અધ્યાય-૧૦૩-નાગલોકનું વર્ણન
II नारद उवाच II इयं भोगवती नाम पुरी वासुकिपालिता I यादशि देवराजस्य पुरीवर्याअमरावती II १ II
નારદે કહ્યું-જેવી,દેવરાજ ઇન્દ્રની શ્રેષ્ઠ અમરાવતી નગરી છે તેવી વાસુકિએ પાલન કરેલી આ 'ભોગવતી' નામની નગરી છે.
જે,શેષનાગ,પોતાના તપ વડે પૃથ્વીને સર્વદા ધારણ કરે છે તે અહીં રહેલા છે.મહાબળવાન શેષનાગનો દેહ ધવલગિરિના જેવો તથા દિવ્ય અલંકારોથી શોભાયમાન છે,એમને હજાર ફણાઓ છે ને અગ્નિની જ્વાળા જેવી જિહવાઓ છે.આ નગરીમાં અનેક પ્રકારના આકારવાળા,સુરસાના પુત્ર નાગો,નિર્ભય થઈને નિવાસ કરે છે.તેઓના દેહ પર મણિ,સાથીઆ,ચક્ર ને કમંડલુનાં ચિહ્નો છે,તેઓ હજારોની સંખ્યામાં છે અને તે સર્વે બળવાન ને ભયંકર સ્વભાવવાળા છે (5)
તેમાંના કોઈ હજાર માથાંવાળા,કોઈ પાંચસો મુખવાળા,કોઈ બે,ત્રણ કે પાંચ મસ્તકવાળા,કોઈ સાત મુખવાળા,કોઈ મોટી ફણાવાળા,કે કોઈ મહાન દેહવાળા ને પર્વતના જેવા વિશાળ છે.આ સ્થાનમાં એક વંશના જ લાખો ને અબજો નાગો રહે છે.
તેમાંના કેટલાક મુખ્ય નામો હું કહું છું.વાસુકિ,તક્ષક,કર્કોટક,ધનંજય,કાલીય,નહુષ,ખગ,કુકુર,આર્યક,કલશ,શિબી,કુમુદ,પુંડરિક,
પુષ્પ,પિંડાર,બિલ્વપત્ર-અને બીજા અનેક કશ્યપના પુત્રો અહીં રહે છે,હે માતલિ,જો,આમાંથી તને કોઈ પસંદ પડે છે?
માતલિ બોલ્યો-કૌરવ્ય આર્યકની આગળ જે આ કાંતિમાન,તથા દેખાવડો નાગ બેઠો છે તે કોનો પુત્ર છે?એ કયા નાગના વંશમાં મહાન ધ્વજરૂપ થઈને રહેલો છે? એ મારા મનમાં ભરાયો છે ને મારી પુત્રી ગુણકેશીને માટે એ શ્રેષ્ઠ વર લાગે છે (21)
નારદ બોલ્યા-એ ઐરાવત નાગના કુળમાં જન્મેલો 'સુમુખ'નામનો નાગરાજ છે,એ આર્યકનો પૌત્ર છે ને વામનનો દૌહિત્ર છે.
ચિકુર નાગ તેનો પિતા છે કે જેને ગરુડે થોડા સમય પહેલાં જ મારી નાખ્યો છે.
માતલિ બોલ્યો-હે તાત,એ શ્રેષ્ઠ નાગ મને જમાઈ તરીકે પસંદ પડ્યો છે,માટે મારી પુત્રી તેને આપવા આપ યત્ન કરો (26)
અધ્યાય-103-સમાપ્ત
અધ્યાય-૧૦૪-આર્યકની પાસે વરની માગણી
II नारद उवाच II सुतोयं मातलिर्नाम शक्रस्य दयितः सुर्हृत I शुचिः शिलगुणोपेतस्तेजस्वी वीर्यवान बली II १ II
(માતલિની તે વિનંતી સ્વીકારી,આર્યક પાસે જઈને)નારદ બોલ્યા-આ ઇન્દ્રનો વહાલો ને હિતેચ્છુ માતલિ નામનો સારથિ છે.એ પવિત્ર,સદાચારી,ગુણવાન,તેજસ્વી,વીર્યવાન અને બળવાન છે.ઇન્દ્રનો મિત્ર,મંત્રી તથા સારથિ એવો આ માતલિ,પ્રત્યેક સંગ્રામમાં ઈન્દ્રથી કંઈક જ ઓછા પ્રભાવવાળો જણાય છે.હજાર ઘોડાઓ જોડેલા ઇન્દ્રના વિજયી રથને,દેવદૈત્યોના સંગ્રામમાં આ સારથિ,મન વડે જ વશ રાખે છે.આ માતલિએ,પ્રથમ ઘોડાઓના હલ્લા વડે હરાવેલ શત્રુઓને પછીથી ઇન્દ્ર પોતાના બાહુ વડે જીતી લે છે.આમ તે શત્રુઓ પર પ્રથમ પ્રહાર કરે છે,ને પછી ઇન્દ્ર પ્રહાર કરે છે (4)
હે આર્યક,આ માતલિને,પોતાની સુંદર કન્યા ગુણકેશી માટે તમારો પૌત્ર સુમુખ પસંદ પડ્યો છે.વિષ્ણુના કુટુંબમાં જેમ લક્ષ્મી છે અને અગ્નિના કુટુંબમાં જેમ સ્વાહા છે તેમ તે સુંદર ગુણકેશી તમારા કુળમાં હો.જો કે સુમુખને પિતા નથી,તો પણ તમારા ઐરાવત કુળના તરફ અમારું બહુમાન હોવાને લીધે અમે તેની માગણી કરીએ છીએ.આ સુમુખ,શીલ,ઇન્દ્રિયનિગ્રહ વગેરે ગુણો વડે યુક્ત છે,તેથી માતલિ સામો આવીને,કન્યા આપવા તૈયાર થયો છે,માટે તારે તેનું સન્માન કરવું યોગ્ય છે (11)
આર્યક બોલ્યો-હે મહર્ષિ,મને તમારું વચન બહુમાન્ય ન હોય એમ બને જ નહિ,ને ઇન્દ્રના સહવાસી સખાની સાથે સંબંધ બાંધવાની કોની ઈચ્છા ન હોય? પણ આ સુમુખના પિતાને,એટલે કે મારા પુત્રને ગરુડ ખાઈ ગયો છે તેથી અમે દુઃખાતુર થઇ ગયા છીએ અને તે ગરુડે જતાં જતાં કહ્યું હતું કે બીજા માસમાં આવી તે સુમુખને ખાઈ જશે.ગરુડનો દૃઢ નિશ્ચય અમે જાણીએ છીએ,તેથી તેમ જ થશે,ને આ કારણથી મારો હર્ષ નાશ પામ્યો છે (17)
માતલિએ કહ્યું-'તમારા પુત્રને હું જમાઈ તરીકે સ્વીકારી ચુક્યો છું,માટે તે મારી સાથે આવી ઇન્દ્રની પાસે આવીને
તેમનાં દર્શન કરે.હું તેનું આયુષ્ય કેટલું છે?તે જાણી લઈશ અને ગરુડને અટકાવવા માટેનો પ્રયત્ન કરીશ.'
પછી,તે સુમુખને લઈને તે સર્વે ઇન્દ્રની પાસે ગયા,સારા યોગે ત્યાં વિષ્ણુ પણ બેઠેલા હતા,નારદે સર્વ વૃતાન્ત કહ્યું.
તે સાંભળી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું-'તમે આને અમૃતપાન કરવો ને દેવોના જેવો અમર કરો'તે સાંભળી,પણ
ગરુડના પરાક્રમનો વિચાર કરીને ઇન્દ્રે,તે સુમુખ નાગને મહાન આયુષ્ય આપ્યું પણ અમૃત પાયું નહિ.(28)
વર મેળવીને સુમુખ પ્રસન્ન થયો ને ગુણકેશીની સાથે લગ્ન કરીને ઘેર ગયો.નારદ અને આર્યક પણ પોતાનું
કાર્ય સિદ્ધ કરીને,ઈન્દ્રનું સન્માન કરીને પોતપોતાના સ્થાનમાં ગયા (30)
અધ્યાય-104-સમાપ્ત