Mar 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-757

 

અધ્યાય-૯૨-શ્રીકૃષ્ણ આગળ વિદુરનું ભાષણ 


II वैशंपायन उवाच II तं भुक्तवंतमाश्वस्तं निशायां विदुरोब्रवीत I नेदं सम्यग्व्यवसितं केशवागमनं तव  II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણ ભોજન કર્યા પછી રાત્રે શાંતિથી બેઠા હતા તે વખતે વિદુર તેમને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમારું અહીં આવવું થયું,એ સારા વિચારપૂર્વક થયું નથી,કારણકે આ દુર્યોધન,અર્થ,ધર્મનું ઉલ્લંઘન કરનારો,મૂર્ખ,ક્રોધી,બીજાનું અપમાન કરીને પોતે માનની ઈચ્છા રાખનારો અને બીજા ઘણા દોષોથી ભરેલો છે,માટે તમે તેને કલ્યાણની વાત કહેશો તો પણ તે ક્રોધને લીધે ગ્રહણ કરશે નહિ.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ આદિ સર્વ યુદ્ધ કરીને,તેને રાજ્યરૂપી જીવન અપાવશે,એવા વિચારથી સલાહ કરવા ધારતો નથી.

હે જનાર્દન,કર્ણની સાથે ધૃતરાષ્ટ્રના પુત્રોએ નિશ્ચય કર્યો છે કે,ભીષ્મ,દ્રોણ વગેરે આપણા નાયકો છે,એટલે પાંડવો આપણી સામે જોવા પણ સમર્થ નથી.તે મૂર્ખ દુર્યોધન,પૃથ્વી પરની સઘળી સેનામાત્ર એકઠી કરીને પોતાને કૃતાર્થ થયેલો માને છે.વળી,તે દુર્બુધ્ધિ દુર્યોધને,એકલો કર્ણ જ શત્રુઓને જીતવા સમર્થ છે-એવો નિશ્ચય કર્યો છે,તેથી તે શાંતિ પામશે નહિ.હે કેશવ,તમે ભાઈઓની વચ્ચે પ્રેમ રહે એ ઈચ્છાથી સલાહ કરાવવા માટે યત્ન કરો છો પરંતુ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોએ ઠરાવ કર્યો છે કે-

'આપણે પાંડવોને યોગ્ય ભાગ પાછો આપવો નહિ' એથી આવા ઠરાવવાળા આગળ તમારું વચન નિરર્થક થઇ પડશે.


હે મધુસુદન,જ્યાં સારી કે નઠારી વાત સરખી જ્ઞાતિ હોય ત્યાં,ડાહ્યા મનુષ્યોએ બોલવું નહિ,કારણકે તે બહેરાઓની આગળ ગાયન ગાવા જેવું જ છે.તેમ જ દુર્બુદ્ધિ,દુષ્ટ ચિત્તવાળા અને અસભ્ય એવા ઘણાઓની વચ્ચે,તમે તેઓથી વિરુદ્ધ બોલો એ મને ઠીક લાગતું નથી.દુર્યોધને વૃદ્ધ પુરુષોની સેવા કરી નથી અને તે લક્ષ્મીના ને યુવાવસ્થાના ગર્વથી,અસહિષ્ણુતાને વશ થયેલો છે ને તમારા કલ્યાણકારી વચનને ગ્રહણ કરશે નહિ.હે માધવ,દુર્યોધનને તમારા પ્રત્યે મોટી શંકા છે,માટે તમે ગમે તેટલા બળથી તેને કહેશો તો પણ તમારા વચન પ્રમાણે વર્તશે નહિ.


કૌરવો એવો નિશ્ચય કરીંને બેઠા છે કે-'હમણાં દેવો સહિત ઇન્દ્ર પણ યુદ્ધ કરીને આપણું રાજ્ય લઈ શકે તેમ નથી' 

તેઓની આગળ તમારું સમર્થ વાક્ય પણ અસમર્થ થઇ પડશે.મહામૂર્ખ દુર્યોધન,હાથી-ઘોડાના સૈન્ય વચ્ચે ઉભો રહી,ભયરહિત થઈને માને છે કે-'મેં આખી પૃથ્વી જીતી લીધી છે' અને પાંડવોની માલિકીનો ભાગ પણ પોતાને મળેલો જ માને છે.માટે તેની સાથે સલાહ થવી કેવળ અશક્ય જ છે.આ પૃથ્વી કાળ વડે પરિપક્વ થઇ વિપરીત દશામાં પડી ગઈ છે અને તેથી જ સર્વ રાજાઓ એકઠા થઈને દુર્યોધનને માટે પાંડવો સાથે યુદ્ધ કરવા આવ્યા છે.


હે માધવ,એ રાજાઓ સાથે પૂર્વે તમારે વેર થયેલું છે,તેથી તમારા ભયને લીધે એકઠા મળીને કર્ણસહિત કૌરવોના આશ્રયમાં આવી રહેલા છે,ને પ્રાણોની દરકાર ન કરતાં દુર્યોધનની સાથે રહીને પાંડવોની સામે યુદ્ધ કરવાના ઉત્સાહમાં આવી ગયા છે,કે તેઓની વચ્ચે તમે પ્રવેશ કરો એ વાત મને પસંદ નથી.હે શ્રીકૃષ્ણ,એ દુષ્ટચિત્ત શત્રુઓ વચ્ચે તમે શા માટે પ્રવેશ કરવા ધારો છે?

જો કે તમે યુદ્ધમાં દેવોને પણ ભારે પડો તેવા છો તે હું જાણું છું,પણ,તારા પ્રત્યે પ્રેમ,બહુમાન અને સ્નેહબુદ્ધિથી પ્રેરાઈને જ હું આ પ્રમાણે કહું છું કારણકે મારી પાંડવોના ઉપર જેવી પ્રીતિ છે તેવી અધિક પ્રીતિ તમારા પ્રત્યે પણ છે.હે માધવ,તમારા દર્શનથી મને જે આનંદ થયો છે,તેનું હું તમારી આગળ શું વર્ણન કરું? તમે દેહધારીઓના અંતરાત્મા છો તેથી તે જાણો જ છો (30)

અધ્યાય-92-સમાપ્ત