Mar 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-763

 

અધ્યાય-૯૭-માતલિએ કરેલી વરની શોધ 


II वैशंपायन उवाच II जामदग्न्यवचः श्रुत्वा कण्वोपी भगवानुषि:I दुर्योधनमिदं वाक्यमब्रवित्कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-પરશુરામનાં વચન સાંભળીને ભગવાન કણ્વ ઋષિ પણ કૌરવોની સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'આ લોકના પિતામહ બ્રહ્મા જેમ,અક્ષય ને અવિનાશી છે,તેમ,ભગવાન નરનારાયણ ઋષિ પણ અક્ષય અને અવિનાશી છે.અદિતિના સર્વ પુત્રોમાં એકલા વિષ્ણુ જ સનાતન,અજિત,અવિનાશી,શાશ્વત,પ્રભુ અને ઈશ્વર છે.તે સિવાય બીજા ચંદ્ર,સૂર્ય,પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ,આકાશ,ગ્રહો,તારાગણો-એ સર્વ નિમિત્ત વડે નાશ પામનારાં છે.તે સર્વ સર્વદા જગતનો ક્ષય થતાં જ,ત્રણ લોકનો ત્યાગ કરીને નાશ પામે છે અને ઉત્પત્તિ થતાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે.(5)

વળી,બીજાં મનુષ્યો,પશુઓ,પક્ષીઓ-આદિ જીવલોકમાં ફરનારાં સર્વ પ્રાણીઓ ક્ષણભંગુર જ છે.તેમાં પણ ઘણું કરીને રાજાઓ,લક્ષ્મીને ભોગવવા સમયે,તરુણ વયમાં જ યુદ્ધાદિકથી આયુષ્ય ક્ષીણ થતા પુણ્ય તથા પાપ ભોગવવા પરલોકમાં ચાલ્યા જાય છે,સર્વની આ સ્થિતિ છે,માટે તારે ધર્મપુત્ર યુધિષ્ઠિરની સલાહ કરવી યોગ્ય છે.પાંડવો ને કૌરવો એકઠા મળીને આ પૃથ્વીનું પાલન કરો.ઓ દુર્યોધન,'હું જ બળવાન છું' એમ તારે માનવું નહિ,કારણકે,આ જગતમાં બળવાન ગણાતા હોય તેઓથી પણ અધિક બળવાન જોવામાં આવે છે.શારીરિક બળવાળાઓની વચ્ચે સૈનિકબળ ગણાતું નથી.સર્વ પાંડવો તો દેવોના જેવા પરાક્રમી છે,તેથી તે બળવાન છે.(10)(નોંધ-ગરુડનો 'હું બળવાન છું' નો ગર્વ,શ્રીવિષ્ણુએ ઉતારેલો-તે માતલિ-ઉપ-આખ્યાન હવે કહેલું છે)


સ્વાભાવિક બળ એ જ ખરું બળ છે,એ સંબંધમાં કન્યા આપવાની ઈચ્છાવાળા તથા વર ખોળતા માતલિનો ઇતિહાસ આ પ્રમાણે કહેવામાં આવે છે.માતલિ એ ઇન્દ્રનો પ્રખ્યાત સારથિ છે,તેના કુળમાં એક જ કન્યા ઉત્પન્ન થઇ હતી,રૂપને લીધે તે લોકમાં પ્રખ્યાત થઇ હતી.અત્યંત રૂપવાન તે કન્યા 'ગુણકેશી' નામથી પ્રખ્યાત હતી.તે કન્યાનું દાન કરવાનો સમય આવેલો જાણીને,તે માતલિ,પોતાની સ્ત્રી (સુધર્મા)ને કહેવા લાગ્યો કે-'જે પુરુષો પ્રૌઢ શીલવાળા,કીર્તિવાળા ને કોમળ હૃદયવાળા હોય છે તેઓના કુળમાં કન્યાનો જન્મ ધિક્કારવા યોગ્ય છે કારણકે,કન્યા,પિતા-માતા અને જે કુળમાં આપી હોય એ ત્રણે કુળને સંશયમાં નાખી દે છે.મેં માનુષી દ્રષ્ટિ જ દેવલોક અને મનુષ્યલોકમાં શોધ કરી પણ મને આ કન્યાના માટે કોઈ વર પસંદ પડતો નથી,મને લાગે છે કે નાગલોકમાં હવે તપાસ કરી જોવી જોઈએ' આ પ્રમાણે કહીને તેણે સુધર્માની રાજા લઈ,તેને જમણી તરફ રાખી,શુકન લઈને તથા કન્યાનું મસ્તક સુંઘીને તે માતલિએ પૃથ્વીની અંદર પ્રવેશ કર્યો (21)

અધ્યાય-97-સમાપ્ત