા (22)

અધ્યાય-116-સમાપ્ત 


અધ્યાય-૧૧૭-દિવોદાસને માધવી આપી 


II गालव उवाच II महावीर्यो महापालः काशीनामीश्वरः प्रभुः I दिवोदास इति ख्यातो भैमसेनिर्नराधिपः II १ II

ગાલવે કહ્યું-'હે કલ્યાણી,પૃથ્વીપતિ ભીમસેનનો પુત્ર,મહાવીર્યવાન દિવોદાસ નામનો સમર્થ રાજા કાશીનો અધિપતિ છે,

તેની પાસે આપણે જઈએ,તે રાજા ધાર્મિક,સંયમી ને સત્યપરાયણ છે,તું ધીરે ધીરે ચાલી આવ,શોક કરીશ નહિ'

પછી,તે બંને દિવોદાસ પાસે ગયા,રાજાએ સત્કાર કરીને કહ્યું-'હે દ્વિજ,તમારી વાત મેં વિસ્તારથી સાંભળી છે,

હર્યશ્વની જેમ મારી પાસે બસો ઘોડાઓ જ છે,માટે તે તમને આપીને હું આ કન્યામાં એક જ પુત્ર ઉત્પન્ન કરીશ'


દિવોદાસે,માધવીનો સ્વીકાર કર્યો ને યથા સમયે તેનાથી 'પ્રતર્દન'નામના પુત્રને ઉત્પન્ન કર્યો.ઠરાવેલો સમય પૂરો થતાં ગાલવ,રાજા પાસે આવ્યા ને બોલ્યા કે-તમે મને કન્યા પાછી આપો,હું પાછો આવું ત્યાં સુધી ઘોડાઓ તમારી પાસે જ રહેવા દો'

ત્યારે તે સત્યનિષ્ઠ રાજાએ ઠરાવ પ્રમાણે તે કન્યા,ગાલવને સોંપી દીધી (21)

અધ્યાય-117-સમાપ્ત