Mar 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-750

 

અધ્યાય-૮૪-શ્રીકૃષ્ણનું પ્રયાણ (ચાલુ)


II वैशंपायन उवाच II प्रयांतं देवकीपुत्रं परवीररुजो दश I महारथ महाबाहुमन्वयुः शस्त्रपाणयः II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,મહાબાહુ દેવકીપુત્રં શ્રીકૃષ્ણ જવા લાગ્યા તે સમયે તેમની સાથે દશ મહારથીઓ,

એક હજાર પાળાઓ,એક હજાર ઘોડેસ્વારો,સેંકડો સેવકો અને પુષ્કળ અન્ન સામગ્રી હતી.

જન્મેજય બોલ્યા-શ્રીકૃષ્ણ કેવી રીતે ત્યાં ગયા? ને તેમને માર્ગમાં જતાં કયાં કયાં નિમિત્તો થયાં હતાં ?


વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણના પ્રયાણ વખતે,આકાશમાં વાદળો ન હોવા છતાં વીજળીના ચમકારા થવા લાગ્યા ને પછી પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો.સિંધુ વગેરે સાત નદીઓ કે જે પૂર્વ તરફ વહેતી હતી તે પશ્ચિમ તરફ વહેવા લાગી.સર્વ દિશાઓ વિપરીત ભાસવા લાગી અને કંઈ પણ સૂઝે નહિ તેવું થઇ ગયું.અગ્નિઓ પ્રકટવા લાગ્યા,પૃથ્વી કંપવા લાગી.આકાશમાં મોટો શબ્દ થવા લાગ્યો પણ શબ્દ કરનારનું શરીર દેખાતું ન હતું,એ આશ્ચર્ય જેવું થઇ પડ્યું.કઠોર ને વજ્રના જેવો,નૈઋત્ય ખૂણાનો વાયુ,સંખ્યાબંધ ઝાડોને તોડી પાડતો હસ્તિનાપુરને ઝુડી નાખવા લાગ્યો (10)


પરંતુ,શ્રીકૃષ્ણ,જે જે માર્ગે થઈને જતા હતા,ત્યાં સુખકર વાયુ વાતો હતો અને સર્વ અનુકૂળ થઇ જતું હતું.ગામે ગામે હજારો બ્રાહ્મણો વાસુદેવની વાણી વડે સ્તુતિ તથા પૂજન કરતા હતા.રસ્તામાં સ્ત્રીઓ એકઠી થઈને સુગંધીવાળા વનના પુષ્પોથી તેમને વધાવતી હતી.આ પ્રમાણે સન્માન પામતા શ્રીકૃષ્ણ,અનેક દેશોનું ઉલ્લંઘન કરતા,સુખકારક અને ધર્મિષ્ઠ લોકોથી વસાયેલા,રમણીય શાલિભવન નામના સ્થાનમાં આવ્યા.તે વખતે તેમનાં દર્શન કરવાની ઈચ્છાથી અનેક લોકો ટોળે વળીને ઉભા હતા.પૂજા કરવા યોગ્ય શ્રીકૃષ્ણ પોતાના દેશમાં અતિથિ તરીકે આવ્યા એટલે ત્યાંના સર્વ લોકોએ તેમની પૂજા કરી.

સૂર્ય આથમવા આવ્યો હતો એટલે શ્રીકૃષ્ણ રથમાંથી ઉતર્યા અને રથને છોડવાની આજ્ઞા કરીને વિધિ પ્રમાણે સ્નાન-આદિ કરીને સંધ્યા વંદન કરવા બેઠા.પોતાનું સર્વ કાર્ય આટોપીને શ્રીકૃષ્ણે ત્યાં રાત્રિ નિવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો એટલે સેવકોએ તરત જ ખાવાપીવાની ઉત્તમ સગવડ કરી દીધી.પછી ગામના બ્રાહ્મણો ને નેતાઓએ આવીને શ્રીકૃષ્ણની પૂજા કરી અને તેમનો આદરસત્કાર કર્યો.શ્રીકૃષ્ણે પણ તે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું એને તે રાત્રિએ ત્યાં સુખેથી નિવાસ કર્યો (29)

અધ્યાય-84-સમાપ્ત