હે રાજન,યુદ્ધને માટે એકઠા થયેલા આ સર્વ રાજાઓ,ઉત્તમ કુળમાં જન્મેલા ને એકબીજાના સહાયક છે,તેઓને મહાભયમાંથી ઉગારો.આ આવેલા રાજાઓ,સુખથી એકબીજાને ભેટી,સાથે ભોજનપાન કરી,વૈર ને ઇર્ષાને દૂર કરીને,સત્કાર પામીને પોતપોતાના ઘેર જાય તેમ કરો.હે રાજન,પાંડવો બાળક હતા ત્યારે તમારી તેઓના પર જેવી પ્રીતિ હતી,તેવી જ પ્રીતિ હવે તમારી છેલ્લી અવસ્થામાં પણ રાખો અને તેઓની સાથે સંધિ કરો.પિતા વિનાના બાળક પાંડવોને તમે જ ઉછેર્યા હતા,માટે હમણાં પણ ન્યાય પ્રમાણે તેઓનું તથા પુત્રોનું પાલન કરો.આપત્તિમાં ખાસ કરીને તમારે જ તેઓનું રક્ષણ કરવું જોઈએ,હે રાજન તમારો ધર્મ અને અર્થ નાશ ન પામો.(39)
હે રાજન,પાંડવોએ તમને અભિનંદન કરીને કૃપા યાચીને કહાવ્યું છે કે-'અમે તમારી આજ્ઞાથી,અનુનાયીઓની સાથે દુઃખ ભોગવ્યું છે,અમે બાર વર્ષ વનમાં ને તેરમું વર્ષ ગુપ્તપણે ગાળ્યું છે.તમે રાજ્ય આપવાનો ઠરાવ પાળશો,એવો નિશ્ચય કરીને અમે અમારા ઠરાવનું ઉલ્લંઘન કર્યું નથી.અમે ઠરાવ પ્રમાણે વર્ત્યા છીએ તો તમે પણ ઠરાવ પ્રમાણે વર્તો,ને ઠરાવ મુજબ અમને રાજ્યભાગ મળે તેમ કરો.તમે ધર્મ ને અર્થને સારી રીતે જાણો છો,માટે હવે તમારે અમારું સારી રીતે રક્ષણ કરવું જોઈએ.તમારા વડીલપણા તરફ દૃષ્ટિ કરીને અમે ઘણાં કષ્ટો સહન કર્યાં છે,માટે હવે તમે અમારી તરફ પિતાની જેમ વર્તો.તમે અમારા પિતા છો અને અમે અવળે માર્ગે જતા હોઈએ તો અમને માર્ગ પર લાવવા એ તમારો અધિકાર છે માટે અમને માર્ગ પર સ્થાપો અને તમે પણ ધર્મના સુમાર્ગ પર રહો.' (44)
હે ભરતશ્રેષ્ઠ,તમારા પુત્રોએ સભાસદોને પણ કહેવરાવ્યું છે કે-'ધર્મવેત્તા સભાસદોમાં અમારા સંબંધી અન્યાય થવો યોગ્ય ગણાશે નહિ,કારણકે જ્યાં સભાસદોના દેખતાં,અધર્મ વડે ધર્મ અને અસત્ય વડે સત્ય હણાય છે ત્યાં સભાસદો અધર્મથી હણાય છે.જે સભામાં અધર્મથી વીંધાયેલો ધર્મ શરણે આવે અને જો સભાસદો,અધર્મને કાપીને ધર્મને મોકળો કરે નહિ તો તે સભામાં બેઠેલા સભાસદો અધર્મથી વીંધાય છે અને ધર્મ,તે સભાસદોનો નાશ કરે છે (50)
હે રાજન,પાંડવોએ આજસુધી ધર્મ તરફ જ દૃષ્ટિ રાખી મૌન ધરીને બેઠા છે,તેઓએ સત્ય,ધર્મ ને ન્યાય ભરેલું જ કહ્યું છે.
પાંડવોને રાજ્યભાગ આપવા વિના તમને શું કહી શકાય તેમ છે?આ સભામાં બેઠેલા જે રાજાઓ છે તેઓ ભલે જે કહેવું હોય તે કહે,પણ હું જો ધર્મ ને અર્થને ધ્યાનમાં લઈને સત્ય કહેતો હોઉં,તો તમે આ ક્ષત્રિયોને મૃત્યુપાશમાંથી મુક્ત કરો.
હે રાજા,તમે ક્રોધને અધીન ન થાઓ,પણ શાંત થઈને પાંડવોને યથાયોગ્ય તેઓના પિતાનો રાજ્યભાગ આપીને કૃતાર્થ થાઓ અને પુત્રોની સાથે વૈભવ ભોગવો.અજાતશત્રુ યુધિષ્ઠિર સર્વદા સજ્જનોના ધર્મમાં રહેલા છે અને તમારા પ્રત્યે ને તમારા પુત્રો પ્રત્યે કેવી સદવૃત્તિથી વર્તે છે તે તમે જાણો છો.તે યુધિષ્ઠિરને તમે લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો,દ્યુત વડે રાજ્યમાંથી હાંકી કાઢ્યા છતાં,તે ફરીવાર તમારા શરણે આવ્યા છે.છળ ભરેલા શકુનિના જુગારથી તેઓ દરિદ્ર થયા,ને એકવસ્ત્ર દ્રૌપદીને સભામાં ખેંચી લાવેલી જોઈને,પણ તે અમાપ ગંભીરતાવાળા યુધિષ્ઠિર ક્ષાત્રધર્મથી ડગ્યા નહોતા.હે રાજન,હું તો તમારું અને તેઓનું કલ્યાણ ઈચ્છું છું.તમે પોતાના અર્થને અનર્થ માનીને અને અનર્થને અર્થ માનીને,પ્રજાના ધર્મ,અર્થ અને સુખનો નાશ કરો નહિ.તમે અત્યંત લોભમાં પડેલા પુત્રોને કબ્જે રાખો.પાંડવો તમારી સેવા કરવા પણ તૈયાર છે ને યુદ્ધ કરવા પણ તૈયાર છે,માટે એ બેમાંથી તમને જે વધારે યોગ્ય અને અનુકૂળ લાગે તે તમે સ્વીકારો.
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણનાં તે વચનને સર્વ રાજાઓએ હૃદયમાં બહુ માન આપ્યું પરંતુ ત્યાં તે વાણી વડે પ્રગટ કરવા કોઈ પણ આગળ આવ્યો નહિ (63)
અધ્યાય-95-સમાપ્ત