Mar 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-771

 

અધ્યાય-૧૦૭-ગાલવનો શોક 


II नारद उवाच II एवमुक्तस्तदा तेन विश्वामित्रेण धीमता I नास्ते न शेते नाहारं कुरुते गालवस्तदा II १ II

નારદે કહ્યું-બુદ્ધિમાન વિશ્વામિત્રે એ પ્રમાણે કહ્યું તે વખતથી ગાલવ,નિશ્ચિન્તપણાથી સૂતો નહોતો કે આહાર પણ કરતો નહતો.તેનું શરીર માત્ર હાડકાં -ચામડાંરૂપે જ બાકી રહ્યું.તે દુઃખને વિલાપ કરતો કે-મારે ધનાઢ્ય મિત્રો નથી અને મારી પાસે ધન પણ નથી તો આવા આઠસો ઘોડા ક્યાંથી મળે? મારી જીવવાની શ્રદ્ધા પણ હવે નાશ પામી છે અને મારે જીવનનું શું પ્રયોજન છે? હું ગુરુની પાસેથી પોતાનું કાર્ય સાધી લઈને હવે તેમનું કહેલું કાર્ય કરતો નથી તેથી હું,પાપી,કૃતઘ્ન,કૃપણ,તથા જુઠ્ઠો ઠર્યો છું.માટે હું અતિ પ્રયત્ન કરીને પ્રાણોનો ત્યાગ કરીશ.મેં આજ સુધી કોઈ વખતે પણ દેવોની પાસે કોઈ યાચના કરી નથી,તેથી દેવો મને યજ્ઞ ચાલતો હોય ત્યારે માન આપે છે,માટે તેઓની પાસે યાચના કરવી ઠીક નથી.પણ કદી હું હવે દેવ શ્રેષ્ઠ વિષ્ણુને શરણે જાઉં,કે જેમનાથી સર્વ દેવ તથા દૈત્યોને પહોંચી વળે તેટલા વૈભવો ઉત્પન્ન થાય છે.

આ પ્રમાણે તે ગાલવ વિચારતો હતો ત્યારે તેનો મિત્ર વિનતાનો પુત્ર ગરુડ ત્યાં આવ્યો ને તેની પ્રિય કરવાની ઈચ્છાથી કહેવા લાગ્યો કે-હું તને મારો મિત્ર માનું છું ને જો પોતાની પાસે વૈભવ હોય તો મિત્રની ઈચ્છીત અભિલાષા પૂર્ણ કરવી એ મિત્રોનો ધર્મ છે.હે દ્વિજ,મારી પાસે વૈભવ છે,ને મેં અહીં આવતા પહેલા તારે માટે વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે તેમણે મને મારી ઈચ્છા પ્રમાણે કરવાની છૂટ આપી છે માટે તું ઘોડાઓ શોધવા મારી સાથે ચાલ,હું તને પાતાળ કે સમુદ્રમાં પણ સુખેથી લઇ જઈ શકીશ.(19)

અધ્યાય-107-સમાપ્ત 


અધ્યાય-૧૦૮-પૂર્વ દિશાનું વર્ણન 


II गरुड उवाच II अनुशिष्टोस्मि देवेन गालव ज्ञानयोनिना I ब्रुहि कामं तु कां यामि द्रष्टुं प्रथमतो दिशाम् II १ II

ગરુડે કહ્યું-હે ગાલવ,બુદ્ધિના પ્રવર્તક દેવ વિષ્ણુએ મને આજ્ઞા કરી છે માટે તું ઈચ્છા પ્રમાણે કહે કે કઈ દિશામાં લઇ જાઉં?

પ્રથમ હું પૂર્વ દિશાનું વર્ણન કરું છું.જે દિશામાં સૂર્યનો પ્રથમ ઉદય થાય છે,ને સાધ્ય નામના દેવગણો તપ કરે  છે.સૂર્યની કૃપા વડે સમગ્ર જગતને વ્યાપ્ત કરી દેનારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે.પૂર્વ દિશા દિવસનું અને દેવમાર્ગનું દ્વાર છે.આ દિશામાં દક્ષકન્યાઓએ પ્રજાઓ ઉત્પન્ન કરી હતી ને આ દિશામાં કશ્યપના પુત્રો મોટા થયા હતા.આ દિશામાં જ દેવોનું સંપત્તિનું મૂળ છે ને ઇન્દ્રનો દેવરાજય પર અભિષેક થયો હતો.ઘણા પૂર્વ કાળમાં દેવોએ આ દિશાનો જ સ્વીકાર કર્યો હતો,તે કારણથી જ એ દિશાને પૂર્વ કહેવામાં આવે છે.અને તેથી જ સર્વ કાર્યને માટે પૂર્વ દિશા વખણાય છે.સુખની ઇચ્છાવાળાએ દેવનાં સર્વ કાર્ય પૂર્વ દિશામાં જ કરવાં.લોકસ્ત્રષ્ટા બ્રહ્માએ પૂર્વે આ દિશામાં જ વેદોનો ઉચ્ચાર કર્યો હતો અને સૂર્યે આ દિશામાં જ બ્રહ્મવાદીઓને ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો હતો.સૂર્યે આ દિશામાં જ યાજ્ઞવલ્ક્યને યજુર્વેદ આપ્યો હતો.સોમ ઔષધિને અહીં જ વર મળવાથી દેવો યજ્ઞોમાં તેના રસનું પાન કરે છે.આ દિશામાં તૃપ્ત થયેલા અગ્નિઓ પોતાના ઉત્પત્તિસ્થાન સોમ,દૂધ આદિનો ઉપભોગ કરે છે અને વરુણે આ દિશામાંથી જ પાતાળમાં જઈને લક્ષ્મી મેળવી હતી.પૂર્વે આ દિશામાં જ મિત્રાવરુણના યજ્ઞકાળમાં નિમીના શાપથી નાશ પામેલા પુરાતન વશિષ્ઠ ફરી ઉત્પત્તિ તથા પ્રતિષ્ઠા પામ્યા હતા.ૐકારના હજારો ભેદો અહીં જ પ્રકટ થયા હતા.


ત્રણ લોકનું,સ્વર્ગનું તથા સુખનું દ્વાર આ દિશા જ છે અને દિશાઓનો પ્રથમ ભાગ પણ આ જ (પૂર્વ)દિશા છે.બોલો,તમારી શું ઈચ્છા છે? અથવા તો હું તમને બીજી દિશાઓનું પણ વર્ણન કરી સંભળાવું.મારે તમારું પ્રિય કરવું જ જોઈએ.(18)

અધ્યાય-108-સમાપ્ત