Mar 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-770

 

અધ્યાય-૧૦૬-ગાલવ ચરિત્ર-વિશ્વામિત્રની પરીક્ષા 


II जनमेजय उवाच II अनर्थे जातनिर्बन्धं परार्थे लोभमोहितं I अनार्यकेष्व भिरतं मरणे कृतनिश्चयम् II १ II

જન્મેજયે પૂછ્યું-અનર્થમાં હઠે ભરાયેલો,પરદ્રવ્યમાં લોભને લીધે મોહિત થયેલો,અનાર્યોમાં પ્રીતિવાળો,મરણને માટે નિશ્ચય  કરી બેઠેલો,જ્ઞાતિજનોને દુઃખ કરનારો,બંધુઓના શોકને વૃદ્ધિ પમાડનારો,સ્નેહીઓને ક્લેશ આપનારો અને શત્રુઓના હર્ષમાં વધારો કરનારો દુર્યોધન,આડે માર્ગે જતો હતો,છતાં બાંધવોએ તેને વાર્યો કેમ નહિ? કોઈ પ્રેમાળ સ્નેહીએ કે પિતામહ ભગવાન વ્યાસે પણ સ્નેહને લીધે તેને કેમ વાર્યો નહિ?

વૈશંપાયન બોલ્યા-તેને વ્યાસે કહ્યું,ભીષ્મે પણ જેટલું કહેવાય તેટલું કહ્યું અને પછી,નારદે પણ જે વચન કહ્યું તે સાંભળો.(4)

નારદ બોલ્યા-હિતકારક વચન કહેનારો સુહૃત (પ્રત્યુપકારની અપેક્ષા વિના ઉપકાર કરનાર)મળવો દુર્લભ છે,ને તેવા સુહૃતના વાક્યને સાંભળનારો પણ દુર્લભ છે.જે મહાસંકટમાં સુહૃત ઉભો રહે છે તેમાં બંધુ (ઉપકારની અપેક્ષાથી ઉપકાર કરનાર) પણ ઉભો રહેતો નથી.માટે,હે કુરુનંદન,તેવા સુહૃત જનોનાં વાક્યો સાંભળવાં જોઈએ,એવું મારુ માનવું છે,અને તે સાંભળીને કોઈ પણ વાતમાં આગ્રહ કરવો નહિ,કારણકે આગ્રહ મહાભયંકર નીવડે છે.એવા આગ્રહથી ગાલવ ઋષિ પરાજય પામ્યા હતા.

આ વિષે એક પુરાતન ઇતિહાસ કહેવાય છે તે તું સાંભળ (7)


પૂર્વે,એકવાર,તપશ્ચર્યા કરતા વિશ્વામિત્રની પરીક્ષા કરવા માટે ધર્મ,પોતે વશિષ્ઠ ઋષિનું રૂપ ધારણ કરીને,ક્ષુધાતુરના ડોળથી તે વિશ્વામિત્રના આશ્રમમાં ગયા.તેમને જોઈને વિશ્વામિત્રે,ઉતાવળથી યત્નપૂર્વક ચોખા રાંધવા મુક્યા,પણ તે રંધાય ત્યાં સુધી ધર્મે વાટ જોઈ નહિ અને બીજા તપસ્વીઓએ આપેલા અન્નનું ભોજન કર્યું.પછી,વિશ્વામિત્ર,ગરમ અન્ન લઈને અતિથિ પાસે આવ્યા ત્યારે ધર્મે કહ્યું-'મેં ભોજન કર્યું છે,માટે હવે તું અહીં જ ઉભો રહે' આમ કહી તે ચાલ્યા ગયા.


ત્યારે,તે વિશ્વમિત્રે,બે હાથ વડે તે ભાતની તપેલીને માથે રાખી આશ્રમની પાસે નિષ્ચેટ થાંભલાની જેમ,માત્ર વાયુનો આહાર કરતા ઉભા રહ્યા.તે સમયે તેમના શિષ્ય ગાલવ મુનિએ,તેમની યત્નપૂર્વક સેવા કરી.આ રીતે જયારે સો વર્ષ પૂરાં થયાં,ત્યારે ધર્મ,ફરીથી વશિષ્ઠનો વેશ ધારણ કરીને ભોજનની ઈચ્છાથી ત્યાં આવ્યા.ત્યારે તેમણે વિશ્વામિત્રને ત્યાં માથા ઉપર ભાતની તપેલી સાથે દીઠા.એટલે ધર્મે તેમની પાસેથી તે અન્ન લીધું કે જે સો વર્ષો જવા છતાં તેવું જ ઉષ્ણ ને તાજું હતું.

તે અન્નનું ભોજન કરીને 'હે વિપ્રર્ષિ (બ્રાહ્મણ ઋષિ) હું પ્રસન્ન થયો છું' એમ કહીને ચાલ્યા ગયા.(17)


આ પ્રમાણે ધર્મના વચન વડે ક્ષાત્રભાવથી દૂર થયેલા અને બ્રાહ્મણપણાને પામેલા વિશ્વામિત્ર બહુ આનંદ પામ્યા,ને પછી ગાલવની સેવાથી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે-હે વત્સ ગાલવ,હું તને આજ્ઞા આપું છું કે તું હવે તારી ઈચ્છા હોય ત્યાં જા'

માલવે કહ્યું-'હું તમને ગુરુદક્ષિણામાં શું આપું?' ત્યારે વિશ્વામિત્રે તેને વારંવાર 'જા,જા' એમ કહીને આજ્ઞા કરી.આમ છતાં,તે ગાલવે 'હું શું આપું?' એમ વારંવાર પૂછ્યા કર્યું.ત્યારે તે ગાલવના અતિ આગ્રહથી વિશ્વામિત્રને કંઈક ક્રોધ આવ્યો ને બોલ્યા કે-હે ગાલવ,તું મને એક તરફ કાળા કાનવાળા તથા ચંદ્રના જેવા ઉજ્જવળ કાંતિવાળા આઠસો ઘોડાઓ લાવી આપ'(27)

અધ્યાય-106-સમાપ્ત