Mar 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-755

 

અધ્યાય-૯૦-કુંતીનો તથા શ્રીકૃષ્ણનો સંવાદ 


II वैशंपायन उवाच II अथोपगम्य विदुरेषुपराह्वे जनार्दनः I पितृष्वसारं प्रुथामभ्यगच्छदरिदमः II १ II

વૈશંપાયને કહ્યું-શત્રુદમન શ્રીકૃષ્ણ,વિદુરને મળ્યા પછી,પાછલે પહોરે પોતાનાં ફોઈ કુંતીની પાસે ગયા.નિર્મળ સૂર્યના જેવા તેજસ્વી શ્રીકૃષ્ણને આવેલા જોઈને કુંતી તેમને ગળે બાઝી પડ્યાં અને પુત્રોનું સ્મરણ કરીને રડવા લાગ્યાં.પછી,અતિથિ સત્કાર પામીને શ્રીકૃષ્ણ બેઠા એટલે ગળગળા થયેલા મુખ વડે તેમને કહેવા લાગ્યાં કે-જેઓ બાળવયથી જ ગુરુસેવામાં તત્પર છે,પરસ્પર સ્નેહવાળા છે,એકબીજા તરફ માનવૃત્તિવાળા છે,કપટ વડે રાજ્યભ્રષ્ટ થઈને નિર્જન અરણ્યમાં ગયા છે,ક્રોધ તથા હર્ષને સ્વાધીન રાખનારા,બ્રાહ્મણોના ભક્ત અને સત્ય બોલનારા છે,તે મારા પુત્રો પ્રિય વસ્તુઓનો ને સુખનો ત્યાગ કરીને અને મને રડતી છોડીને વનમાં જતાં જતાં મારા હૃદયને સમૂળગું હરી ગયા છે.હે કેશવ,વનવાસને અયોગ્ય એવા મારા પુત્રો વનમાં કેવી રીતે રહ્યા હશે? બાળવયમાં જ પિતા વિનાના થયેલા તેઓને મેં હંમેશાં લાડ લડાવ્યા હતાં.(8)

હે કૃષ્ણ,સત્યનિષ્ઠ,લજ્જાશીલ,જિતેન્દ્રિય,દયાવાન,સજ્જન,શીલ,સદાચારથી સંપન્ન,ધર્મજ્ઞ,સત્ય પ્રતિજ્ઞાવાન,ત્રણે લોકનો રાજા થવા યોગ્ય,અજાતશત્રુ,ધર્માત્મા,સુવર્ણના જેવો કાંતિવાન,ધર્મ,શાસ્ત્ર અને વર્તનમાં-સર્વ કૌરવો કરતાં શ્રેષ્ઠ અને દેખાવડો મહાબાહુ યુધિષ્ઠિર કેવી સ્થિતિમાં છે? હે કેશવ,મહાબળવાન,દશ હજાર હાથીનું બળ ધરાવનાર,વાયુના જેવો વેગવાન,નિત્ય ક્રોધયુક્ત,ભાઈઓને વહાલો વચેટ પાંડવ ભીમસેન કેવી સ્થિતિમાં છે તે મને કહો.


જે અર્જુન,બે બાહુવાળો હોવા છતાં,પૂર્વે થઇ ગયેલા સહસ્ત્રાર્જુનની નિત્ય સ્પર્ધા કરે છે,જે એક જ વેગવડે પાંચસો બાણ ફેંકે છે,જે તેજમાં સૂર્ય જેવો છે,ઇન્દ્રિયનિગ્રહમાં મહર્ષિ જેવો છે,ક્ષમમાં પૃથ્વી જેવો છે અને પરાક્રમમાં મહેન્દ્ર જેવો છે,જેના બળ પર પાંડવો આશ્રય કરીને રહેલા છે,તે તમારો ભાઈ ને મિત્ર અર્જુન હમણાં કેવી સ્થિતિમાં છે?

હે કૃષ્ણ,દયાળુ,લજ્જાશીલ,અસ્ત્રવેત્તા,શાંત,સુકુમાર,મને વહાલો ને મારી સેવા કરનારો માદ્રીપુત્ર સહદેવ કેમ છે?

વળી,સુકુમાર,યુવાન,દેખાવડો,સર્વેને વહાલો,સુખમાં વૃદ્ધિ પામેલો મહાબળવાન નકુલ કુશળ છે? પૂર્વે હું પલકારા જેટલો સમય પણ નકુલ વિના અધીરી થઇ જતી હતી,તે જ હું આજે તેના વિના જીવું છું તે તમે જુઓ.


હે જનાર્દન,મને મારા સર્વ પુત્રો કરતાં દ્રૌપદી બહુ વહાલી છે.તે કુલીન છે,રૂપસંપન્ન ને સર્વ ગુણોથી ઝળકી રહી છે.પોતાના પુત્રોનો ત્યાગ કરીને પણ તે પતિની સેવામાં તત્પર રહે છે.મહાકુળમાં ઉત્પન્ન થયેલી,કલ્યાણસ્વરૂપ દેવી દ્રૌપદી હમણાં કેવી સ્થિતિમાં છે? તે દ્રૌપદી રજસ્વલા હતી ત્યારે નીચ દુર્યોધને તેને સભામાં ખેંચી લાવી સસરાઓની સમીપમાં ઉભી કરી હતી,

તે જોઈને મને જે મહાદુઃખ લાગ્યું છે તેનાથી અધિક દુઃખ પૂર્વે મેં કોઈ દિવસ અનુભવ્યું નથી.


વૈશંપાયન બોલ્યા-કુંતી,ગોવિંદને આવેલા જોઈને શોકાતુર અને આનંદિત થયાં હતા અને તેથી તેમણે શ્રીકૃષ્ણની આગળ પોતાનાં નાના પ્રકારનાં સર્વ દુઃખોનું વર્ણન કરતાં કહ્યું કે-હે શત્રુદમન,ધૃતરાષ્ટ્રના પુત્રોએ સભામાં દ્રૌપદીને જે મહાદુઃખ આપ્યું હતું,તે મને મરણ કરતાં પણ વધારે બાળે છે.મારા બાળકોને વનવાસ આપી નગરમાંથી કાઢી ગુપ્તવાસ વેઠાવ્યો,રાજ્ય ના આપીને જીવીકાનો વિરોધ કર્યો-ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ મેં અનુભવ્યાં છે,પરંતુ જો હું પુત્રોની સાથે હોત તો તે મને એટલાં દુઃસહ લાગ્યાં ન હોત.દુર્યોધન ચૌદ વર્ષથી સુખ ભોગવે છે,અને સુખ ભોગવવાથી જો પુણ્યનો ક્ષય થતો હોય અને દુઃખ ભોગવવાથી પાપનો ક્ષય થતો હોય તો હવે અમને દુઃખ ભોગવવાથી પાપનો ક્ષય થવાને લીધે સુખ પ્રાપ્ત થવું જોઈએ.

હે કૃષ્ણ,મેં પાંડવો ને કૌરવોમાં કદી ફેર ગણ્યો નથી,તે સત્યથી હું તમને પાંડવોની સાથે આ સંગ્રામમાંથી મુક્ત થયેલા જોઇશ.શત્રુઓ પાંડવોનો પરાજય કરી શકે તેમ નથી,કેમ કે પાંડવોનું સર્વ વર્તન સમાનતા ભરેલું છે.


મારે જે દુઃખ ભોગવવું પડે છે તેમાં હું પોતાને કે દુર્યોધનને દોષ દેતી નથી પણ મારા પિતાને જ દોષ દઉં છું કારણકે મારા પિતા અને તમારા પિતામહે,હું હાથમાં દડો લઈને ખેલતી બાળા હતી,તે વખતે,જેમ,કોઈ એકાદો પુરુષ પોતાના હાથમાંનું ધન કોઈને આપી દે,તેમ,મને પોતાના મિત્ર કુંતીભોજને આપી દીધી હતી.હે કૃષ્ણ,આમ પિતાએ,અને ભીષ્મ-ધૃતરાષ્ટ્ર આદિ સસરાઓએ મારો ત્યાગ કરવાથી હું અત્યંત દુઃખી થયેલી છું તેથી મને હવે જીવવાનું શું ફળ છે?(64)


અર્જુનનો જયારે જન્મ થયો ત્યારે રાત્રે મને આકાશવાણીએ કહ્યું હતું કે-'તારો આ પુત્ર પૃથ્વીનો વિજય કરશે,એનો યશ સ્વર્ગ સુધી પહોંચશે.અને એ મહાયુદ્ધમાં કૌરવોને મારી રાજ્ય મેળવી,પોતાના ભાઈઓ સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞ કરશે'

હે કૃષ્ણ,ધર્મ પ્રજાનો આધાર છે અને તે ધર્મ જો સત્ય થશે તો આકાશવાણીએ જે કહ્યું છે તે ખરું પડશે.મને પુત્ર વગર જે જીવવું પડે છે તે વૈધવ્ય,ધનનાશ અને વૈરનું દુઃખ પણ બાળતું નથી.પણ,હું અર્જુનને જોતી નથી તો પછી મારા હૃદયને કેમ શાંતિ મળે? આજ ચૌદ ચૌદ વર્ષો થયાં,મેં યુધિષ્ઠિરને,ભીમને,નકુલ-સહદેવને દીઠા નથી.જેઓ જીવથી જાય છે તેઓનું મનુષ્યો શ્રાદ્ધ કરે છે પરંતુ હે જનાર્દન,આ તો જીવતા છતાં મારા મનથી તેઓ અને તેઓના મનથી હું મરણ પામ્યા જેવા જ છીએ (72)


હે માધવ,તમે યુધિષ્ઠિરને કહેજો કે-'તારો (ક્ષાત્ર)ધર્મ બહુ ક્ષીણ થવા લાગ્યો છે,તું તે ધર્મને વ્યર્થ જવા ન દે.મારા જેવી પારકાને આધારે જીવનારી સ્ત્રીને ધિક્કાર હો.દીન થઈને પેટ ભરવા કરતાં તો મરવું સારું છે' ને પછી અર્જુન અને ભીમને કહેજો કે-

'ક્ષત્રિયાણી જે કાર્યને માટે પુત્રને જન્મ આપે છે તે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.ને આવો સમય આવ્યા છતાં જો તમે તેને મિથ્યા કરી નાખશો તો લોકમાં પ્રતિષ્ઠિત ગણાતા તમે ઘણું નિંદાકાર્ય કરેલું ગણાશે.અને એવા નિંદ્ય કાર્યથી યુક્ત થયેલા તમને હું હંમેશને માટે ત્યજી દઈશ.સમય પ્રાપ્ત થતા જીવનનો પણ ત્યાગ કરવો એ ધર્મ છે.તમે જીવન કરતા પણ પરાક્રમથી સંપાદન કરેલા વૈભવોને શ્રેષ્ઠ માનીને તે મેળવો.ક્ષાત્રધર્મથી જીવનારા મનુષ્યના મનને પરાક્રમથી મેળવેલા ભોગો સર્વદા આનંદ આપે છે.વળી,તેમને કહેજો કે-દ્રૌપદીના દુઃખનું શોધન કરે.'


હે કૃષ્ણ,તમે જાણો છો કે,ભીમ અને અર્જુન અત્યંત ક્રોધમાં આવી જાય,ત્યારે તેઓ યમની જેમ,દેવોને પણ છેવટની ગતિએ પહોંચાડે તેવા છે.દ્રૌપદી સભામાં હતી ત્યારે દુઃશાસને અને કર્ણે કહેલાં કઠોર વચન,એ ભીમ અને અર્જુનનું જ મોટું અપમાન હતું.દુર્યોધને,ભીમનું જે અપમાન કર્યું હતું તેનું ફળ તે હવે જોશે.કારણકે ભીમ,વૈર થયા પછી શાંત થતો નથી,ને જ્યાં સુધી તે શત્રુઓનો નાશ કરતો નથી ત્યાં સુધી ગમે તેટલો સમય જાય તો પણ તેનું વૈર શાંત થતું નથી (84)


કૌરવોએ મારા પુત્રોનું રાજ્ય હરી લીધું,અને તેમને વનમાં કાઢી મુખ્ય,એ સર્વનું મને દુઃખ નથી,પરંતુ તરુણ વયની દ્રૌપદીને એક જ વસ્ત્ર સાથે સભામાં ઉભી કરી એ દુઃખ મને ઘણું જ સાલે છે,નાથવાળી હોવા છતાં તે તે વખતે અનાથ જેવી થઇ પડી હતી.

હે કૃષ્ણ,તમારા,બલરામના,ભીમના ને અર્જુનના જીવતા છતાં મારે આ પ્રમાણે દુઃખ સહેવું પડે,એ શું કહેવાય?(89)


ત્યારે, શ્રીકૃષ્ણે પોતાનાં ફોઈ પૃથાને આશ્વાસન આપતાં કહ્યું કે-'હે ફોઈ,તમારા જેવી ભાગ્યવતી સ્ત્રી આ લોકમાં બીજી કયી છે? તમે શૂરરાજાની પુત્રી છો અને અજમીઢકુળમાં જન્મ્યાં છો.એટલે કમલિની,જેમ,એક સરોવરથી બીજા સરોવરમાં આવે છે તેમ,તમે એક મહાકુળમાંથી બીજા મહાકુળમાં આવ્યા છો અને તેથી તમે મહાકુલીન છો,સર્વ સત્તાવાળાં છો,સર્વ પ્રકારનાં કલ્યાણપાત્ર છો અને પતિથી પરમ સન્માન પામ્યાં છો.તમે વીર પુરુષનાં પત્ની છો,વીર પુત્રોની માતા છો અને સર્વ ગુણોથી વૃદ્ધિ પામ્યાં છો.હે ફોઈ તમારા જેવી સ્ત્રીએ સુખદુઃખ સહન કરવાં જ જોઈએ.તમારા પુત્ર પાંડવો નિંદ્રા-તંદ્રા,ક્રોધ-હર્ષ,ભૂખ-તરસ અને ટાઢ-તડકો,એ સર્વનો વિજય કરીને નિત્ય સુખમાં રહેલા છે.તેઓ મોટા ઉત્સાહવાળા અને મહાબળવાન છે,તેઓ નિત્ય વીરપુરુષોને યોગ્ય સુખમાં જ પ્રીતિવાળા છે એટલે નાનાસુનાથી સંતોષ પામે તેવા નથી (95)


જે વીર પુરુષો છે તેઓ રાજ્યને અને (અંતે)વનને જ સેવે છે અને વિષયસુખમાં પ્રીતિવાળાઓ અલ્પ ઐશ્વર્યને સેવે છે.ઉત્તમ પુરુષો,કાં તો તીવ્ર સુખો ભોગવે છે કે કાં તો દૈવી ભોગો ભોગવે છે.આ રીતે તેઓ અંતિમ સ્થિતિમાં જ રમણ કરે છે.પણ મધ્યમાં એટલે કે થોડાંઘણાં દુઃખ-સુખમાં રમણ કરતા નથી,કારણકે અંતિમ સ્થિતિ સુખરૂપ છે અને વચલી સ્થિતિ દુઃખરૂપ છે.

હે ફોઈ,દ્રૌપદી સહિત પાંડવોએ તમને પ્રણામ કહ્યા છે અને પોતાનું કુશળ કહીને તમારું આરોગ્ય પૂછ્યું છે.તમે હવે થોડા જ સમયમાં પાંડવોને,સર્વ અર્થસિદ્ધિવાળા.સર્વલોકના સ્વામી,શત્રુ વિનાના અને રાજ્યલક્ષ્મીથી વીંટળાયેલા જોશો (99)


કુંતી બોલ્યાં-'હે કૃષ્ણ,ધર્મનો લોપ ન થવા દેતાં તથા કપટ ન કરતાં તેઓના હિતને માટે તમને જે જે ઇષ્ટ લાગે તે તે તમે કરજો.હું તમારા સામર્થ્ય,સત્ય,કુલીનતા,બુદ્ધિ ને પરાક્રમને જાણું છું.અમારા કુળમાં ધર્મ તમે જ છો,સત્ય તમે છો,તપ તમે છો,રક્ષક તમે છો,મહદબ્રહ્મ તમે છો અને સર્વ કંઈ તમારા આધારે જ રહેલું છે.તમે જે કહો છો તે પ્રમાણે જ થશે તેની મને ખાત્રી છે.' પછી ગોવિંદ કુંતીની રજા લઈને,તેમની પ્રદિક્ષણા કરીને દુર્યોધનના મહેલ તરફ જવા નીકળ્યા.(105)

અધ્યાય-90-સમાપ્ત