અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણનું પ્રયાણ
II अर्जुन उवाच II करुणामद्य सर्वेषां भवान्सुह्रद्नुत्तम I संबन्धी दयितो नित्यसुभयो: पक्षयोरपि II १ II
અર્જુને કહ્યું-હે કૃષ્ણ,આજે તમે સર્વ કુરુવંશીઓના પરમ સ્નેહી છો અને બંને પક્ષના સંબંધી તથા નિત્ય પ્રીતિપાત્ર છો,માટે તમારે ધૃતરાષ્ટ્રના પુત્રોનો પાંડવોની સાથે સંપ થાય તેમ કરવું,કારણકે તમે સલાહસંપ કરાવવા સમર્થ છો.તમે દુર્યોધનને પાસે જઈને તેને શાંતિને માટે જે કહેવા જેવું યોગ્ય હોય તે કહેજો.તમે ધર્માર્થયુક્ત,નિર્દોષ અને કલ્યાણકારક વચન કહેશો,ને તે હિતરૂપ વચનને જો મૂર્ખ દુર્યોધન સ્વીકારશે નહિ તો પછી તે ભાગ્યને અધીન થશે (4)
શ્રીભગવાને કહ્યું-ધર્મને અનુસરીને આપણું હિત અને કૌરવોનું કુશળ સાધવા હવે હું ધૃતરાષ્ટ્રને મળવા જઈશ.
વૈશંપાયને કહ્યું-પછી,સવારે સૂર્ય ઉદય પામ્યો,મિત્રદેવનું મુહૂર્ત,કાર્તિક માસ,રેવતી નક્ષત્ર અને હેમંતઋતુ બેઠી હતી.ત્યારે શ્રીકૃષ્ણે બ્રાહ્મણોની વાણીને સાંભળતા સાંભળતાં,સ્નાન કર્યું ને શુદ્ધ થઇ અલંકારો ધારણ કર્યા.પ્રભાતનું નિત્ય કૃત્ય કર્યું,અગ્નિની ઉપાસના કરી,સૂર્યનું ઉપસ્થાન કર્યું,આખલાની પીઠનો સ્પર્શ કર્યો,બ્રાહ્મણોને વંદન કર્યું,અગ્નિની પ્રદિક્ષણા કરી અને યુધિષ્ઠિરનું વચન યાદ કરીને ત્યાં બેઠેલા શિનીના પુત્ર સાત્યકિને કહ્યું કે-મારા રથમાં શંખ,ચક્ર,ગદા,ભાથાઓ,શક્તિઓ અને સર્વ આયુધો મૂક.કારણકે દુર્યોધન,શકુનિ,અને કર્ણ દુષ્ટ અંતઃકરણવાળા છે.શત્રુ દુર્બળ હોય તો પણ બળવાને તેને તુચ્છ સમજીને અસાવધ રહેવું નહિ'
પછી શ્રીકૃષ્ણનો અભિપ્રાય જાણીને તેમના મુખ્ય સેવકો રથ જોડવા ગયા અને તેઓએ દેદીપ્યમાન,આકાશમાં જનારા સૂર્યની ગતિવાળા,સૂર્ય-ચંદ્ર ના જેવા પ્રકાશવાળા બે પૈડાથી શોભતા,રત્નોથી જડેલા,ઉત્તમ ધ્વજા,પતાકાવાળા મોટા રથને,
શૈબ્ય,સુગ્રીવ,મેઘપુષ્પ,અને બલાહક નામના ઉત્તમ ઘોડાઓ જોડ્યા.ને તે રથ પર ગરુડવાળો ધ્વજ ચડાવ્યો.(20)
મેરુના શિખર જેવા દેખાવવાળા,મેઘ ને દુંદુભિના જેવા શબ્દવાળા અને ઈચ્છા હોય ત્યાં જનારા વિમાનના જેવા રથમાં શ્રીકૃષ્ણ બેઠા.અને સાત્યકિને બેસાડી,રથની ગર્જના વડે પૃથ્વી-આકાશને ગજાવતા શ્રીકૃષ્ણે ત્યાંથી પ્રયાણ કર્યું.પાંડવો તેમને વળાવવા ગયા.યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-હે જનાર્દન,પોતે અબળા હોવા છતાં,જે માટે અમને નાનેથી મોટા કર્યા,જે અમને અત્યંત વહાલાં છે,તે પુત્રશોકથી વ્યાપ્ત થયેલાં અમારા માતુશ્રીને તમે કુશળપ્રશ્ન પૂછજો.અને તેમને અત્યંત આશ્વાસન આપજો.તથા અમારાં નામ દઈને તેમને પ્રણામ કરીને ભેટજો.હે શત્રુદમન,તે અમારી માતા લગ્નથી આરંભીને સાસરા તરફનાં દુઃખોને તથા અપમાનોને જુએ છે અને તે ભોગવવા માટે પોતે અયોગ્ય છે છતાં ભોગવે છે.હે કૃષ્ણ,શું દુઃખ મટીને સુખ પ્રાપ્ત થાય એવો કોઈ સમય આવશે કે જે સમયે હું મારી માતાને સુખ આપું? અમે વનમાં જવા નીકળ્યા ત્યારે તે રડતી રડતી અમારી પાછળ દોડતી હતી પરંતુ અમે તેને એમ જ છોડી દઈને વનમાં ચાલી નીકળ્યા હતા.મારી માતાને મારુ નામ દઈ પ્રણામ કરજો.વળી,ભીષ્મ આદિ સર્વને મારા વતી પ્રણામ કહેજો અને મહાજ્ઞાની વિદુરને પણ મારી વતી તમે ભેટજો.(48)
પછી,અર્જુને કહ્યું કે-'હે ગોવિંદ,પૂર્વે સંધિની મસલત વખતે 'અમારે અર્ધું રાજ્ય મળવાથી સલાહ કરવી' એવો નિશ્ચય કરવામાં આવ્યો હતો.કે જે સર્વ રાજાઓ જાણે છે.દુર્યોધન જો માનશે તો મારુ મનગમતું થશે ને કૌરવો મહાભયમાંથી મુક્ત થશે પણ જો તે ઉલટું કરશે તો હું અવશ્ય ક્ષત્રિયોનો નાશ કરીશ.' આ પ્રમાણે અર્જુને કહ્યું ત્યારે ભીમ અત્યંત પ્રસન્ન થયો અને ક્રોધાવેશને લીધે મોરા શબ્દથી ગર્જના કરવા લાગ્યો.પછી સર્વ રાજાઓ પાછા વળ્યાં ત્યારે શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને ત્વરાથી જવા લાગ્યા.વાસુદેવના સારથી દારુકે હાંકેલા તે ઘોડાઓ જાણે માર્ગનું આચમન કરી જતા હોય તેમ ગમન કરતા હતા.
રસ્તામાં માર્ગની બંને બાજુ ઋષિઓને ઉભેલા જોઈને શ્રીકૃષ્ણે રથ ઉભો રખાવી તેમનું કુશળ પૂછ્યું અને કહ્યું-'હે ઋષિઓ આપ ક્યાં જવા નીકળ્યા છો? હું આપનું શું કાર્ય કરું? આપ કયા કાર્ય માટે પૃથ્વી પર આવ્યા છો?'
એ પ્રશ્ન સાંભળી સુરેન્દ્ર તથા અસુરેન્દ્રના મિત્ર પરશુરામ,શ્રીકૃષ્ણ પાસે આવીને કહેવા લાગ્યા કે-અમે સર્વ તમને જોવા માટે જ સભામાં જઈએ છીએ.તમે જે ધર્માર્થ યુક્ત વાણી કહેશો તે અમે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ.તમે નિર્વિઘ્ને પ્રયાણ કરો.અમે તમને સભામાં બળ અને તેજથી યુક્ત થઈને દિવ્ય આસન પર બેઠેલા જ જોઈશું (72)
અધ્યાય-83-સમાપ્ત