અધ્યાય-૮૯-શ્રીકૃષ્ણનો વિદુરના ઘરમાં પ્રવેશ
II वैशंपायन उवाच II प्रातरुत्थाय कृष्णस्तु कृत्वान्सर्वमाहिकम् I ब्राह्मणैरभ्यनुज्ञातः प्रययौ नगरं प्रति II १ II
વૈશંપાયને કહ્યું-આ તરફ શ્રીકૃષ્ણે પણ પ્રાતઃકાળમાં ઉઠી સર્વ નિત્યકર્મ કર્યું અને બ્રાહ્મણોની આજ્ઞા લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.શ્રીકૃષ્ણને આવતા સાંભળીને દુર્યોધન સિવાય બીજા ધૃતરાષ્ટ્રના પુત્રો,ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે તેમને સામે લેવા ગયા.શ્રીકૃષ્ણનાં દર્શનની ઈચ્છાવાળા નગરના સર્વે લોકો બહાર નીકળ્યા હતા,કોઈ પણ ઘરમાં રહ્યું નહોતું.માર્ગમાં શ્રીકૃષ્ણ તેમને લેવા આવેલા સર્વને મળ્યા ને તેમના દર્શને આવેલા સર્વને વંદન કરતા તેઓ રાજમાર્ગ પર આવ્યા.રાજમાર્ગ મનુષ્યોથી એટલા બધો ભરાઈ ગયો હતો કે ઘોડાઓની ગતિ પણ અટકી પડી હતી.પછી શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો ને ત્રણ દ્વાર ઓળંગી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર તેમને માન આપવા ઉભા થયા.
તે પછી,શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્ર અને ભીષ્મનું સન્માન કર્યું અને ક્રમથી તેઓનું પૂજન કર્યું,ને ત્યારબાદ બીજા સર્વને પણ તે મળ્યા.
પછી,ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી સુવર્ણ સિંહાસન પર બેઠા.ત્યારે ધૃતરાષ્ટ્રના પુરોહિતોએ તેમનું યથાવિધિ પૂજન કર્યું.આ રીતે અતિથિ સત્કાર થયા પછી કૌરવોથી વીંટાયેલા શ્રીકૃષ્ણ,વેવાઈ તરીકેના સંબંધને યોગ્ય,તે સર્વની સાથે પરિહાસ કરવા લાગ્યા.
તે પછી,શ્રીકૃષ્ણ રાજાની આજ્ઞા લઈને ત્યાંથી નીકળ્યા અને વિદુરના રમણીય ગૃહમાં ગયા (22)
ત્યાં વિદુર સર્વ માંગલિક પદાર્થો લઈને શ્રીકૃષ્ણના સામા આવ્યા અને તેમણે જનાર્દનની પૂજા કરી ને બોલ્યા કે-હે કમલનયન,મને તમારાં દર્શનથી જે આનંદ ઉત્પન્ન થયો છે તે મારે તમને શા માટે કહેવો જોઈએ? કારણકે તમે તો દેહધારીઓના આત્મા જ છો.
આમ કહ્યા પછી,વિદુરે શ્રીકૃષ્ણને પાંડવોના કુશળસમાચાર પૂછ્યા.અને પાંડવોનો સર્વ વૃતાન્ત વિસ્તારથી પૂછ્યો,ત્યારે શ્રીકૃષ્ણે તે સર્વ વૃતાન્ત વિદુરને કહી સંભળાવ્યો (89)
અધ્યાય-89-સમાપ્ત