Mar 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-752

 

અધ્યાય-૮૭-વિદુરનું સ્પષ્ટ ભાષણ 


II विदुर उवाच II राजन्बहुमतश्वासि त्रैलोक्यस्यापि सत्तमः I सम्भावितश्व लोकस्य संमतश्वासि भारत II १ II

વિદુરે કહ્યું-હે ભારત,તમે ત્રણે લોકમાં પણ બહુમાન્ય તથા સજ્જનોમાં મુખ્ય છો અને લોકમાં પ્રતિષ્ઠિત તથા સંમત છો.હમણાં તમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો,તે વખતે શાસ્ત્રજ્ઞાનથી અથવા સારા તર્કથી આવી ઉત્તમ વાતો કરો છો,તેથી તમે ખરેખર સ્થિર વિચારના તથા વૃદ્ધ છો.તમારામાં ધર્મ છે એવો પ્રજાનો નિશ્ચય છે,ને લોકો તમારા ગુણોથી સર્વદા પ્રસન્ન છે,માટે તમે બાંધવોની સાથે ગુણોના રક્ષણને માટે નિત્ય પ્રયત્ન કરો.તમે સરળતા રાખો,બાળબુદ્ધિથી પુત્રો,પૌત્રો અને સ્નેહીઓનો નાશ કરો નહિ.

હે રાજા,તમે અતિથિ તરીકે આવેલા શ્રીકૃષ્ણને પુષ્કળ ભેટ કરવા ઈચ્છો છો,પરંતુ શ્રીકૃષ્ણ તો એટલું અને એથી પણ વધુ ને આખી પૃથ્વી આપવા પાત્ર છે.વળી,હું સોગંદ ખાઈને કહું છું કે-તમે શ્રીકૃષ્ણે જે આ આપવા ધારો છો,તે ધર્મના ઉદ્દેશથી અથવા તેમના પ્રત્યેના પ્રેમને લીધે નથી પરંતુ એ સર્વ ઇંદ્રજાળ ને ઠગાઈ જ છે.હે રાજા,તમારાં બાહ્ય કર્મથી હું તમારા ગુપ્ત વિચારને જાણી ગયો છું.પાંડવો પાંચ ગામ જ માગે છે,તે પણ તમારે આપવા નથી અને તમારે સલાહ પણ કરવી નથી.તમે દ્રવ્યથી શ્રીકૃષ્ણને પોતાના કરવા ધારો છો ને એ જ ઉપાયથી તેમને પાંડવોથી ફોડવા ધારો છો.પરંતુ હું તમને ખરું કહું છું કે-તમે ધનની ખટપટથી અથવા નિંદાથી શ્રીકૃષ્ણને અર્જુનથી વેગળા કરી શકશો નહિ.(11)


હું શ્રીકૃષ્ણના માહત્મયને જાણું છું,તેમની પાંડવો ઉપરની દૃઢ ભક્તિને પણ જાણું છું અને તેમને માટે અર્જુન પ્રાણતુલ્ય તથા ત્યાગ ન કરાય તેવો  છે એ પણ હું જાણું છું.શ્રીકૃષ્ણ જળથી ભરેલા કળશ સિવાય અને કુશળ પ્રશ્ન સિવાય તમારી બીજી કોઈ વસ્તુ તરફ નજર પણ કરશે નહિ.માટે શ્રીકૃષ્ણનો જે સલાહરૂપી પ્રિય અતિથિસત્કાર છે તેજ તમે કરો.ખરેખર જનાર્દન માન પાત્ર છે.તે કેશવ પ્રભુ,કૌરવોના કલ્યાણની આશાએ આવે છે,તો તે જે ઉદ્દેશથી આવે છે તે જ તમે તેમને અર્પણ કરો.

તે સલાહ માટે આવે છે તો તેમનાં વચનને કબુલ કરો.તમે પિતા છો,વૃદ્ધ છો અને પાંડવો પણ તમારા બાળક છે,તો તમે તેમની પ્રત્યે પિતાની જેમ વર્તો.તે પાંડવો તમારા પ્રત્યે પુત્રની જેમ જ વર્તે છે (17)

અધ્યાય-87-સમાપ્ત