અધ્યાય-૧૦૦-હિરણ્યપુરનું વર્ણન
II नारद उवाच II हिरण्यपुरमित्येतत् ख्यातं पुरवरं महत् I दैत्यानां दानवानां च मायाशतविचारिणां II १ II
નારદે કહ્યું-સેંકડો માયા સાથે સંચાર કરનારા દૈત્યો અને દાનવોનું આ હિરણ્યપુર નામથી પ્રખ્યાત મહાશ્રેષ્ઠ નગર છે.
પાતાળ તળમાં આવેલા એ નગરની પ્રથમ મયદાનવે મનથી જ કલ્પના કરી અને તે પછી વિશ્વકર્માએ તેની રચના કરી છે.એ નગરમાં પૂર્વે વરદાનો મેળવનારા,મોટા બળવાન અને હજારો માયા કરનારા શૂરા દાનવો નિવાસ કરે છે.ઇન્દ્ર,યમ,વરુણ,કુબેર તથા બીજાઓ એ દાનવોને વશ કરી શકતા નથી.એ નગરમાં કાલખંજ અસુરો,વિષ્ણુના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,નૈઋતો,
યાતુધાનો,અને બ્રહ્માના ચરણથી ઉત્પન્ન થયેલા અસુરો,કે જેઓ મોટી દાઢવાળા,ભયંકર વેગવાળા,માયાબળથી સંપન્ન છે,તેઓ
નિવાસ કરે છે.વળી,યુદ્ધ કરવામાં દુષ્ટ,નિવાતકવચ નામના દાનવો પણ અહીં જ રહે છે.એ દાનવોથી તું,તારો પુત્ર ગોમુખ તથા પુત્રસહિત ઇન્દ્ર પણ ઘણી વખત નાસી છૂટયા છો,એ તું જાણે જ છે (8)
હે માતલિ,હવે તું આ શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે બાંધેલાં અને મનુષ્યસમુહથી ભરેલાં આ ઘરો જો,કે એમાંના કેટલાંએક ઘરો સોનાનાં છે,કેટલાંએક રૂપાનાં,મણિનાં,પરવાળાનાં,માટીનાં,પાષાણનાં,આદિનાં બનેલાં દેખાય છે.એ ઘરોનો દેખાવ કેવો છે ને એ બાંધવામાં શી શી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તે કહી શકાય તેમ નથી.વળી,તું દૈત્યોનાં આ વિહારસ્થાનો,શય્યાઓ,
પાત્રો,આસનો,પર્વતો,ઝરણાંઓ,અને ઈચ્છા પ્રમાણે ફળપુષ્પ આપનારાં વૃક્ષોને જો.(15)
હે માતલિ,અહીં તને કોઈ વર સારો લાગતો ન હૉય તો આપણે,તારા વિચાર પ્રમાણે પૃથ્વીની બીજી દિશામાં જઈએ.
માતલિ બોલ્યો-હે દેવર્ષિ,મારે દેવોને અપ્રિય લાગે તેવું કામ કરવું જ નથી.જો કે દેવો ને દાનવો ભાઈઓ થાય છે,તો પણ તેઓ નિત્યનું વેર બાંધીને બેઠેલા છે.માટે હું શત્રુપક્ષની સાથેના સંબંધને કેમ પસંદ કરું? હું તો દાનવોને જોવા પણ ઈચ્છતો નથી,માટે આપણે બીજે ઠેકાણે જવું ઠીક છે.હિંસાપરાયણ દૈત્યો,અહિંસાપરાયણ એવા તમારા પર પ્રીતિ રાખે છે તે હું જાણું છું (19)
અધ્યાય-100-સમાપ્ત