અધ્યાય-૯૬-દંભોદભવનું આખ્યાન
II वैशंपायन उवाच II तस्मिन्नभिहिते वाक्ये केशवेन महात्मना I स्तिमिता हृष्टरोमाण आसन्सर्वे सभासदः II १ II
વૈશંપાયને કહ્યું-મહાત્મા કેશવે,એ પ્રમાણે વચનો કહ્યાં,તે વખતે સર્વ સભાસદો રોમાંચિત થઈને સ્તબ્ધ થઇ ગયા,અને 'કોઈ પણ પુરુષ એ વચનોનો ઉત્તર આપવા કેમ ઉત્સાહ ધરાવતો નથી?' એમ સર્વ રાજાઓ મનમાં જ વિચારવા લાગ્યા.ત્યારે તે કૌરવોની સભામાં પરશુરામ કહેવા લાગ્યા કે-'હે ધૃતરાષ્ટ્ર રાજા,તું મારી આ દૃષ્ટાંતવળી સત્ય વાણીને નિઃશંક થઈને સાંભળ,ને તે સાંભળીને તને ઠીક લાગે તો તું તારા કલ્યાણ માટે ગ્રહણ કર.(4)
પૂર્વે,દંભોદભવ નામનો ચક્રવર્તી રાજા નિષ્કંટક સર્વ પૃથ્વીને ભોગવતો હતો.તે રાજા રોજ પ્રાતઃકાળમાં ઉઠીને બ્રાહ્મણો ને ક્ષત્રિયોને પૂછતો કે-'બોલો,યુદ્ધમાં મારા જેવો કે મારાથી અધિક કોઈ પણ આ પૃથ્વી પર છે?' મોટા ગર્વથી છકી ગયેલો તથા બીજા કોઈને ન ગણકારતો એ રાજા આ જ પ્રમાણે સર્વને પૂછતો પૃથ્વી પર ફરવા લાગ્યો હતો.પોતાના વારંવાર વખાણ કરતા તે રાજાને,વિદ્વાન,ઉદાર ને નિર્ભય બ્રાહ્મણો તેમ કરતાં અટકાવતા હતા.પરંતુ નિષેધ કરવા છતાં તે વારંવાર બ્રાહ્મણોને પૂછયા જ કરતો,ત્યારે એક વખતે તે તપસ્વી બ્રાહ્મણો ક્રોધથી તપીને,તે મહાભિમાની તથા લક્ષ્મીથી છકી ગયેલા તે બડાઈ હાંકનાર રાજાને કહ્યું કે-સંગ્રામમાં અનેકનો પરાજય કરનારા,(નર અને નારાયણ) બે મહાન પુરુષો છે તેમની સમાન તું કદી થવાનો નથી,તે નર અને નારાયણ,મનુષ્યલોકમાં આવ્યા છે અને ગંધમાદન પર્વત પર ઘોર તપ કરે છે,તેમની સાથે તું યુદ્ધ કર.(15)
બ્રાહ્મણોની તે વાત સહન ન થતાં,તે રાજા છ અંગવાળી (રથ,હાથી,ઘોડા,પાળા,ગાડાં,ઊંટ)સેના લઈને,જ્યાં તે બંને અજિત નરનારાયણ જ્યાં ગંધમાદન પર્વત પર તપ કરતા હતા ત્યાં પહોંચ્યો.તેમની પાસે જઈ તેમને વંદન કરીને તેમનું આરોગ્ય પૂછ્યું.
નરનારાયણે તેનો યથોચિત અતિથિ સત્કાર કરીને પૂછ્યું કે-'અમારે તારું શું કાર્ય કરવાનું છે?'ત્યારે રાજાએ કહ્યું-'મેં પોતાના બાહુ વડે પૃથ્વીને જીતી છે,સર્વ શત્રુઓને માર્યા છે અને અજિત એવો હું તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યો છું,માટે તમે મારી લાંબા સમયની આકાંક્ષા પૂર્ણ કરો' (20)
નરનારાયણ બોલ્યા-હે રાજા,આ આશ્રમ ક્રોધ અને લોભથી રહિત છે,આ આશ્રમમાં યુદ્ધ નથી તો શસ્ત્ર ક્યાંથી હોય?
તું બીજે કોઈ ઠેકાણે જઈને યુદ્ધની ઈચ્છા કર,પૃથ્વી પર ઘણા ક્ષત્રિયો રહે છે (23)
આ પ્રમાણે નરનારાયણે કહ્યું છતાં,પણ તે રાજા વારંવાર યુદ્ધની જ માગણી કરવા લાગ્યો,ત્યારે તે બેમાંથી નર નામના ઋષિ હાથમાં મુઠ્ઠીભર બરુ (ઇષિકાઓ) લઈને બોલ્યા-'તું તારા સર્વ શસ્ત્રો ગ્રહણ કર ને તારી સેનાએ તૈયાર કર,હમણાં જ હું તારી યુદ્ધની કામનાને દૂર કરી દઉં છું' ત્યારે તે રાજાએ,તે તપસ્વીઓના નાશની ઈચ્છાથી,તેમને બાણોની વૃષ્ટિ વડે ચોમેરથી ઘેરી દીધા.કે જે બાણોને તુચ્છ ગણીને નરમુનિએ તેના પર ઇષિકાઓ(બરુઓ) જ ફેંક્યા ને પછી,વાળ્યું ન વળે તેવું ભયંકર ઐષિકાસ્ત્ર છોડ્યું,કે જે છોડતાં જ અદભુત ચમત્કાર દેખાયો.
મુનિએ તે અસ્ત્રના માયાબળથી,સર્વ સૈનિકોનાં નાક,આંખ તથા કાન બરુઓની સળીઓથી ભરી દીધાં.રાજાએ જયારે ઇષિકાઓથી ભરાઈ ગયેલા શ્વેત આકાશને જોયું ત્યારે તે નર ઋષિના ચરણમાં પડ્યો ને શરણે પડ્યો.
એટલે શરણની ઇચ્છાવાળાઓને શરણે રાખનારા તે નર ભગવાને તેને કહ્યું કે-'તું બ્રાહ્મણો પર પૂજ્ય બુદ્ધિવાળો તથા ધર્માત્મા થા અને ફરી આવું કાર્ય કરીશ નહિ.ક્ષાત્રધર્મને સ્મરણમાં રાખનાર પુરુષ મનથી પણ આવું કાર્ય કરે નહિ.તું ગર્વથી ભરાઈને,પોતાનાથી મોટાનો કે નાનાનો કોઈ રીતે તિરસ્કાર કરીશ નહિ તે વાત ધ્યાનમાં રાખજે.તું નિરભિમાન,જિતેન્દ્રિય ને આત્મનિષ્ઠ થઈને પ્રજાઓનું પાલન કર અને બળાબળ જાણ્યા વિના કોઈનું ફરીથી અપમાન કર નહિ.હું તને જવાની આજ્ઞા આપું છું,માટે ક્ષેમકુશળ પાછો જા,ફરી આવું કાર્ય કરીશ નહિ,ને બ્રાહ્મણોનું અમારા વતી કુશળ પુછજે (38)
પછી,તે દંભોદભવ રાજા નગરમાં પાછો આવી,અતિશય ધર્મથી વર્તવા લાગ્યો.આ પ્રમાણે પૂર્વે નર ભગવાને જે કર્મ કર્યું તે ઘણું મોટું છે,પરંતુ નારાયણ તો તેથી પણ અધિક ગુણવાળા છે (અને તે જ નરનારાયણ હમણાંના અર્જુન અને શ્રીકૃષ્ણ છે)
માટે હે ધૃતરાષ્ટ્ર રાજા,જ્યાં સુધી અર્જુને ઉત્તમ ગાંડીવ ચડાવ્યું નથી અને કાકુદિક જાતના-શુક,નાક,અક્ષિ,સંતર્જન,સંતાન,
નર્તક,ઘોર તથા આસ્યમોદક એવા આઠ પ્રકારના અસ્ત્રોનો પ્રયોગ કર્યો નથી ત્યાં સુધીમાં જ તું અભિમાન છોડીને તેને શરણે જા.કારણકે એ આઠ અસ્ત્રોને અનુક્રમે કામ,ક્રોધ,લોભ,મોહ,મદ,માન,મત્સર અને અહંકાર એ આઠ વિકારનાં સ્વરૂપો જ કહ્યાં છે.એ અસ્ત્રોથી વીંધાયેલાં સર્વ મનુષ્યો મરણ પામે છે.(45)
હે ધૃતરાષ્ટ્ર,સર્વ લોકના સ્ત્રષ્ટા,નિયંતા અને સર્વ કર્મને જાણનારા નારાયણ જેના બંધુ છે તે અર્જુન દુઃસહ છે.ત્રણે લોકમાં તે અર્જુનને જીતવાનો,કયો પુરુષ ઉત્સાહ ધરાવે છે? અર્જુનમાં અસંખ્ય ગુણો રહેલા છે અને જનાર્દન તેથી ચડિયાતા છે.
હે મહારાજ,મેં જે નરનારાયણ કહ્યા,તે જ અર્જુન અને શ્રીકૃષ્ણ છે-એમ તું જાણ.હે રાજન,તું આ વાત જાણતો હોય અને તને મારા પ્રત્યે શંકા ન હોય,તો તું સદબુદ્ધિ ધારણ કરીને પાંડવો સાથે સલાહ કર.જો તું પાંડવોની સાથે ભેદ રાખવામાં પોતાનું કલ્યાણ માનતો ન હોય,તો તું શાંત થઇ જા,યુદ્ધમાં મન જોડીશ નહિ.તમારું કુલ પૃથ્વીમાં બહુ માન્ય ગણાય છે,ને માટે તે તેવું જ રહે,તે પ્રમાણે સ્વહિતનો વિચાર કરીને વર્તો.તમારું કલ્યાણ થાઓ.(52)
અધ્યાય-96-સમાપ્ત