Mar 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772

 

અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II

ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.

ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,

વળી,આ દિશામાં રહેલા ચિત્રગુપ્ત,મૃત્યુ પામેલા પ્રાણીઓના પાપ,પુણ્ય,ધર્મ,સત્ય વગેરે કહે છે અને નાશવંત કર્મોની આ દિશામાં જ ગતિ થાય છે.આ તે દિશા છે જેમાં સર્વ પ્રાણીઓએ જવું પડે છે પરંતુ એ અંધારાથી ઢંકાયેલી છે.અહીં,મંદર પર્વતની ઝાડીઓમાં અને બ્રહ્મર્ષિઓનાં સ્થાનોમાં ગંધર્વો ચિત્તને હરણ કરનારી ગાથાઓ ગાય છે.આ દિશામાં સાવર્ણીએ  તથા યવક્રીતના પુત્રે મર્યાદા સ્થાપન કરી છે જેનું સૂર્ય ઉલ્લંઘન કરી શકતો નથી.અહીં પુલસ્ત્યપુત્ર રાવણે તપશ્ચર્યા કરીને દેવોથી અમરપણું માગી લીધું હતું.સર્વના પ્રાણો અહીં આવ્યા પછી પુનઃ દેહને પ્રાપ્ત થાય છે.


દુષ્કર્મ કરનારા લોકો અહીં નરકમાં સબડ્યા કરે છે.અહીં વૈતરણી નામની નદી છે જે નરકમાં પડનારા પાપીઓથી ભરેલી છે.

પ્રાણીઓ અહીં આવીને સુખના અંતરૂપ નરકને અથવા દુઃખના અંતરૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે.સૂર્ય આ દિશા તરફ વળીને સારા જળની વૃષ્ટિ કરે છે અને ઉત્તર દિશામાં જઈને હિમ વર્ષાવે છે.વાસુકિ,તક્ષક અને ઐરાવત નામના નાગોએ રક્ષણ કરેલી ભોગવતી નામની નગરી આ દિશામાં જ છે.હે ગાલવ,હવે હું તમને બીજી દિશા પશ્ચિમનું વર્ણન કહું છું. (21)

અધ્યાય-109-સમાપ્ત 


અધ્યાય-૧૧૦-પશ્ચિમ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इदं दिग्दयिता राज्ञो वरुणस्य तु गोपते I सदा सलिलराजस्य प्रतिष्ठा चादिरेव च II १ II

ગરુડે કહ્યું-આ દિશા,જલાધિપતિ વરુણ રાજાને પ્રિય છે,તેમની ઉત્પત્તિ ને સ્થિતિ પણ આ દિશામાં જ છે.દિવસના પાછલા  ભાગમાં સૂર્ય,પોતે આ દિશામાં કિરણોનો ત્યાગ કરે છે એથી આ દિશા પશ્ચિમ નામથી પ્રસિદ્ધ થયેલી છે.અંધકારનો નાશ કરનાર ચંદ્ર,અહીં વરુણના છ રસોનું પાન કરીને શુક્લપક્ષના આરંભમાં તરુણ થાય છે.આ દિશામાં અસ્ત નામનો પર્વત પોતાના પ્રિય સખા સૂર્યનું સ્વાગત કરે છે અને સાયંકાળની સંધ્યાનો આરંભ થાય છે.રાત્રિ અને નિંદ્રા આ દિશામાંથી નીકળી સર્વત્ર ફેલાઈ જાય છે.આ દિશામાં ગર્ભવતી દિતી સૂતી હતી તે વખતે ઇન્દ્રે તેના ગર્ભના ઓગણપચાસ ટુકડા કર્યા હતા જેમાંથી વાયુગણોની ઉત્પત્તિ થઇ હતી.અહીં જ હિમાલયનું મૂળ,સમુદ્રમાં ડૂબેલા અક્ષયમંદર પર્વતમાં મળે છે,કે જે મૂળનો છેડો જડે તેમ નથી.


અહીં,સુવર્ણ પર્વત અને સુવર્ણ કમળથી યુક્ત એવું સમુદ્ર જેવું મોટું સરોવર છે,કે જેના તીર પર આવી સુરભિ ગાય દૂધની ધારા છોડે છે.ચંદ્ર-સૂર્યનો નાશ કરવાની ઈચ્છાવાળા રાહુનું ધડ અહીં સમુદ્રની વચ્ચે જોવામાં આવે છે.આ દિશામાં અગ્નિ,જળ,વાયુ તથા આકાશ,દિવસે ને રાતે સુખકાર સ્પર્શવાળાં હોય છે.અહીંથી જ સૂર્યની ગતિ વક્ર થાય છે ને સર્વ નક્ષત્રો સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે,તથા અઠ્ઠાવીશ દિવસ સુધી સૂર્યની સાથે ફરીને પાછા ચંદ્રનો સંયોગ થતાં સૂર્યમાંથી બહાર નીકળે છે.સાગરને પૂર્ણ કરનારી નદીઓની ઉત્પત્તિ આ દિશામાંથી થાય અને ત્રણ લોકનું પાણી અહીં વરુણાલયમાં રહે છે.આ દિશામાં નાગરાજ અનંતનું,આદિઅંતરહિત વિષ્ણુનું પણ અતિઉત્તમ સ્થાન છે.વળી અગ્નિના મિત્ર વાયુનું અને મરીચિના પુત્ર કશ્યપનું સ્થાન પણ અહીં જ છે.હે ગાલવ,હવે ઉત્તર દિશાનું વર્ણન સાંભળો (20)

અધ્યાય-110-સમાપ્ત