Mar 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-756

 

અધ્યાય-૯૧-દુર્યોધનને ત્યાં શ્રીકૃષ્ણ 


II वैशंपायन उवाच II प्रुथामामन्त्र्य गोविन्दः कृत्वा चाभिप्रदक्षिणम् I दुर्योधनगृहं शौरिरभ्यगच्छदरिन्दमः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,ઇન્દ્રના મહાલય જેવા,શોભાસંપન્ન તથા ચિત્રવિચિત્ર આસનોથી યુક્ત દુર્યોધનના મહેલમાં શ્રીકૃષ્ણ દાખલ થયા.ત્યાં,દુર્યોધન,હજારો રાજાઓ,કૌરવો,દુઃશાસન,કર્ણ અને શકુનિ આદિથી વીંટાઇને બેઠેલો હતો.શ્રીકૃષ્ણને પાસે આવેલા જોઈ દુર્યોધન,તેમને માન આપવા અમાત્યોની સાથે ઉભો થયો ને તેમને આસન આપીને તેમનો વિધિપૂર્વક સત્કાર કર્યો.

દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે નિમંત્રણ કર્યું હતું,પરંતુ કેશવે તે કબુલ કર્યું નહોતું,એટલે દુર્યોધને ઉપરથી મૃદુ પણ અંદરથી શઠતાભરેલાં વાક્ય વડે શ્રીકૃષ્ણને કહ્યું કે-

'હે જનાર્દન,તમારા માટે અનેક પ્રકારનાં ખાણાં,પીણાં,વસ્ત્રો આદિ લાવવામાં આવ્યાં છે છતાં તમે તેનો સ્વીકાર કર્યો નહિ,તેનું શું કારણ? તમે બંને પક્ષને સહાય કરનારા ને બંને પક્ષના હિતમાં તત્પર છો,તમે ધૃતરાષ્ટ્રના સંબંધી ને પ્રીતિપાત્ર છો,તમે ધર્મ ને અર્થનાં તત્વને યથાર્થ જાણો છો,છતાં મારા અન્નાદિકનો સ્વીકાર કરતા નથી,તેનું કારણ હું સાંભળવા ઈચ્છું છું'


શ્રીકૃષ્ણ બોલ્યા-'હે ભરતવંશી,દૂતો જે કાર્યને માટે આવ્યા હોય,તે કાર્ય સિદ્ધ થયા પછી ભોજન સ્વીકારે છે,માટે હું સિદ્ધ કાર્યવાળો થાઉં,ત્યારે તમે મારો અને મારા મંત્રીઓનો સત્કાર કરજો'

દુર્યોધન બોલ્યો-'હે મધુસુદન,તમારે અમારી સાથે આવું અયોગ્ય વર્તન કરવું એ યોગ્ય નથી.તમે તમારા કાર્યમાં સફળ કે નિષ્ફળ થાઓ,તેથી શું?અમે તો સંબંધને લીધે જ તમારો સત્કાર કરવા યત્ન કરીએ છીએ.ને તમે સ્વીકારતા નથી,એમાં અમે શું કરીએ?અમે પ્રીતિથી તમારી પૂજા કરીએ છીએ,અમારે તમારી સાથે વેર નથી,તેમ કોઈ લડાઈ પણ થઇ નથી માટે તમારે આ વાતનો વિચાર કરીને આવું બોલવું જોઈએ નહિ.'(22)


શ્રીકૃષ્ણ હાસ્ય કરતા હોય તેમ પ્રત્યુત્તર આપતાં બોલ્યા કે-'હે રાજા,હું કામ-ક્રોધ-દ્વેષ-ધન-કપટ કે લોભના કારણથી ધર્મનો કોઈ પણ રીતે ત્યાગ કરું તેવો નથી.ઉત્તમ પ્રીતિવાળાના અન્નનું ભોજન કરવું અથવા પોતે આપત્તિમાં પડ્યો હોય તો પારકા અન્નનું ભોજન કરવું,પરંતુ એ બંને પ્રકાર અહીં નથી કારણકે તમે અમારા પર ઉત્તમ પ્રીતિ ધરાવતા નથી અને અમે અન્ન ન મળે તેવી આપત્તિમાં પડ્યા નથી એટલે ભોજન કેમ કરવું?પાંડવો સ્નેહીઓને અનુસરનારા અને સર્વ ગુણોથી સંપન્ન છે છતાં,તમે તેઓનો જન્મથી આરંભીને નિષ્કારણ દ્વેષ કરો છો,એ અયોગ્ય છે.તેઓ સર્વદા ધર્મમાં રહેલા છે,જે પુરુષો તેમનો દ્વેષ કરે છે તેઓ મારો પણ દ્વેષ કરે છે અને જેઓ તેમને અનુસરે છે તેઓ મને અનુસરે છે,કારણકે ધર્માચરણ કરનારા પાંડવો સાથે હું એકજીવ થઇ ગયેલો છું એમ તમે જાણો.


જે પુરુષ કામ-ક્રોધને અધીન  થઈને મોહને લીધે ગુણવાન પુરુષોનો દ્વેષ કરે છે અને તેઓની સાથે વિરોધ કરવાની ઈચ્છા રાખે છે તેને વિદ્વાનો અધમ પુરુષ કહે છે.જે પુરુષ ઉત્તમ ગુણવાળા સંબંધીઓ તરફ દોષદૃષ્ટિથી અથવા ધનહરણ કરવાની ઈચ્છાથી જુએ છે,તે અવશ અંતઃકરણવાળા ક્રોધી પુરુષની પાસે લક્ષ્મી લાંબા સમય સુધી રહેતી નથી.તમારું સર્વ અન્ન,દુષ્ટોના સંબંધવાળું છે માટે મારે અહીં ભોજન કરવું નથી પણ માત્ર વિદુરનું અન્ન જ જમવું એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે'


આમ કહીને શ્રીકૃષ્ણ,દુર્યોધનના મહેલમાંથી નીકળીને વિદુરના ઘેર રહેવા ગયા.તે પછી,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ શ્રીકૃષ્ણને મળવા આવ્યા ને બોલ્યા-હે શ્રીકૃષ્ણ,અમે તમને અમારાં રત્નજડિત મંદિરો અર્પણ કરીએ છીએ' ત્યારે મધુસૂદને કહ્યું-'તમે સર્વ પ્રકારે મારી પૂજા કરીને સન્માન કર્યું છે એમ હું માનું છું માટે હવે તમે સર્વ તમારા સ્થાનમાં પાછા જાઓ'(37)


તે સર્વના ગયા પછી,વિદુરે,પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારની પ્રિય વસ્તુ અર્પણ કરીને શ્રીકૃષ્ણનો સત્કાર કર્યો.અને અનેક પ્રકારની  શુદ્ધ,ગુણવાન ખાવા પીવાની વસ્તુઓ કેશવની સમક્ષ લાવીને મૂકી.શ્રીકૃષ્ણે તે પદાર્થોથી વેદવેત્તા બ્રાહ્મણોને તૃપ્ત કરી તેમને દક્ષિણા આપી અને પછી પોતાના અનુનાયીઓ સાથે વિદુરના પવિત્ર અન્નનું ભોજન કર્યું (41)

અધ્યાય-91-સમાપ્ત