Apr 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-775

 

અધ્યાય-૧૧૪-યયાતિની પાસે યાચના


II नारद उवाच II अथाह गालवं दीनं सुपर्णः पततां वरः I निर्मितं वह्विना भृमौ वयुआ शोधितं तथा I 

यस्माद्विरमण्यं सर्व हिरण्यं तेन चोच्यते  II १ II

નારદે કહ્યું-પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે તે દીન થયેલા ગાલવને કહ્યું કે-અગ્નિએ ભૂમિમાં સુવર્ણનું નિર્માણ કર્યું છે,વાયુએ તેને શુદ્ધ કર્યું છે ને તે સુવર્ણ જગતમાં મુખ્ય છે તેથી તેની નામ હિરણ્ય (કે ધન) કહેવાય છે.એ ધન ત્રણે લોકમાં નિત્ય રહેલું છે.

શુક્રવારે,પૂર્વા અથવા ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રનો યોગ આવતાં,અગ્નિ,પોતાના વીર્યરૂપ ધન,કુબેરના ભંડારની વૃદ્ધિ માટે મનુષ્યોને નિયમથી આપે છે,માટે ધનાર્થી મનુષ્યે અગ્નિની પ્રાર્થના કરવી.કુબેર અને બંને નક્ષત્રોના દેવતા (અજૈકપાત-અહિરબુધન્ય)એ ધનનું રક્ષણ કરે છે,માટે એ દેવોની પ્રાર્થના કરનારને ધન મળી શકે છે.ધન મહાદુર્લભ છે ને આમ બેસી રહેવાથી મળે તેવું નથી અને ધન વિના તને ઘોડાઓ મળવાના નથી.માટે તું કોઈ રાજાની પાસે ધનની યાચના કર.સોમવંશમાં ઉત્પન્ન થયેલો,નહુષનો પુત્ર,યયાતિ મારો મિત્ર છે,તેની પાસે કુબેર જેવો વૈભવ છે,માટે તેની પાસે આપણે જઈએ.હું કહીશ તો તે તને ધન આપશે.

પછી,તે બંને યયાતિ પાસે ગયા.રાજાએ તેમનો સત્કાર કરીને તેમના આવવાનું કારણ પૂછ્યું ત્યારે ગરુડે સર્વ વૃતાંત કહી સંભળાવ્યો ને કહ્યું-આ ગાલવ,ગુરુદક્ષિણા આપવાને અશક્ત હોવાથી તમારે શરણે આવ્યો છે.તમારી પાસેથી ધન લઇ અને ગુરુદક્ષિણા આપ્યા પછી તે ચિંતારહિત થઈને તપ કરશે તો તે તપનો યોગ્ય ભાગ તમને આપશે.આ બ્રાહ્મણ,દાન દેવાને યોગ્ય છે,તો શંખમાં દૂધ ભરવાની જેમ તમે તેને દ્રવ્યદાન કરો. (20)

અધ્યાય-114-સમાપ્ત 


અધ્યાય-૧૧૫-યયાતિએ માધવી કન્યા દાનમાં આપી 


II नारद उवाच II एवमुक्तः सुपर्णेन तथ्यं वचनमुत्तमम् I विमृश्यावहितो राज निश्चित्य च पुनः पुनः II १ II

નારદે કહ્યું-ગરુડે એમ કહ્યું એટલે ઉદાર,સમર્થ,દાનપતિ ને કાશીદેશનો રાજા યયાતિ,એકાગ્રતાથી વિચાર કરીને અને વારંવાર નિશ્ચય કરીને બોલ્યો-હે ગરુડ,તેં આજે મારા જન્મને સફળ કર્યો છે.પણ,હે મિત્ર,તું મને જેવો ધનવાન જાણતો હતો તેવો ધનવાન હું હાલમાં નથી,મારું ધન ક્ષીણ થઇ ગયું છે,છતાં,હું તમારું આવવું નિષ્ફળ કરી શકતો નથી,કેમ કે આશાવાળો યાચક નિરાશ થઈને પાછો જાય તો કુળને ભસ્મ કરી નાખે છે,માટે હું મારી પુત્રી કે જેની દેવો,મનુષ્યો ને અસુરો પણ કામના કરે છે તે હું તમને આપું છું,તે તમે ગ્રહણ કરો.આ કન્યાના મૂલ્ય બદલ રાજાઓ તમને રાજ્ય પણ આપી દેશે તો પછી,કાળા કાનવાળા આઠસો ઘોડાઓ આપે તેમાં કહેવું જ શું? હું આ કન્યાના પુત્રોથી દોહિત્રવાળો થાઉં,એ જ મારુ ઈચ્છીત છે (14)


યયાતિના કહેવાથી ગાલવ અને ગરુડે તે કન્યા લીધી,ને ત્યાંથી ચાલ્યા.પછી,ગરુડે ગાલવને કહ્યું-'તમને ઘોડાની પ્રાપ્તિનું આ સાધન મળ્યું છે માટે હું હવે જાઉં છું' એમ કહી તે પોતાના સ્થાનમાં ગયો.ગાલવે 'એ કન્યાનું મૂલ્ય આપી શકે' તેવા રાજાનો વિચાર કરતાં ,તેના ધ્યાનમાં ઇક્ષ્વાકુ વંશનો રાજા 'હર્યશ્વ' આવ્યો.એટલે તે કન્યાને લઈને તે અયોધ્યામાં તે રાજા પાસે આવીને તેને કહેવા લાગ્યો કે-'હે રાજા,મારી કન્યા,મૂલ્ય આપવાનો નિશ્ચય કરી,તમે લો અને તેને ભાર્યા કરો. (21)

અધ્યાય-115-સમાપ્ત