Mar 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-758

 

અધ્યાય-૯૩-શ્રીકૃષ્ણનું વિદુર પ્રત્યે ભાષણ 


II श्रीभगवानुवाच II यथा बुयान्महाप्राज्ञो यथा बुयाद्विचक्षणः I यथा वाच्यस्त्वद्विधेन भवत मद्विधः सुहृत II १ II

શ્રીભગવાન બોલ્યા-હે વિદુર,મહાબુદ્ધિમાન,વિચક્ષણ પુરુષ જે પ્રમાણે કહે,અને તમારા જેવાએ મારા જેવા સ્નેહીને જે પ્રમાણે કહેવું જોઈએ,તેવું ધર્માર્થયુક્ત સત્યવચન,તમે મને માતપિતાની જેમ કહ્યું છે.તમે મને જે સત્ય,સમયોચિત તથા યોગ્ય કહ્યું છે તે યથાર્થ છે.પણ હવે તમે સ્વસ્થ થાઓ ને મારા આવવાનું કારણ સાંભળો.હું દુર્યોધનની દુષ્ટતા અને મારો ક્ષત્રિયો સાથેનો વેરભાવ,એ સર્વ જાણીને જ આજે અહીં કૌરવો પાસે આવ્યો છું.ઘોડા-રથ અને હાથીઓની સાથે આ પૃથ્વી નાશ પામવા બેઠી છે,તેને જે પુરુષ મૃત્યુપાશથી મુક્ત કરે,તે ઉત્તમ ધર્મને પ્રાપ્ત થાય છે.(5)

મનુષ્ય,પોતાની શક્તિ પ્રમાણે ધર્મનું કાર્ય કરવા યત્ન કરે,છતાં જો તે કાર્યસિદ્ધિ કરી શકે નહિ,તો પણ તેને શુભ યત્નનું પુણ્ય મળે છે,એમાં મને સંદેહ નથી.મનુષ્ય,જો પોતાના મનમાં પાપનું ચિંતન કરતો હોય,પણ જો કર્મથી કરતો ન હોય તો તેને તે પાપનું ફળ મળતું નથી,માટે હે વિદુર,સંગ્રામમાં વિનાશ પામવા તૈયાર થયેલા કૌરવો તથા સૃન્જયોની વચ્ચે હું સલાહશાંતિ કરાવવા હું નિષ્કપટપણે પ્રયત્ન કરીશ.આ કર્ણ અને દુર્યોધને ઉત્પન્ન કરેલી મહાભયંકર આપત્તિ કૌરવોમાં જ ઉભી થઇ છે અને બીજા સર્વ તેના અનુનાયી થયા છે.(9)


જે પુરુષ સંકટમાં ફસેલા મિત્રને સહાય કરતો નથી,તે ક્રૂર પુરુષને વિદ્વાનો અનર્થકારક સમજે છે.જે પુરુષ અકાર્યમાં પાડનારા મિત્રને તેમાંથી પાછો વાળવા માટે સામર્થ્ય પ્રમાણે યત્ન કરે છે અને પ્રસંગે ચોટલી પકડીને પાછો વાળવા યત્ન કરે છે તે પુરુષની કોઈ પણ નિંદા કરી શકતું નથી.માટે હે વિદુર,દુર્યોધનને તથા તેના મંત્રીઓને મારાં સમર્થ હિતકારક વચન સાંભળવાં જોઈએ.હું ધૃતરાષ્ટ્રના પુત્રોનું,પાંડવોનું અને પૃથ્વીના ક્ષત્રિયોનું જે રીતે હિત થાય,તે રીતે નિષ્કપટભાવથી યત્ન કરીશ.છતાં,જો દુર્યોધન,મારા વિષે શંકા લાવશે તો તેમાં પણ મને સંતોષ જ છે કેમ કે હું કર્તવ્યરૂપી ઋણમાંથી મુક્ત થઈશ.(14)


જયારે,સંબંધીઓમાં મતભેદ પડે,ત્યારે,જે પુરુષ,મિત્રને સર્વ યત્નથી સહાય કરે નહિ,તે મધ્યસ્થ પુરુષને વિદ્વાનો મિત્ર ગણતા નથી.'કૃષ્ણ સમર્થ હતા,છતાં તેમણે ક્રોધે ભરાયેલા કૌરવપાંડવોને વાર્યા નહિ' એવું અધર્મિષ્ઠ,મૂર્ખ તથા મારા શત્રુઓ કહે નહિ,એટલા માટે હું બંને પક્ષનો અર્થ સાધવાની ઈચ્છાથી અહીં આવ્યો છું અને તે સંબંધમાં યત્ન કરીને હું લોકોમાં નિર્દોષ થઈશ.મારાં વચન જો મૂર્ખ દુર્યોધન સ્વીકારશે નહિ તો તે પોતાના ભાગ્યને અધીન થશે.જો હું,પાંડવોના અર્થને હાનિ પહોંચાડ્યા વિના કૌરવ-પાંડવોમાં યથાયોગ્ય સલાહ કરવું તો મેં પુણ્યકર્મ કરેલું ગણાય અને કૌરવો મૃત્યુના પાશથી મોકળા થાય.(19)


હું મધુર,ધર્મયુક્ત,અર્થયુક્ત તથા કોઈને પીડા ન થાય તેવી વાણી બોલીશ,તેને જો કૌરવો સાંભળશે અને 

'હું શાંતિને માટે આવ્યો છું' એમ જાણીને મારુ સન્માન કરશે,તો સર્વ ઠીક છે,નહિ તો એકઠા મળેલા 

સર્વ રાજાઓ પણ,જો હું ક્રોધાયમાન થઈશ તો મારી આગળ ઉભા રહેવા સમર્થ થશે નહિ' 

આમ કહીને શ્રીકૃષ્ણે કોમળ સ્પર્શવાળી શય્યા પર શયન કર્યું (22)

અધ્યાય-93-સમાપ્ત