અધ્યાય-૯૮-માતલિએ કરેલી વરની શોધ (ચાલુ)
II कण्व उवाच II मातलिस्तु व्रजन्मार्गे नारदेन महर्षिणा I वरुणं गच्छता द्रष्टुं सभागच्छद्यदच्छया II १ II
કણ્વ બોલ્યા-માતલિ જતો હતો,તે વખતે માર્ગમાં,વરુણને મળવા જતા મહર્ષિ નારદની સાથે તેનો દૈવેચ્છાથી મેળાપ થયો.
નારદે તેને પૂછ્યું-'હે સૂત,તું ક્યાં જવા નીકળ્યો છે?તું પોતાના કાર્ય માટે જાય છે કે ઇન્દ્રની આજ્ઞાથી જાય છે?'
ત્યારે માતલિએ,નારદને પોતાની ઈચ્છા કહી,એટલે નારદે કહ્યું-હું પણ વરુણનાં દર્શનથી ઈચ્છાથી નીકળ્યો છું,આપણે બંને ત્યાં સાથે જ જઈએ,હું તને પૃથ્વીનું તળિયું દેખાડીને ત્યાંની સર્વ હકીકત કહીશ.ત્યાં કોઈ યોગ્ય વરને આપણે બંને પસંદ કરીશું (5)
આ પ્રમાણે,તે બંને સાથે નીકળીને ભૂમિની અંદર ઉતર્યા ને ત્યાં લોકપાલ વરુણને જોયા.વરુણે તે બંનેનો સત્કાર કર્યો,
તે બંનેએ પોતાનું કાર્ય વરુણને જણાવ્યું ને તેમની આજ્ઞા લઈને નાગલોકમાં ફરવા લાગ્યા.નારદ પાતાળમાં રહેનારા સર્વ પ્રાણીઓની હકીકત જાણતા હતા,તેથી તેમણે માતલિને કહ્યું કે-'હે સૂત,તેં પુત્ર-પૌત્રથી વીંટાયેલા વરુણનાં દર્શન કર્યાં,હવે તે વરુણના સમૃદ્ધિયુક્ત સર્વતોભદ્ર નામના આ સ્થાનને જો.આ પુષ્કર નામનો પુત્ર વરુણને વહાલો છે,રૂપવાન એવા આ પુષ્કરને,ચંદ્રની પુત્રીએ પતિ કર્યો છે.તે ચંદ્રની બીજી પુત્રી જ્યોત્સનાકાલીએ,અદિતિના મોટા પુત્ર સૂર્ય સાથે લગ્ન કર્યા છે.
હે સૂત,હવે આ મદિરા રાખવાનું સર્વ સુવર્ણમય વારુણીભવન જો.એ સુરાને પ્રાપ્ત થઈને સર્વ દેવો સુર નામને પ્રાપ્ત થયા છે.આ સ્થાનમાં દેવોથી હરાઈ ગયેલા દૈત્યોના ક્ષય ના પામે તેવાં આયુધો છે.આ સ્થાનમાં જ દિવ્ય આયુધોને ધારણ કરનારી રાક્ષસ અને દૈત્ય જાતિ હતી,અને દેવોએ તેમના પર જય કર્યો હતો.આ વરુણના ધરામાં મોટી જ્વાલાવાળો ને ધુમાડારહિત અગ્નિ સદા જાગ્રત રહે છે,કે જેણે વિષ્ણુના ચક્રને પણ રોકી દીધું છે.
જો,આ લોકના સંહાર માટે ગેંડા(ગાંડી)ના બરડાનું બનેલું ગાંડીવ નામનું ધનુષ્ય છે.આ ધનુષ્ય લાખ ધનુષ્યના જેટલું બળવાળું છે,છતાં કાર્યપ્રસંગ આવતાં જેટલું જોઈએ તેટલું બળ ધારણ કરે છે.એ ધનુષ્યને બ્રહ્માએ પ્રથમ ઉત્પન્ન કર્યું હતું.આ ધનુષ્ય રાજાઓને સુદર્શન ચક્ર કરતાં પણ ભયંકર લાગે છે.અને આ ધનુષ્યને વરુણના પુત્રો ધારણ કરે છે.આ છત્રશાળામાં જળના અધિપતિ વરુણનું છત્ર છે,કે જે મેઘની જેમ સર્વં તરફથી શીતળ જળની વૃષ્ટિ કર્યા કરે છે.જે જળ,નિર્મલ છે પણ અંધકારથી વ્યાપ્ત હોવાને લીધે મનુષ્યની દ્રષ્ટિએ પડતું નથી.હે સૂત,અહીં બહુ આશ્ચર્યકારક દેખાવો જોવા જેવા હોય છે,પણ તું અત્યારે બીજા જ કાર્ય માટે નીકળ્યો છે,એટલે અહીંથી વિના વિલંબે નીકળી આગળ જઈએ.(25)
અધ્યાય-98-સમાપ્ત