Mar 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-748

 

અધ્યાય-૮૧-સહદેવ અને સાત્યકિનાં ભાષણ 


II सहदेव उवाच II यदेत्कथितं राज्ञा धर्म एष सनातनः I य थाच युध्ध्मेवस्यात्तथा कार्यमरिंदं II १ II

સહદેવે કહ્યું-હે શત્રુદમન કૃષ્ણ,યુધિષ્ઠિર રાજાએ જે કહ્યું તે સનાતન ધર્મ છે,પરંતુ તમારે તો જે પ્રમાણે યુદ્ધ થાય તે પ્રમાણે જ કરવું.હે કૃષ્ણ,કૌરવો જો પાંડવોની સાથે સલાહ કરવાની ઈચ્છા રાખતા હોય તો પણ તમારે તો તેઓની સાથે યુદ્ધ થાય તેવી જ યોજના કરવી,કારણકે સભામાં દ્રૌપદીની દશા જોઈને,દુર્યોધન ઉપર ઉત્પન્ન થયેલો મારો ક્રોધ,તેનો વધ કર્યા વિના કેવી રીતે શાંત થાય? જો ભીમ,અર્જુન ને ધર્મરાજા ધાર્મિક થઈને બેસી રહેશે તો પણ હું એકલો ધર્મનો ત્યાગ કરીને સંગ્રામમાં તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું (4)


સાત્યકિએ કહ્યું-હે કૃષ્ણ,આ સહદેવ,સત્ય કહે છે.દુર્યોધનનો વધ કરવાથી જ સહદેવનો ને મારો ક્રોધ શાંત થશે.વનમાં પાંડવોને વલ્કલ તથા મૃગચર્મ પહેરેલા જોઈને તમને પણ ક્રોધ ઉતપન્ન થયો હતો તે તમે જાણતા નથી કે?માટે આ શૂરા સહદેવે જે વચન કહ્યાં તે મને અને સર્વ યોદ્ધાઓને માન્ય છે (7)આ પ્રમાણે સાત્યકિ કહેતો હતો ત્યારે ત્યાં સર્વ યોદ્ધાઓનો મહાભયંકર સિંહનાદ થવા લાગ્યો અને યુદ્ધની ઈચ્છાવાળા તે સર્વ વીરો સાત્યકિને હર્ષ આપતાં 'ઠીક કહ્યું'કહીને માન આપવા લાગ્યા (9)

અધ્યાય-81-સમાપ્ત 


અધ્યાય-૮૨-દ્રૌપદીનો ક્રોધ અને શ્રીકૃષ્ણનું સાંત્વન 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धर्मार्थसहितं हितम् I कृष्णा दाशार्हमासीन ब्रविच्छोक्स्त्रनिन्दा II १ II

વૈશંપાયને કહ્યું-ધર્મરાજાનું ધર્મ ને અર્થથી યુક્ત અને હિતકારક ભાષણ સાંભળીને શોક વડે શુષ્ક થયેલાં,લાંબા કાળા કેશવાળાં મનસ્વિની દ્રૌપદી,સહદેવ ને સાત્યકિને અભિનંદન આપીને,ભીમસેનને શાંત પડી ગયેલો જોઈ,મનમાં અત્યંત ખિન્ન થઇ તથા આંસુથી આંખો ભરી,ત્યાં બેઠેલા શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે જનાર્દન,દુર્યોધને કપટનો આશ્રય કરીને પાંડવોને સુખથી ભ્રષ્ટ કર્યા તે તમે જાણો છો.ધૃતરાષ્ટ્રે એકાંતમાં સંજયને પોતાનો ગુપ્ત વિચાર સંભળાવ્યો હતો અને સંજયે યુધિષ્ઠિરને જે સંદેશો કહ્યો હતો તે પણ તમે જાણો છો.યુધિષ્ઠિરે,સંજયને પાંચ ગામો આપવાનો સંદેશો કહ્યો હતો,તે સાંભળવા છતાં દુર્યોધને તે પ્રમાણે કર્યું નથી.માટે દુર્યોધન રાજ્ય આપ્યા વિના જો સંધિ કરવાની ઈચ્છા રાખે તો ત્યાં જઈને તમારે કોઈ પણ રીતે સંધિ કરવી નહિ,કારણકે સૃન્જયોની સાથે પાંડવો,દુર્યોધનના સૈન્યને પહોંચી વળવા સમર્થ છે.(11)

એ કૃષ્ણ,કૌરવોની પાસેથી સામ-દાનથી કોઈ પણ અર્થ સાધી લેવો શક્ય નથી માટે તમારે તેઓના પર કૃપા કરવી નહિ.

કૌરવો દંડને જ યોગ્ય છે માટે હે કૃષ્ણ,પાંડવો સાથે તમારે તેઓના પર કાળદંડનો પ્રહાર જ કરવો.ને આ પ્રમાણે કરવું જ પાંડવોને યોગ્ય ગણાશે,યશ આપનારું થશે અને ક્ષત્રિયોને સુખદાયી નિવડશે.સ્વધર્મનું સેવન કરનારા ક્ષત્રિયે,લોભવશ થયેલા ક્ષત્રિયોનો કે ક્ષત્રિયથી અન્ય વર્ણના પુરુષનો નાશ કરવો યોગ્ય છે.માત્ર બ્રાહ્મણનો નાશ કરવો નહિ કારણકે બ્રાહ્મણ સર્વ વર્ણોનો ગુરુ છે.માટે જે રીતે દોષ પ્રાપ્ત ન થાય તે રીતે તમે પાંડવો,યાદવો અને સર્વ સહિત,મળીને,તેમને દંડ કરો.(19)


હે જનાર્દન,હું તમારા પર વિશ્વાસ હોવાથી એકવાર કહેલી વાત ફરી કહું છું કે-પૃથ્વી પર મારા જેવી સૌભાગ્યવતી સ્ત્રી બીજી કયી છે?હું દ્રુપદની પુત્રી,યજ્ઞવેદીમાંથી ઉત્પન્ન થઇ છું,ધૃષ્ટદ્યુમ્નની બહેન છે ને તમારી પ્રિય સખી છું.વળી,હું અજમીઢકુળના પાંડુની પુત્રવધુ થઈને આવી છું ને પાંચ પાંડવોની પટરાણી છું,મને પાંચ વીરોથી પાંચ મહારથી પુત્રો ઉત્પન્ન થયા છે.જેવો અભિમન્યુ તમારો ભાણેજ છે તેમ મારા પુત્રો પણ તમારા ભાણેજ જ છે.આવી યોગ્યતાવાળી હું,પાંડવોના દેખતાં અને તમારા જીવતાં,કેશગ્રહણના કષ્ટને પામીને અસ્તવ્યસ્ત સ્થિતિમાં સભામાં આવી અને પાંડવો ને પાંચાલો જીવતા હોવા છતાં પાપીઓની સભામાં દાસી થઈને ઉભી રહી ત્યારે મારી સ્થિતિ જોવા છતાં પાંડવોને ક્રોધ ચડ્યો નહિ અને તેઓએ કંઈ કર્યું નહિ ત્યારે મેં 'હે ગોવિંદ મારુ રક્ષણ કરો' એમ તમારું ચિંતન કર્યું હતું ને માત્ર તમે મારુ રક્ષણ કર્યું હતું.


ધૃતરાષ્ટ્રે જયારે મને વર માંગવા કહ્યું ત્યારે મેં પાંડવોને રથ,આયુધો ને દાસભાવથી મુક્ત થવાની માગણી કરી ત્યારે પાંડવો તે સર્વથી છૂટ્યા હતા.હે જનાર્દન,અમને આવાં દુઃખો પડ્યા તે તમે જાણો છે માટે તમે મારા પતિઓનું,જ્ઞાતિજનોનું તથા બાંધવોનું રક્ષણ કરો.હું ધર્મ દૃષ્ટિએ ભીષ્મ તથા ધૃતરાષ્ટ્ર એ બંનેની પુત્રવધુ થાઉં છું છતાં મને બલાત્કારે દાસી બનાવી હતી.

હે કૃષ્ણ,અર્જુનના ધનુર્ધારીપણાને ધિક્કાર હો,ભીમના બળને ધિક્કાર હો,કેમ કે દુર્યોધન બે ઘડી પણ જીવવા પામ્યો છે.

હે કૃષ્ણ,હું જો તમારે અનુગ્રહ કરવા યોગ્ય હોઉં અને તમારી જો મારા ઉપર દયા હો,

તો તમે તે ધૃતરાષ્ટ્રના પુત્રો પર જેટલો થાય તેટલો કોપ કરો (32)


વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કહીને તે દ્રૌપદી,પોતાના કેશને ડાબા હાથથી પકડીને કમલનયન કૃષ્ણ પાસે જઈને અશ્રુથી નેત્રોને પૂર્ણ કરીને તેમને કહેવા લાગી કે-'હે કમલનયન,તમે શત્રુઓની સાથે સંધિ કરવાની ઈચ્છા રાખો છો પરંતુ તમારે સર્વ કાર્યમાં દુ:શાસનના હાથથી ખેંચી કઢાયેલા આ કેશનું સ્મરણ રાખવું.દીન બનેલા અર્જુન કે ભીમ ભલે સંધિની ઈચ્છા રાખે તો ભલે રાખે મારા પિતા પોતાના મહારથી પુત્રોની સાથે રહીને કૌરવોની સામે યુદ્ધ કરશે.વળી,મારા પાંચ પુત્રો પણ અભિમન્યુને આગળ રાખીને યુદ્ધ કરશે.જ્યાં સુધી હું દુઃશાસનના હાથને કપાયેલો ને ધૂળમાં રગદોળાયેલો ન જોઉં,ત્યાં સુધી મારા હૃદયને શાંતિ ક્યાંથી વળે?અગ્નિ જેવા ક્રોધને હૃદયમાં ધારણ કરીને સમયની વાત જોતા મારાં તેર વર્ષો જતાં રહ્યાં છે.ભીમનાં આજનાં વાકયબાણથી મારુ હૃદય ફાટી જાય છે કારણકે તે આજે ધર્મ તરફ દ્રષ્ટિ કરતા થયા છે'(41)


આ પ્રમાણે કહીને,તે દ્રૌપદી,અશ્રુથી રૂંધાયેલા કંઠ વડે ગળગળા સદથી કંપતે સવારે રડવા લાગી.તે વખતે શ્રીકૃષ્ણ તેને સાંત્વન કરતાં બોલ્યા કે-'હે દ્રૌપદી,તું થોડા સમયમાં જ ભરતકુળની સ્ત્રીઓને રડતી જોઇશ.તું જેઓના પર ક્રોધે ભરાઈ છે,તેઓ જ્ઞાતિ,બાંધવો,મિત્રો અને સૈનિકોનો નાશ થતાંજ રુદન કરશે.ભીમ,અર્જુન,નકુલ અને સહદેવની સાથે હું,યુધિષ્ઠિરની આજ્ઞાથી તથા વિધાતાએ નિર્માણ કરેલા નિયમ પ્રમાણે કૌરવોનો વિનાશ કરીશ.કાળ વડે પરિપક્વ થયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો જો મારુ વચન નહિ સાંભળે તો તેઓ હણાઈ જશે.હિમાલય ચલિત થાય,પૃથ્વીના સેંકડો ટુકડા થાય અને નક્ષત્રોની સાથે આકાશ પૃથ્વી પર તૂટી પડે તો પણ મારુ વચન મિથ્યા નહિ થાય,માટે તું તારા આંસુને રોકી દે,હું તારી આગળ સત્ય પ્રતિજ્ઞાથી કહું છું કે તું તારા પતિઓને થોડા જ સમયમાં શત્રુ વિનાના તથા રાજ્યલક્ષ્મીથી યુક્ત જોઇશ (49)

અધ્યાય-82-સમાપ્ત