અધ્યાય-૧૦૧-ગરુડલોકનું વર્ણન
II नारद उवाच II अयं लोकः सुवर्णानां पक्षिणां परगासिनाम् I विक्रमे गमने भरे नैनाभास्त परिश्रमः II १ II
નારદે કહ્યું-હે માતલિ,આ સર્પોનું ભક્ષણ કરનારા ગરુડ પક્ષીઓનો લોક છે.એ પક્ષીઓને પરાક્રમ કરવામાં,ગતિમાં અને ભાર ઉપાડવામાં પરિશ્રમ લાગતો નથી.કશ્યપપત્ની,વિનતાના વંશને વધારનારા,ગરુડના,સુમુખ,સુનામા,સુનેત્ર,સુવર્ચા,સુરચ,અને સુબલ-એ છ પુત્રોએ પોતાની સંતતિ વડે આ કુળ વધારી દીધું છે.કશ્યપના વંશમાં ઉત્પન્ન થયેલાં અને ઐશ્વર્યની વૃદ્ધિ કરનારાં ગરુડ પક્ષીઓનાં સેંકડો અને હજારો કુળો ઉદય પામ્યાં છે,એ સર્વે શ્રીમાન,શ્રીવત્સનાં ચિહ્નનવાળાં છે ને સર્વે લક્ષ્મીની ઈચ્છા રાખી મહાબળ ધારણ કરે છે.તે કર્મવડે ક્ષત્રિયો છે,નિર્દય છે,સર્પોનું ભોજન કરે છે,અને તે જ્ઞાતિનો ક્ષય કરનારા હોવાથી બ્રાહ્મણપણાને પામતા નથી(6)
સાક્ષાત વિષ્ણુએ આ કુળને અંગીકાર કર્યું છે તેથી,એ કુળ પ્રશંસનીય છે,એ કુળના દેવતા વિષ્ણુ છે,વિષ્ણુ જ શરણ છે અને તેઓના હૃદયમાં સર્વદા વિષ્ણુ જ વસે છે ને તેમની પરમગતિ પણ વિષ્ણુ જ છે.એ કુળના મુખ્ય પક્ષીઓમાંના અનેક નામોમાં વર્ણચુડ,નાગાશી,દારુણ,અનિલ,અનલ,વીશાલાક્ષ,કુંડલી,વજ્ર,વામન,નિમેષ,અનિમેષ,વાલ્મિકી,
દિપક,સારસ,સુમુખ,ચિત્રકેતુ,અનઘ,કુમુદ,દક્ષ,નિશાકર,દિવાકર-આદિ અસંખ્ય નામો છે તેમાંના થોડાંક મેં તને કહ્યાં.
હે માતલિ,અહીં તને કોઈ વર ગમતો હોય તો કહે નહીતો આપણે બીજા પ્રદેશમાં આગળ જઈએ,
જ્યાં તને યોગ્ય વર મળી આવશે (16)
અધ્યાય-101-સમાપ્ત
અધ્યાય-૧૦૨-રસાતલનું વર્ણન
II नारद उवाच II इदं रसातलं नाम सप्तमं पृथिवीतलम् I युत्रास्ते सुरभिर्माता गवाममृतसंभवा II १ II
નારદે કહ્યું-આ પૃથ્વીનું રસાતલ નામનું સાતમું તળ છે.અમૃતથી ઉત્પન્ન થયેલી ગાયોની માતા સુરભિ અહીં નિવાસ કરે છે.એ સુરભિ,પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા છ રસના સારરૂપ,એક અતિ ઉત્તમ રસ 'દૂધ'ને પોતાના આંચળમાંથી સતત ઝાર્યા કરે છે.
પૂર્વે,અમૃતનું પાન કરીને તૃપ્ત થયેલા બ્રહ્મા અમૃતનો ઓડકાર ખાવા લાગ્યા,ત્યારે તેમના મુખમાંથી આ નિર્દોષ સુરભિ ઉત્પન્ન થઇ હતી.એ સુરભિની પૃથ્વી પર પડતી નિત્ય ધારા વડે ક્ષીરનિધિ નામનો ધરો ઉત્પન્ન થયો કે જે પરમ પવિત્ર કહેવાય છે.(4)
એ ક્ષીરસમુદ્રના છેડાના ભાગો ફીણથી વીંટાયેલા છે અને તેથી તે પુષ્પથી ભરેલા હોય તેવા દેખાય છે,તે ફીણનું પાન કરીને એ સ્થાનમાં રહેનારા મુનિઓ 'ફેનપ'નામથી પ્રખ્યાત છે.ને તેઓ એવું ઉગ્ર તપ કરે છે કે તેઓથી દેવો પણ ભય પામે છે.
આ સુરભિથી બીજી ચાર ધેનુઓ ઉત્પન્ન થઇ છે કે જે ચાર દિશાઓમાં રહીને દિશાઓને ધારણ કરે છે.
'સુરૂપા'પૂર્વ દિશાને,'હંસિકા'દક્ષિણ દિશાને,'વિશ્વરૂપા'પશ્ચિમ દિશાને અને 'કામદૂધા' ઉત્તર દિશાને ધારણ કરે છે.
હે માતલિ,દેવો અને દૈત્યોએ એકઠા થઇ,મંદર પર્વતનો રવૈયો કરીને,આ ગાયોના દૂધથી મિશ્રિત થયેલા સમુદ્રના
જળને વલોવીને તેમાંથી,મદિરા,લક્ષ્મી,અમૃત,અશ્વરાજ,ઉચ્ચૈશ્રવા,તથા કૌસ્તુભ આદિ રત્નો કાઢ્યાં હતાં.
એકલી સુરભિ ગાય જ સુધાનો આહાર કરનારા નાગોને સુધારુપ,સ્વધાનું ભોજન કરનારા પિતૃઓને સ્વધારુપ,અમૃતનું ભોજન કરનારા દેવોને અમૃતરૂપ દૂધ આપે છે.આ રસાતલમાં રહેનારાઓએ પૂર્વે ગાયેલી એક પુરાતન કહેવત સંભળાય છે કે-'રસાતલમાં રહેવું જેવું સુખકારક છે તેવું,નાગલોકમાં,સ્વર્ગમાં અને સ્વર્ગના વિમાનમાં પણ નથી' (15)
અધ્યાય-102-સમાપ્ત