Mar 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-751

 

અધ્યાય-૮૫-શ્રીકૃષ્ણના સત્કારની તૈયારી 


II वैशंपायन उवाच II तथा दूतै समाज्ञाय प्रयांतं मधुसूदन I धृतराष्ट्रोब्रविद्भिष्ममर्चयित्वा महाभुजम् II १ II

વૈશંપાયને કહ્યું-'શ્રીકૃષ્ણ આપણી પાસે આવે છે',એવી વાત દૂતો દ્વારા જાણીને ધૃતરાષ્ટ્રનાં રૂવાંડાં ઊભાં થઇ ગયાં,અને તેમણે ભીષ્મને,દ્રોણને,સંજયને,વિદુરને તથા અમાત્યો સહિત દુર્યોધનને કહ્યું કે-'હે કુરુનંદન,આજે એક અદભુત મહા આશ્ચર્યકારક વાત સંભળાય છે.ઘેરેઘેર સ્ત્રીઓ,બાળકો ને વૃદ્ધો એ જ વાત કરી રહ્યા છે કે-શ્રીકૃષ્ણ અહીં આવે છે.પરાક્રમી શ્રીકૃષ્ણ પાંડવોને માટે અહીં આવે છે તે મધુસુદન આપણને સર્વથા માન્ય તથા પૂજ્ય છે.સર્વ લોકનો નિર્વાહ તેમના આધારે ચાલે છે,કારણકે તે પ્રાણીઓના ઈશ્વર છે.તે શ્રીકૃષ્ણમાં ધૈર્ય,પરાક્રમ,બુદ્ધિ ને બળ રહેલાં છે,તે જ પુરુષોત્તમ સનાતન ધર્મરૂપ છે માટે તેમનો સત્કાર કરો કારણકે તે પૂજન કરવાથી સુખ આપે છે અને પૂજન ન કરવાથી દુઃખ આપે છે.(7)

આપણા સત્કારથી તે શત્રુદમન શ્રીકૃષ્ણ,સંતુષ્ટ થાય તો આપણે,તેમનાથી સર્વ રાજાઓમાં આપણા મનોરથો પૂર્ણ કરી શકીશું.માટે હે દુર્યોધન,તું આજ ને આજ તેમના સત્કાર માટે ગોઠવણ કર,સર્વ ભોગ્ય વસ્તુઓથી સંપન્ન એવાં તેમનાં નિવાસસ્થાનો માર્ગમાં તૈયાર કરાવ.તારા પર જે રીતે શ્રીકૃષ્ણની પ્રીતિ થાય તેમ તું કર,હે ભીષ્મ આપનો શો મત છે?

ભીષ્મ બોલ્યા-'તમારું કહેવું ઉત્તમ છે' (11)


 તે સર્વનો અભિપ્રાય જાણીને દુર્યોધને રમણીય સભાસ્થાનો ને નિવાસસ્થાનો તૈયાર કરવાની આજ્ઞા આપી.

ત્યારે સેવકોએ ઠામ ઠામ રમણીય વિભાગોમાં સર્વ રત્નોથી ભરપૂર અનેક સભાઓ તૈયાર કરી,વળી વધારામાં દુર્યોધને 

વૃકસ્થલ ગામમાં નિવાસને માટે દેવોને યોગ્ય હોય તેવી.મનોહર સભા તૈયાર કરાવી.ને તેની ખબર ધૃતરાષ્ટ્રને આપી.

પરંતુ,શ્રીકૃષ્ણ તે સભાસ્થાનો અને વિવિધ રત્નો તરફ નજર પણ ન કરતાં બારોબાર કુરુગૃહમાં આવ્યા (18)

અધ્યાય-85-સમાપ્ત 


અધ્યાય-૮૬-શ્રીકૃષ્ણના સન્માનની યોજના


II धृतराष्ट्र उवाच II उपप्लव्यादिक क्षतरुपयातो जनार्दनः I वृकस्थले निवसति स च प्रातरिहैष्यति II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે વિદુર,શ્રીકૃષ્ણ,ઉપલવ્ય ગામથી હું આવવા નીકળ્યા છે,આજે તે વૃકસ્થળમાં નિવાસ કરે છે અને કાલે સવારે અહીં આવશે.શ્રીકૃષ્ણ,આહુકવંશના અધિપતિ છે,સર્વ યાદવોના નેતા છે,ઉદાર મનવાળા,મોટા પરાક્રમી અને મહાસત્વવાળા છે.તે માધવ,સમૃદ્ધિયુક્ત યાદવ રાષ્ટ્રના સ્વામી ને પાલક છે,તે ત્રણે લોકના પ્રપિતામહ છે.હે વિદુર,તારી સમક્ષ હું તેમનો જે સત્કાર કરવાનો છું તેનું હું વર્ણન કરું છું,તે તું સાંભળ.ચાર ચાર ઉત્તમ ઘોડાઓ જોડેલા સોનાના સોળ રથો હું તમને ભેટ ધરીશ.


આઠ હાથીઓ,સો દાસીઓ,સો દાસો,દશ હજાર વસ્ત્રો,આઠ હજાર મૃગચર્મો હું કૃષ્ણને ભેટ ધરીશ.આ ઉત્તમ તેજવાળો નિર્મળ મણિ,જે રાત્રિ દિવસ પ્રકાશ્યા કરે છે તે કૃષ્ણને લાયક છે,તે હું તેમને આપીશ.વળી,મારી પાસે ખચ્ચર જોડેલો એક રથ છે કે જે એક દિવસમાં ચૌદ યોજન જાય છે તે પણ હું શ્રીકૃષ્ણને આપીશ.કૃષ્ણની સાથે જેટલાં વાહનો ને જેટલા પુરુષો હશે તેઓને ચાલે તેનાથી આઠગણી ભોજન સામગ્રી હું તેમને ઉતારે પહોંચતી કરીશ.દુર્યોધન સિવાયના મારા સર્વ પુત્રો તેમને લેવા સામે જશે.ઉત્તમ અલંકારવાળી અને સુંદર અંગવાળી હજારો શ્રેષ્ઠ વારાંગનાઓ તેમને લેવા પગેથી ચાલતી જ જશે.

વળી,નગરમાંથી જે પવિત્ર કન્યાઓ શ્રીકૃષ્ણનાં દર્શનને માટે જશે તેઓ પણ પડદા વિના ખુલ્લી રીતે જ જશે.જેમ,પ્રજા સૂર્યનાં દર્શન કરે,તેમ,સ્ત્રી,પુરુષ અને બાળકો સહિત આખું નગર શ્રીકૃષ્ણનાં દર્શન ભલે કરે.સર્વ દિશાઓમાં મોટી ધ્વજાઓ,પતાકાઓ ઉભી કરો ને તેમને આવવાના માર્ગને વાળી,પાણી છાંટીને સ્વચ્છ કરે તમ કરો.દુઃશાસનનું ઘર દુર્યોધન કરતાં પણ શ્રેષ્ઠ છે માટે તે ઘરને શણગારી દો.એ ઘરમાં મારી ને દુર્યોધનની જે સર્વ રત્નરૂપ વસ્તુઓ છે તેમાંથી શ્રીકૃષ્ણને જે જે ભોગવવા યોગ્ય હોય તે અવશ્ય તેમને આપવી.(21)

અધ્યાય-86-સમાપ્ત