અધ્યાય-૧૧૨-ગરુડનો વેગ
II गालव उवाच II गरुत्मन्म न्भुजगेन्द्रारे सुपर्ण विनतात्मज I नय मां ताक्षर्य पूर्वेण यत्र धर्मस्य चक्षुषी II १ II
ગાલવે કહ્યું-'હે ગરુડ,હે નાગેન્દ્રશત્રુ,હે સુંદર પીંછાવાળા વિનતાપુત્ર,જ્યાં ધર્મનાં બે ચક્ષુઓ છે ત્યાં પૂર્વ દિશામાં તમે મને લઇ જાઓ,તમે સર્વ પ્રથમ એ દિશાનું વર્ણન કર્યું છે અને દેવતાઓનો નિવાસ પણ એ દિશામાં જ કહ્યો છે,અને ધર્મ તથા સત્યની સ્થિતિ પણ એ દિશામાં જ છે.હું એ દિશામાં રહેલા સર્વ દેવોનાં દર્શન અને તેમના સમાગમ કરવાની ઈચ્છા રાખું છું.'
આમ,કહી,ગરુડના કહેવાથી ગાલવ મુનિએ ગરુડના પર સવારી કરી,ને ગરુડ અતિવેગથી ઉડવા લાગ્યો ત્યારે તેને કહ્યું કે-
'હે આકાશગામી તમારી પાંખના વાયુ વડે ઉપડીને વૃક્ષો જાણે તમારી સાથે ઉડતાં હોય તેમ તેમની ગતિને હું જોઉં છું.તમે તમારી પાંખના પવનથી પર્વત,વન અને આખી પૃથ્વીને જાણે ખેંચી જતા હો તેવું મને જણાય છે.આ મહાસાગરની ગર્જના વડે મારા કાન બહેર મારી ગયા છે,હું કાંઈ સાંભળી શકતો કે જોઈ શકતો નથી અને હું શા માટે જાઉં છું?તેની પણ મને ભાન રહ્યું નથી,માટે 'આ બ્રાહ્મણની હત્યા થઇ જશે' એમાં સંભારીને તમે ધીમેથી ગતિ કરો.કે પાછા વાળો,હું તમારા વેગને સહન કરી શકતો નથી.
મેં એક તરફ આઠસો ઘોડાઓ આપવાના કહ્યા છે,તે ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ મને જડતો નથી,તેથી પ્રાણત્યાગનો જ માર્ગ મને દેખાય છે.મારી પાસે થોડું પણ ધન નથી ને મારો કોઈ ધનવાન સ્નેહી નથી તેથી મને મરણ જ સ્વીકારવા યોગ્ય લાગે છે.
ત્યારે ગરુડે હાસ્ય કરીને ગાલવને કહ્યું-હે વિપ્ર,તમે દેહત્યાગની ઈચ્છા રાખો છે,એ ઉપરથી તમે બહુ બુદ્ધિશાળી લાગતા નથી,
મૃત્યુ થોડું પોતાની ઈચ્છાથી પ્રાપ્ત કરી શકાય છે?મૃત્યુ એટલે કાળ,તે પોતે પરમેશ્વર રૂપ જ છે.તમારે જયારે આવું જ કરવું હતું તો મને પ્રથમથી જ કેમ કહ્યું નહિ?હશે,ગભરાશો નહિ એ કાર્ય જે રીતે સિદ્ધ થાય તેવો એક મહાન ઉપાય છે.આ સમુદ્રની પાસે ઋષભ નામનો પર્વત છે,અહીં વિશ્રાંતિ ને ભોજન લઈને આપણે પાછા ફરીશું.(22)
અધ્યાય-112-સમાપ્ત
અધ્યાય-૧૧૩-શાંડિલીનો પ્રભાવ
II नारद उवाच II ऋषभस्य ततः शृङ्गं निपत्य द्विजपक्षिणौ I शाण्डिलीं ब्राह्मणीं तत्र ददृशाते तपोन्विताम् II १ II
નારદે કહ્યું-પછી,તે બ્રાહ્મણ અને ગરુડ,ઋષભ પર્વતના શિખર પર ઉતર્યા,ત્યાં તેમણે શાંડિલી નામની બ્રાહ્મણીને દીઠી.ગરુડે તેમને પ્રણામ કાર્ય અને ગાલવે તેમની પૂજા કરી.તપસ્વિનીએ તે બંનેનું સ્વાગત કરીને ભોજન આપ્યું જે જમીને તૃપ્ત થયેલા તેઓ સુઈ ગયા.એક મુહૂર્ત પછી ગરુડ જાગ્યો ત્યારે તેણે પોતાની એક પાંખ ખરી ગયેલી જોઈ.ગરુડની આ સ્થિતિ થયેલી જોઈને ગાલવે પૂછ્યું કે-અહીં આવવાથી તમને આવું ફળ શાથી પ્રાપ્ત થયું?તમે આ ધામને દૂષણ લગાડે એવો શો અશુભ વિચાર મનમાં કર્યો હતો?આવી મોટી શિક્ષા થઇ એ ઑપરથી તમે નાનોસૂનો અધર્મ કર્યો નહિ જ હોય ! (7)
ગરુડે કહ્યું-'મેં કોઈ જ ખરાબ વિચાર કર્યો નથી,પણ 'જ્યાં મહાદેવ,વિષ્ણુ,ધર્મ અને યજ્ઞ છે ત્યાં આ સિદ્ધ સ્ત્રી નિવાસ કરે છે!' એવા હેતુથી આ સિદ્ધ સ્ત્રીને ત્યાં લઇ જવાનો વિચાર કર્યો હતો' પછી,તેને બ્રાહ્મણી તરફ જોઈને તેમને કહ્યું કે-હું પ્રણામ કરીને આપ ભગવતીને પ્રાર્થના કરું છું.મેં આપનું પ્રિય કરવાની ઈચ્છાથી જ મનમાં વિચાર કર્યો હતો,કારણકે તમારા જેવાં અહીં શા માટે (કેવી રીતે) રહે? એમ મારા મનમાં ખટકતું હતું.મેં તમારા પ્રત્યે બહુ માનથી વિચાર્યું હતું,પરંતુ તે તમને અપ્રિય લાગ્યું હોય એમ જણાય છે.મેં સારું કે નઠારું કર્યું-પણ તમે તમારી મહત્તા તરફ જોઈને મને ક્ષમા કરવા યોગ્ય છો (11)
ગરુડની પ્રાર્થના સાંભળીને તે તપસ્વીની સંતોષ પામી ને કહેવા લાગી કે-હે વત્સ,તમારે ડરવું નહિ,તને સારી પાંખો પ્રાપ્ત થઇ છે એમ જ સમજ.તેં મારી નિંદા કરી છે,પણ હું સર્વ કુલક્ષણોથી રહિત,અનિંદીત,અને ઉત્તમ આચરણથી રહું છું તેથી મને સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.હે ગરુડ,હવેથી તારે કોઈની ને સ્ત્રીઓની નિંદા કરવી નહિ.હવે તારી ઇચ્છામાં આવે ત્યાં તું જા.'
પછી,ગરુડને અતિબળવાન પાંખો પ્રાપ્ત થઇ એટલે તે ગાલવને લઈને જેમ આવ્યો હતો તેમ ઈચ્છીત માર્ગે ચાલ્યો,
પણ તેઓને જોઈએ તેવા રૂપવાળા ઘોડાઓ મળ્યા નહિ.(18)
એટલામાં વિશ્વામિત્રે ગાલવને જોયો,એટલે તેમણે ગરુડની સમક્ષ જ ગાલવને કહ્યું કે-હે દ્વિજ,તેં મને જે વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે પૂર્ણ કરવાનો આ સમય છે,અથવા તારો જે વિચાર હોય તે મને માન્ય છે,હું વાટ જોઇશ'
તે સાંભળી ગાલવ દીન તથા અત્યંત દુઃખી થઇ ગયો,એટલે ગરુડે તેને કહ્યું-'વિશ્વામિત્રે જે કહ્યું તે પરથી મને તારી સ્થિતિ સમજાય છે.માટે ચાલ આપણે તે સંબંધમાં વિચાર કરીએ કારણકે ગુરુદક્ષિણા આપ્યા સિવાય તું બેસી શકીશ નહિ (23)
અધ્યાય-113-સમાપ્ત