Mar 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-759

 

અધ્યાય-૯૪-શ્રીકૃષ્ણનો સભામાં પ્રવેશ 


II वैशंपायन उवाच II तथा कथयतोरेव तयोर्बुध्धिमतोस्तदा I शिवा नक्षत्रसंपन्ना सा व्यतीयाय शर्वरी II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વાતો કરતાં કરતાં તે બંને બુદ્ધિમાનોની સુખકારક તથા નક્ષત્રોવાળી રાત્રિ વીતી ગઈ.રાત્રિ પુરી થતાં જ,ઉત્તમ સ્વરવાળા સૂત તથા માગધોએ સ્તુતિથી અને શંખ દુંદુભીઓના સ્વરોથી શ્રીકૃષ્ણને જાગ્રત કર્યા.શ્રીકૃષ્ણે ઉઠયા પછી નિત્યકર્મ કર્યું અને તે સંધ્યા કરતા હતા તે વખતે દુર્યોધન અને શકુનિ ત્યાં આવ્યા અને તેમને કૃષ્ણને કહ્યું કે-'સભામાં,ધૃતરાષ્ટ્ર,

ભીષ્મ આદિ સર્વ રાજાઓ આવ્યા છે,હે ગોવિંદ,સ્વર્ગમાં જેમ ઇન્દ્રની વાટ જુએ તેમ તે તમારી રાહ જુએ છે'

તે સાંભળી,શ્રીકૃષ્ણે અતિ મધુર સૌમ્ય શબ્દોથી તે બંનેને અભિનંદન આપ્યું.ને પછી,પરમ શોભા વડે ઝળહળતા તે શ્રીકૃષ્ણ

રથમાં આવી બેઠા,ત્યારે કૌરવો તેમની આસપાસ વીંટાયેલા હતા અને યાદવો તેમનું રક્ષણ કરતા હતા.વિદુર પણ આવીને તે જ રથમાં બેઠા ને તેમની પાછળ દુર્યોધનનો રથ જવા લાગ્યો.તેની પાછળ શ્રીકૃષ્ણની સેનાના પાંચસો હાથીઓ ને હજારો રથ ચાલતા હતા.રાજમાર્ગ પાણીથી છંટાયેલો હતો ને આસપાસ,શ્રીકૃષ્ણનાં દર્શનની ઈચ્છાથી આખું નગર એકઠું થયું હતું.

શ્રીકૃષ્ણ સર્વેની,સર્વની પૂજાને સ્વીકારતા,મધુર વાતો સાંભળતા,યોગ્યતા પ્રમાણે સામો સત્કાર આપતા ને નગરની શોભા જોતા,ધીરે ધીરે તે માર્ગ પર જતા હતા.(27)


પછી,શ્રીકૃષ્ણ જયારે,સભાસ્થાન આગળ આવ્યા ત્યારે તેમના અનુચરોએ શંખોસહિત વેણુઓના શબ્દોથી સર્વ દિશાઓને ગજવી મૂકી,કે જે શબ્દ સાંભળીને રાજાઓની તે સભા શ્રીકૃષ્ણના આવવાની આકાંક્ષાથી હર્ષથી કંપી ઉઠી.

પછી,કૈલાસના શિખર જેવા તે રથમાંથી ઉતરીને,શ્રીકૃષ્ણ,વિદુર અને સાત્યકિનો હાથ પકડીને,મહેન્દ્રના મહાલય જેવી રમ્ય સભામાં પ્રવેશ્યા.તે વખતે,જેમ સૂર્ય,નક્ષત્રોને ઝાંખાં પાડી દે છે તેમ,તેમણે પોતાના તેજ વડે કૌરવોને ઝાંખા પાડી દીધા.(33)


સભામાં પ્રવેશ કરતી વખતે,શ્રીકૃષ્ણની આગળ કર્ણ તથા દુર્યોધન ચાલતા હતા અને યાદવો તથા કૃતવર્મા પાછળ ચાલતા હતા.

શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે તેમને સન્માન આપવા માટે ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ વગેરે આસનો પરથી ઉઠયા,એટલે ચોતરફ બેઠેલા હજારો રાજાઓ પણ ઉભા થઇ ગયા.શ્રીકૃષ્ણે પ્રથમ,ધૃતરાષ્ટ્ર,ભીષ્મ તથા દ્રોણની સાથે હસતાં હસતાં વાતચીત કરી પછી બીજા રાજાઓની સાથે,વયના પ્રમાણમાં સંભાષણ કર્યું.સર્વેએ શ્રીકૃષ્ણનું ઉત્તમ સન્માન કર્યું.શ્રીકૃષ્ણ સર્વની વચ્ચે ઉભા હતા ત્યારે,તેમણે અંતરિક્ષમાં રહેલા ઋષિઓને જોયા.તે નારદ વગેરે ઋષિઓને જોઈને,શ્રીકૃષ્ણે ભીષ્મને ધીરેથી કહ્યું કે-

'આ ઋષિઓ આપણી પૃથ્વી પરની સભા જોવા આવ્યા છે માટે મોટા સત્કાર સાથે તેઓને નિમંત્રણ કરો ને બેસવા આસનો આપો,કારણકે તે બેસસે નહિ ત્યાં સુધી કોઈ પણ બેસી શકશે નહિ માટે સત્વરે તેમનો સત્કાર કરો (43)


એટલામાં જ ભીષ્મે ઋષિઓને સભાદ્વાર આગળ આવેલા દીઠા એટલે તેમણે સેવકોને આસનો લાવવાની આજ્ઞા કરી,

સેવકો આસનો લાવ્યા ત્યારે તે પર ઋષિઓ બેઠા પછી,તેમનો વિધિવત સત્કાર કરવામાં આવ્યો.તેપછી શ્રીકૃષ્ણ પોતાના આસન પર બેઠા અને રાજાઓ પણ પોતપોતાના આસનો પર બેઠા.દુર્યોધન અને કર્ણ,શ્રીકૃષ્ણની સમીપમાં જ આસન પર બેઠા.શકુનિ અને વિદુર પણ શ્રીકૃષ્ણની પાસે મણિમય આસન પર બેઠા.ત્યાં બેઠેલા સર્વ રાજાઓ,ઘણે દિવસે શ્રીકૃષ્ણને જોઈને,જેમ,અમૃત પીતાં તૃપ્ત થવાય નહિ,તેમ,પ્રભુને જોતાં તૃપ્ત થયા નહિ.અળસીના પુષ્પ જેવા વર્ણવાળા,પીતાંબરધારી શ્રીકૃષ્ણ,તે સભામાં,સુવર્ણમાં જડેલા મણિના જેવા અત્યંત પ્રકાશમાં જણાતા હતા.ત્યાં સર્વનાં ચિત્ત ગોવિંદમાં પરોવાઈ જવાથી સભામાં સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ,અને કોઈ પણ પુરુષ ક્યાંય કંઈ પણ બોલતો નહોતો (54)

અધ્યાય-94-સમાપ્ત