Mar 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-773

 

અધ્યાય-૧૧૧-ઉત્તર દિશાનું વર્ણન 


II गरुड उवाच II यस्मादुत्तार्यते पापाद्यस्मान्निः श्रेय्सोश्नुते I अस्मादुत्तारणबलादुत्तरेत्युच्यते द्विज II १ II

ગરુડે કહ્યું-હે દ્વિજ,આ દિશા પુરુષને પાપમાંથી તારે છે ને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે,આ ઉદ્ધાર કરવાના સામર્થ્યને લીધે એ ઉત્તર દિશા કહેવાય છે.આ દિશા ઉત્તમ સુવર્ણની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશાની વચ્ચે જઈને જનારો સ્વર્ગમાર્ગ કહેવાય છે.

આ દિશામાં ક્રૂર,અવશ ચિત્તવાળા અને અધર્મી લોકોને સ્થાન મળતું નથી.આ દિશામાં બ્રહ્મા અને વિષ્ણુ બદરિકાશ્રમમાં વાસ કરે છે.આદિપુરુષ મહાદેવ પણ પ્રકૃતિરૂપ પાર્વતીની સાથે આ દિશામાં જ હિમાલયની સપાટી ઉપર નિત્ય નિવાસ કરે છે.તે મહાદેવને નરનારાયણ સિવાય બીજા મુનિગણો,ઇન્દ્રસહિત દેવો,ગંધર્વો કે સિદ્ધો પણ જોઈ શકતા નથી.(6)

અહીં હજાર નેત્રવાળા,હજાર ચરણવાળા,હજાર મસ્તકવાળા અને અવિનાશી એવા શ્રીવિષ્ણુ જ માયાસહિત રહેલા તે મહાદેવનાં દર્શન કરે છે.અહીં જ ચંદ્રનો પણ બ્રાહ્મણોના રાજા તરીકે અભિષેક કર્યો હતો.આ દિશામાંથી જ આકાશમાંથી નીચે પડતાં ગંગાજીને મહાદેવે ધારણ કરીને મનુષ્યલોકમાં સ્થાપ્યાં હતાં.આ દિશામાં જ ચૈત્રરથ નામનું રમણીય વન છે,મંદાકિની ગંગા છે અને મંદર પર્વત છે.આ દિશામાં અરૂંધતી દેવી સહિત સપ્તર્ષિઓ વાસ કરે છે.આ દિશામાં સ્વાતિ નક્ષત્રની સ્થિતિ તથા ઉદય થાય છે.બ્રહ્મદેવ પણ યજ્ઞનો આશ્રય કરીને આ દિશામાં નિવાસ કરે છે.ચંદ્ર,સૂર્ય અને નક્ષત્રો નિત્ય આ દિશાની પ્રદિક્ષણા કર્યા કરે છે.સત્યવાદી ધામા નામના મુનિઓ આ દિશામાં આવેલા ગંગાદ્વારનું રક્ષણ છે.મનુષ્ય એ સ્થાન ઓળંગીને જેમજેમ આગળ પ્રવેશ કરે છે તેમતેમ હિમમાં ગળી જઈને નાશ પામે છે.એ સ્થાનમાં નરનારાયણ વિના બીજો કોઈ પણ પુરુષ જઈ શક્યો નથી.અહીં જ કુબેરનું કૈલાસ નામનું સ્થાન છે.


અહીં ત્રણ લોકને દબાવતી વખતે,વિષ્ણુએ આ ઉત્તર દિશામાં પગલું મૂકીને વિષ્ણુપદ નામનું તીર્થ કર્યું છે.આ સ્થાનમાં જાંબુનંદ નામનું સરોવર છે.આ ઠેકાણે જીમૂત મુનિ આગળ હિમાલયનો નિર્મળ તથા સુવર્ણનો મહાન ભંડાર પ્રગટ થયો હતો,કે જે સર્વ ધન તેમણે બ્રાહ્મણોને આપ્યું હતું તેથી તે 'જૈમુત'નામથી પ્રસિદ્ધ થયું હતું.હે તાત,આમ મેં ચારે દિશાનું વર્ણન કર્યું.હવે તમે કયી દિશામાં જવા ઈચ્છો છો.હું તમને આખી પૃથ્વી દેખાડીશ તમે મારા પર સવારી કરો.(28)

અધ્યાય-111-સમાપ્ત