અધ્યાય-૯૫-શ્રીકૃષ્ણની શિખામણ
II वैशंपायन उवाच II तेष्वासीनेषु सर्वेषु तुष्णार्भुतेषु राजसु I वाक्यमभ्याददे कृष्णः सुदंष्टो दुन्दुभिस्वनः II १ II
વૈશંપાયને કહ્યું-તે સર્વ રાજાઓ આસનો પર શાંત થઈને બેઠા,પછી,સુંદર દંતપંક્તિવાળા તથા દુંદુભિના જેવા સાદવાળા,લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના તરફ જોઈને,વર્ષાઋતુના મેઘના જેવી ગર્જનાથી,સર્વ સભાને સંભળાવતા કહેવા લાગ્યા કે-'હે ભરતવંશી રાજા,વીર પુરુષોનો વિનાશ થયા વિના,કૌરવ-પાંડવોની વચ્ચે સલાહ થાય,એવી માગણી કરવા માટે હું અહીં આવ્યો છું.મારે તમારા હિતને માટે એ વિના બીજું વચન કહેવાનું નથી.હે રાજા,આજે આ કુરૂકૂળ,સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છે,શાસ્ત્રજ્ઞાન અને સદવર્તનથી સંપન્ન છે અને ગુણોથી ઝળકી રહેલું છે.આવા સદગુણવાળા,કુળમાં ખાસ કરીને તમારા જ નિમિત્તે દયા,વગેરેથી વિરુદ્ધ વર્તન થાય તે કુરૂકૂળને યોગ્ય નથી.(7)
હે તાત,તમે વડીલ છો,તેથી તમારે આ કુળમાં જે કોઈ ગુપ્તરીતે કે જાહેર રીતે અયોગ્ય વર્તન કરતા હોય,તેઓને રોકીને મર્યાદામાં રાખવા જોઈએ.તમારા,અસભ્ય,મર્યાદા વિનાના અને લોભને અધીન ચિત્તવાળા દુર્યોધન વગેરે પુત્રો,ધર્મ-અર્થને પાછળ નાખીને પોતાના બંધુઓની સાથે જ ક્રુરતાથી વર્તે છે તે તમે જાણો છો.આ મહાભયંકર આપત્તિ કૌરવોથી જ પ્રગટ થયેલી છે અને જો તેની દરકાર કરવામાં નહિ આવે તો તે આખી પૃથ્વીનો નાશ કરશે.હે ભારત,તમે જો કુળના નાશની ઈચ્છા ન રાખતા હો તો એ આપત્તિ શાંત કરી શકાય તેવી છે,બંને પક્ષમાં શાંતિ કરવી કઠિન નથી એમ હું માનું છું.એ શાંતિ તમારે તથા મારે અધીન છે,તમે તમારા પુત્રોને મર્યાદામાં રાખો એટલે હું પાંડવોને મર્યાદામાં રાખીશ.(13)
હે રાજેન્દ્ર,અનુનાયીઓ સહિત તમારા પુત્રોએ મારી આજ્ઞામાં વર્તવું જોઈએ,ને તેમાં જ તેમનું હિત છે,તમારું હિત છે ને પાંડવોનું પણ હિત છે.તમારી આજ્ઞા તમારા પુત્રો પાળે,એવી શુભેચ્છાથી સંધિને માટે હું પ્રયત્ન કરું છું,તે મારુ પણ હિત છે.હે રાજા,તમે વૈરને નિષ્ફળ સમજીને મૈત્રી કરો ને તેમ કરવાથી તે ભરતવંશી વીરો તમારા જ સહાયક થશે.યત્ન કરવાથી પણ પાંડવો જેવા સહાયકો મળી શકે તેમ નથી,માટે પાંડવોની સાથે સંધિ કરી,તેઓના સુરક્ષણ હેઠળ ધર્માર્થનું સેવન કરો.પાંડવોથી રક્ષણ કરાતા તમને,દેવો સહિત ઇન્દ્ર પણ જીતવા સમર્થ થશે નહિ,તો બીજા રાજાઓ તો જીતે જ ક્યાંથી? (18)
હે ભરતશ્રેષ્ઠ,જ્યાં કૌરવો અને પાંડવોના સર્વ મહારથી યોદ્ધાઓ હોય,ત્યાં,તેઓની સાથે કયો વિપરીત બુદ્ધિવાળો યુદ્ધ કરી શકે? માટે તમે જો કૌરવો અને પાંડવોની સાથે થશો તો મહાન લોકેશ્વરપણાને પામશો ને શત્રુઓ તમારો પરાભવ કરી શકશે નહિ.અને તમારા બરોબરીયા અને તમારાથી શ્રેષ્ઠ રાજાઓ પણ તમારી સાથે સંધિ કરશે.અને તમે પુત્રો,પૌત્રો,પિતાઓ,ભાઈઓ અને સ્નેહીઓથી સુરક્ષિત થઈને સુખમાં જીવન ગાળી શકશો.આમ,તમે પાંડવોને આગળ કરી,પૂર્વની જેમ તેમનો સત્કાર કરશો તો નિષ્કંટક સમગ્ર પૃથ્વીને ભોગવશો.અને આ જ સંપૂર્ણપણે તમારો સ્વાર્થ છે.(27)
હે મહારાજ,યુદ્ધ કરવામાં તો બહુ ભારે વિનાશ જ દેખાય છે.બંને પક્ષના ક્ષયમાં તમે કયો ધર્મ જુઓ છો? સંગ્રામમાં પાંડવો કે તમારા પુત્રો હણાશે તો તેથી તમે કેવું સુખ મેળવશો? તે મને કહો.બંને પક્ષે સર્વ શૂરા છે,અસ્ત્રવિદ્યામાં કુશળ છે અને યુદ્ધની આકાંક્ષાવાળા છે,માટે તમે હમણાં જ તેઓને મહાભયમાંથી બચાવી લો.અને તેઓને સંગ્રામમાં હણાયેલા જોવાનો આપણો વારો ના આવે તેમ કરો.પૃથ્વી પરના સર્વ રાજાઓ એકઠા થઈને,ક્રોધને અધીન થઈને આ પ્રજાનો સંહાર વળી નાખશે,તો તમે આ લોકનું રક્ષણ કરો ને પ્રજા નાશ ન પામે તેમ કરો.તમે સત્વગુણ ધારણ કરશો,તો સર્વ બચી જશે (33)