Mar 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-769

 

અધ્યાય-૧૦૫-વિષ્ણુએ ગરુડનો ગર્વ ઉતાર્યો 


II कण्व उवाच II गरुडस्तत्र शुश्राव यथावृतं महाबलः I आयुःप्रदानं शक्रेण कृतं नागस्य भारत II १ II

કણ્વ બોલ્યા-હે ભરતવંશી,ઇન્દ્રે નાગને આયુષ્ય આપ્યું એ સાંભળી,ક્રોધાયમાન થયેલો ગરુડ,ઇન્દ્ર પાસે દોડી આવી કહેવા લાગ્યો કે-'હે ભગવન,તમે અપમાન કરીને મારી આજીવિકા શા માટે નષ્ટ કરી? તમે મને યચેચ્છ વર્તનનો વર આપ્યો હતો અને હવે એ વચનથી કેમ ડગી જાઓ છો? અમારી જાતિને માટે સર્પોનો સ્વાભાવિક આહાર નિર્માણ કરેલો છે તે તમે શા માટે અટકાવો છો? વળી,મેં સુમુખનો આહાર કરવાનો નિશ્ચય કર્યો હતો,ને એના દેહ વડે મારે મારા મોટા પરિવારનું પોષણ કરવાનું હતું.પણ તમે એને લાબું આયુષ્ય આપી દીધું.

હે દેવરાજ,તમે સ્વતંત્રતાથી ઇચ્છામાં આવે તેમ ક્રીડા કરો છો.ને મને આહાર ન મળવાથી હું પ્રાણોનો ત્યાગ કરું તો તમે રાજી થજો.હે ઇન્દ્ર,મારામાં ત્રણલોકના ઈશ્વર થવાનું સામર્થ્ય છે,છતાં હું પારકાનો (વિષ્ણુનો)સેવક થયો છું.તમે હયાત છતાં,મારે વિષ્ણુને મારુ દુઃખ જણાવવાનું કોઈ પ્રયોજન નથી,કારણકે ત્રણે લોકનું શાશ્વત રાજ્ય તમારે જ આધીન છે.જો કે હું પણ કંઈ સામાન્ય નથી,મારી માતા દક્ષની પુત્રી છે ને મારા પિતા કશ્યપ છે,હું પણ અલ્પ પ્રયત્નથી સર્વલોકને ધારણ કરવાનું સામર્થ્ય ધરાવું છું.દૈત્યોના સંગ્રામમાં પણ મેં અતિમહાન કર્મ કર્યું હતું ને શ્રુતશ્રી,શ્રુતસેન,વિવસ્વાન-આદિ અનેક દૈત્યોને મેં માર્યા હતા.હું તમારા નાના બંધુ (ઉપેન્દ્ર)ના ધ્વજમાં રહ્યો છું અને તેમને ઉપાડીને તેમની સેવા કરું છું,તેથી મારુ અપમાન કરો છો?


મારા સમાન અધિક બળવાળો બીજો કોણ છે?હું શ્રેષ્ઠ હોવા છતાં વિષ્ણુને તેમના બાંધવો સાથે ઉપાડીને ફરું છું,તેથી તમે આ મને હલકો માનીને મારુ અપમાન કરીને મને ભોજનથી દૂર કર્યો છે અને તેથી તમારે લીધે ને વિષ્ણુને લીધે મારુ ગૌરવ નાશ પામ્યું છે.હે વિષ્ણુ,અદિતિથી ઉત્પન્ન થયેલા બળવાન દેવોમાં તમે જ મહાબળવાન છો,છતાં,તમને મારી પાંખના એક ભાગ પર જ હું શ્રમવિના તમને ઉપાડીને ફરું છું,તે પરથી તમે વિચાર કરો કે આપણામાં વધુ બળવાન કોણ? (17)


ગરુડના તે ભયંકર ગુમાની વચનને સાંભળીને,શ્રીવિષ્ણુ,ગરુડને ક્ષોભ પમાડતા બોલ્યા કે-'હે ગરુડ,તું પોતે અતિ દુર્બળ હોવા છતાં પોતાને બળવાન માને છે,તારે,અમારી સમક્ષ પોતાનાં વખાણ કરવાં નહિ.આ સંપૂર્ણ ત્રણે લોક પણ મારા દેહને ઉપાડવા અશક્ત છે તો તું કોણ? હું પોતે જ પોતાને ધારણ કરું છે અને તને પણ ધારણ કરું છું.જો,તું મારા એક હાથને ઉપાડવા ઉપાડીશ તો હું સમજીશ કે તારી બડાઈ સફળ છે' આમ કહીને વિષ્ણુએ ગરુડના ખભા પાર હાથ મુક્યો,તેની સાથે જ તે ગરુડ વિહવળ થઈને જમીન પર મૂર્છિત થઈને પડ્યો.


પછી,કંઈક ભાન આવ્યું ત્યારે વિનતાનો પુત્ર ગરુડ,દીન થઈને વિષ્ણુને પ્રણામ કરતો ને માફી માંગતો બોલ્યો કે-'હે દેવ હું વિહવળ થઇ ગયો છું,માટે મને ધ્વજા પાર રહેનારું એક અલ્પ બુદ્ધિવાળું પક્ષી સમજીને તમારે મારા પર ક્ષમા કરવી જોઈએ.મેં તમારું આવું બળ જાણ્યું નહોતું,અને તેથી જ હું પોતાનું બળ અધિક છે એમ માનીને ગર્વ કરતો હતો.મને માફ કરો'

ત્યારે વિષ્ણુએ ગરુડ પર કૃપા કરી અને 'ફરી આવું કરીશ નહિ' એમ કહીને પગના અંગુઠા વડે સુમુખને ગરુડની છાતી પર ફેંક્યો અને તે દિવસથી ગરુડ તે સર્પની સાથે રહે છે.


આ પ્રમાણે ગરુડ વિષ્ણુના બળથી હારીને ગર્વરહિત થયો હતો.હે દુર્યોધન,તું પણ તેની જેમ,સંગ્રામમાં જ્યાં સુધી વીર પાંડવોના સપાટામાં આવ્યો નથી,ત્યાં સુધી જ જીવે છે એમ સમજ.વાયુપુત્ર ભીમ અને ઇન્દ્રપુત્ર અર્જુન,એ બંને રણમાં કોનો સંહાર નહિ કરે? વિષ્ણુ (કૃષ્ણ),વાયુ,ઇન્દ્ર,ધર્મ અને બે અશ્વિનીકુમારો એ સર્વની સામે તું દૃષ્ટિ કરવાને પણ સમર્થ નથી.માટે તું વિરોધ બંધ કરીને શાંત થા.તારે શ્રીકૃષ્ણરૂપી તીર્થ વડે કુળનું રક્ષણ કરવું જોઈએ.તે વખતના વિષ્ણુના સર્વ માહાત્મ્યને પ્રત્યક્ષ જોનારા આ મહાતપસ્વી નારદ અહીં હયાત છે અને ચક્રધારી વિષ્ણુ પણ અહીં કૃષ્ણરુપે  વિરાજે છે.(37)


તે સાંભળીને,દુર્યોધન ભ્રકૃટી ચડાવીને,કર્ણના તરફ જોઈને ખડખડાટ હસવા લાગ્યો.કણ્વ ઋષિનાં વચનને તુચ્છ ગણીને દુર્બુધ્ધિ દુર્યોધન પોતાની સાથળને થાબડતો બોલ્યો કે-'હે મહર્ષિ,ઈશ્વરે મને જે કાર્યને માટે ઉત્પન્ન કર્યો હશે,જે કાર્ય મારે હાથે થવાનું હશે અને મારી જે ગતિ થવાની હશે તે પ્રમાણે જ હું વાતું છું અને વર્તીશ,તમારો બડબડાટ શું કામનો છે? (40)

અધ્યાય-105-સમાપ્ત