Mar 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-753

અધ્યાય-૮૮-શ્રીકૃષ્ણને કેદ કરવાની દુર્યોધનની ઈચ્છા 


II दुर्योधन उवाच II यदाह विदुरः कृष्णे सर्व तत्सत्यमच्युते I अनुरुक्तो ह्यसंहार्यः पार्थान्प्रति जनार्दनः II १ II

દુર્યોધને કહ્યું-વિદુરે કૃષ્ણના સંબંધમાં જે કહ્યું તે સઘળું કૃષ્ણને માટે સત્ય છે.જનાર્દન પાંડવો પ્રત્યે પ્રીતિવાળા છે અને આપણા પક્ષમાં ખેંચાય તેવા નથી,માટે તમે તેમને સત્કારપૂર્વક જે અનેક પ્રકારનું આપવા ધારો છો,તે તેમને કદી આપવું નહિ.કૃષ્ણ તેવા સત્કારને પાત્ર નથી,એમ મારુ કહેવું નથી,પરંતુ આ દેશ અને કાળ તેવા સત્કારને માટે અયોગ્ય છે,કારણકે તેમ કરવાથી કૃષ્ણ માનશે કે આપણે ભયથી તેમનો સત્કાર કરીએ છીએ.હે રાજા,જે કાર્ય કરવાથી ક્ષત્રિયનું અપમાન થાય,તે કાર્ય ડાહ્યા મનુષ્યે કરવું નહિ,એવો મારો દૃઢ નિશ્ચય છે.એ કૃષ્ણ,આ લોકમાં જ નહિ પણ ત્રણે લોકમાં પૂજ્ય છે એ હું સર્વથા જાણું છું,પરંતુ હમણાં કર્તવ્યની રીત એ જ છે કે,તેને કંઈપણ આપવું નહિ.લડાઈનો આરંભ થઇ ચુક્યો છે તે કંઈ લઢ્યા વિના-માત્ર અતિથિસત્કારથી શાંત પડશે નહિ (6)

દુર્યોધનનાં વચન સાંભળી,ભીષ્મ,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-'તમે સત્કાર કરો કે અસત્કાર કરો,પરંતુ શ્રીકૃષ્ણ ક્રોધ કરે તેવા નથી.તેમનું અપમાન કરવા તમે સમર્થ નથી અને તમારે તેમનું અપમાન કરવું નહિ.શ્રીકૃષ્ણ,જે કામ કરવા ધારે છે,તેને કોઈ પણ, સર્વ ઉપાય વડે ફેરવી શકતું નથી,માટે તે શ્રીકૃષ્ણ જે કંઈ કહે તે તમારે નિઃશંકપણાથી કરવું.

શ્રીકૃષ્ણ દ્વારા તમે પાંડવોની સાથે સલાહ કરી દો .તે જનાર્દન અવશ્ય ધર્મ ને અર્થયુક્ત વચન જ કહેશે 

માટે તમારે ભાઈઓની સાથે તેમની આગળ પ્રિય વાણી જ બોલવી (11)


દુર્યોધને કહ્યું-હે પિતામહ,હું જીવતો છું ત્યાં સુધી આ આખી રાજ્યલક્ષ્મી,પાંડવોની સાથે ભોગવું,એવો તો કોઈ પ્રશ્ન જ નથી.માટે આ સંબંધમાં મેં એક મોટું કાર્ય વિચારી કાઢ્યું છે,તે તમે સાંભળો.હું તે પાંડવોના આધારરૂપ કૃષ્ણને જ કેદ કરવા ધારું છું.એને બંધનમાં નાખ્યા એટલે યાદવો,પાંડવો એ આખી પૃથ્વી મારે તાબે થઇ જશે.કાલે સવારે કૃષ્ણ અહીં આવે,ત્યારે તેમને કેદ કરવા સંબંધી ઉપાયો,તે કૃષ્ણ જાણે નહિ અને કોઈપણ જાતનો વિનાશ થાય નહિ તેવી યુક્તિ તમે મને કહો (15)


શ્રીકૃષ્ણના સંબંધમાં દુર્યોધનનું તે ભયંકર વચન સાંભળીને,મંત્રીઓની સાથે ધૃતરાષ્ટ્ર ગભરાઈને ખિન્ન થઇ ગયા અને બોલ્યા કે-

હે દુર્યોધન,તું આવું બોલ નહિ.એ સનાતન ધર્મ નથી,શ્રીકૃષ્ણ દૂત થઈને આવે છે તે આપણા સંબંધી ને પ્રિય છે અને કૌરવો પ્રત્યે નિષ્પાપ બુદ્ધિવાળા છે તેમને કેદ કેમ કરાય? (18)


ભીષ્મે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તારો આ અત્યંત મંદબુદ્ધિવાળો પુત્ર દુર્યોધન કાળ વડે ઘેરાઈ ગયો છે,સ્નેહીઓ તેના ભલાની વાત કરે છે તેને તે સાંભળતો નથી ને અનર્થનો જ સ્વીકાર કરે છે.અને તમે પણ સ્નેહીઓના વાક્યોનો અનાદર કરીને આ પાપીઓની સંગતવાળા દુર્યોધનને જ અનુસરો છો.ઉત્તમ કાર્ય કરનારા શ્રીકૃષ્ણનો સમાગમ થતાં જ તમારો આ અતિદુષ્ટ બુદ્ધિવાળો પુત્ર તેના મંત્રીઓની સાથે એક ક્ષણમાં જ હતો નહતો થઇ જશે.હવે હું આ પાપી,ક્રૂર,ધર્મનો ત્યાગ કરનારા દુર્બુધ્ધિ દુર્યોધનની અનર્થયુક્ત વાણી સાંભળવા કોઈ પણ રીતે ઈચ્છતો નથી (22) 

આમ કહી તે ભીષ્મ,મહાક્રોધ કરીને ત્યાંથી ઉઠી ચાલતા થયા.

અધ્યાય-88-સમાપ્ત