અધ્યાય-૯૯-પાતાળનું વર્ણન
II नारद उवाच II एतत्तु नागलोकस्य नाभिस्थाने स्थितं पुरम् I पातालमिति विख्यातं दैत्यदानवसेवितम् II १ II
નારદે કહ્યું-આ નાગલોકની વચ્ચે આવેલું,પાતાળ નામનું નગર છે જેમાં દૈત્યો ને દાનવો નિવાસ કરે છે.પૃથ્વી પરનાં જે કોઈ જંગમ પ્રાણી,પાણીના તરંગ સાથે અહીં પેસી જાય છે,તેઓ ભયથી પીડાઈને દુઃખના મોટા પોકારો કરે છે.અહીં જળનો આહાર કરનારો આસુરાગ્નિ સતત બળ્યા કરે છે,કે જેને દેવોએ પ્રયત્નપૂર્વક મર્યાદામાં રાખ્યો છે,નહિ તો તે તત્કાળ આખા સમુદ્રને તથા લોકોને બાળી નાખે.'પોતાને બાંધી દીધો છે' એ વાત અગ્નિ પોતે પણ જાણે છે.દેવોએ શત્રુઓને માર્યા પછી અમૃત પીને બાકી રહેલું અમૃત અહીં મૂક્યું છે,ને એ કારણથી અહીં ચંદ્રની ક્ષય-વૃદ્ધિ જોવામાં આવતી નથી.(4)
અદિતીનો પુત્ર વિષ્ણુ,વેદરૂપી શબ્દજાળને વાણી વડે પૂર્ણ કરવા માટે હયગ્રીવરૂપે,યોગ્ય સમયે પર્વે પર્વે અહીં જ પ્રગટ થાય છે.આ ઉત્તમ નગરનું 'પાતાલ' એવું નામ પાડવાનું કારણ એ છે કે-જળમૂર્તિ ચંદ્ર વગેરે અહીં ચંદ્રકાન્તની જેમ,'અલં' એટલે કે અત્યંત જળનો 'પાત' કર્યા કરે છે.જગતનું હિત કરનારો ઐરાવત નામનો હાથી અહીંથી જ પાણી લઈને મેઘોમાં મૂકે છે અને મહેન્દ્ર તે જળને પૃથ્વી પર વર્ષાવે છે.અહીં અનેક પ્રકારના આકાર ને રૂપવાળાં જળચર માછલાંઓ,પાણીમાં ચંદ્રની કાંતિનું પાન કરીને નિવાસ કરે છે.(8)
હે સૂત,આ પાતાળનો આશ્રય કરનારા કેટલાંક પ્રાણીઓ,દિવસે સૂર્યનાં કિરણોથી ભેદાઇને મરણ પામે છે અને રાત્રે પાછાં જીવતાં થાય છે.અહીં ઉદય પામતો ચંદ્ર પોતાના કિરણરૂપી બાહુઓ વડે,અમૃતનો સ્પર્શ કરી જીવોને જીવાડે છે.
ઇન્દ્રે હરણ કરી લીધેલી લક્ષ્મીવાળા,કાળ વડે પીડા ભોગવતા ધર્મપરાયણ દૈત્યો આ સ્થાનમાં બંધાઈને નિવાસ કરે છે.
આ ઠેકાણે ભૂતપતિ શંકરે સર્વ જીવોના અભ્યુદયને માટે ઉત્તમ તપ કર્યું છે.ગોવ્રત (કોઈ પણ સ્થાનમાં પડી રહેવું,કોઈ ખાવાનું આપે તો ખાવું ને કોઈ ઓઢાડે તો ઓઢવું તેને ગોવ્રત કહે છે)વાળા,વેદપાઠ કરતાં કરતાં શુષ્ક થઇ ગયેલા,પ્રાણની દરકાર ન કરનારા અને સ્વર્ગનો વિજય કરનારા મહર્ષિઓ આ સ્થાનમાં નિવાસ કરે છે (14)
અહીં,સુપ્રતીકના વંશમાં ગજેન્દ્ર ઐરાવણ,વામન,કુમુદ અને અંજન નામના મોટા હાથીઓ જન્મ્યા છે.હે માતલિ,તું
અહીં તપાસ કર અને અહીં કોઈ ગુણવાન વર તને ગમતો હોય તો તેની પાસે જઈને હું પ્રયત્નપૂર્વક તેની માંગણી કરું.
આ તેજવડે દેદીપ્યમાન જણાતું ઈંડુ પાણીમાં મૂકેલું છે,કે જે ઈંડુ,પ્રજાની ઉત્પત્તિથી આરંભીને હજુ સુધી ફૂટતુંએ નથી,કે ખસતુંએ નથી.એની જાતિ અથવા સંભાવના સંબંધમાં મેં કોઈને મોઢે કંઈ પણ સાંભળ્યું નથી.માત્ર એટલું જાણવામાં આવે છે કે-પ્રલયકાળે તેમાંથી ઉત્પન્ન થયેલો મહાન અગ્નિ સચરાચર ત્રિલોકને બાળી નાખશે.(19)
નારદનું ભાષણ સાંભળીને માતલિ બોલ્યો-'મને અહીં કોઈ પુરુષ ગમતો નથી,માટે વિલંબ ન કરતાં બીજે ચાલો' (20)
અધ્યાય-99-સમાપ્ત