Mar 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-747

 

અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II एवमेतन्महाबाहो यथा वदसि पांडव I पांडवानां कुरुणा च प्रतिपत्स्ये निरामयः II १ II

શ્રીભગવાને કહ્યું-હે મહાબાહુ પાંડવ,તું જે કહે છે તે યથાર્થ છે,હું પાંડવોનું તથા કૌરવોનું કલ્યાણ કરીશ.હું દૂત થઈને જાઉં છું માટે સંધિ કરવી અથવા યુદ્ધનો પ્રસંગ લાવવો એ બંને કામ મારે અધીન છે.તો પણ એમાં દૈવની અનુકૂળતાની અપેક્ષા છે.

એક ખેતર,રસાળ હોય અને ખેડૂતે મહેનતથી તૈયાર કર્યું હોય પણ તે વરસાદ વગર ફળ આપતું નથી,તેમાં દૈવનું પ્રાધાન્ય છે.

હવે તે જ ખેતરમાં પાણી પાઈને ફળ મેળવવું,તેને કેટલાએક પુરુષ યત્નનું પ્રાધાન્ય કહે છે,પરંતુ તેમાંએ દૈવયોગે જળાશય સુકાઈ જતું જોવામાં આવે છે,એટલે એમાં પણ દૈવનું પ્રાધાન્ય આવે છે.દૈવ ને પુરુષાર્થ સાથે મળવાથી જ લોકનું હિત સધાય છે.હું પુરુષાર્થ વડે સલાહના માટે પ્રયત્ન કરીશ,પરંતુ હું દૈવને કોઈ રીતે ફેરવી શકીશ નહિ.(5)

દુર્બુદ્ધિવાળો દુર્યોધન,ધર્મભય અને લોકભય એ બંનેનો ત્યાગ કરીને વર્તે છે અને નીચ કામ કરવામાં તેને સંતાપ થતો નથી.વળી,શકુનિ,કર્ણ અને દુઃશાસન-એના ત્રણ મંત્રીઓ તેની પાપિષ્ઠ બુદ્ધિમાં વધારો કર્યા કરે છે.તે દુર્યોધન,પોતાના પરિવાર સાથે નાશ પામ્યા વિના તમારું રાજ્ય તમને આપીને સલાહ કરશે નહિ.આ તરફ ધર્મરાજા પણ નમતું મૂકીને રાજ્યનો ત્યાગ કરવા ઇચ્છતા નથી.દુર્યોધન યાચના કરવાથી પણ રાજ્ય આપશે નહિ,માટે હું માનું છું કે મારે યુધિષ્ઠિરનો 'પાંચ ગામ આપવાનો સંદેશો' તેને કહેવો નહિ.ધર્મરાજાએ જે સલાહશાંતિને માટે કહ્યું છે તે સર્વ પણ દુર્યોધન કબુલ કરશે નહિ અને તે પ્રમાણે જ સંદેશાને પણ માન્ય ગણશે નહિ.એટલે તે લોકમાં વધ કરવા યોગ્ય ગણાશે.


હે ભારત,તે મારે વધ કરવા યોગ્ય છે એટલું જ નહિ પણ આખા જગતે પણ તેનો નાશ કરવા યોગ્ય છે.તે દુર્યોધને બાળપણમાં તમને સર્વને દુઃખ આપ્યા કર્યું છે.વળી,યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તે તપી ઉઠ્યો હતો અને રાજ્યને છીનવી લીધું હતું.

હે અર્જુન,તેણે,હું તારાથી છૂટો થાઉં,એટલા માટે,તેણે મને વારંવાર ફોડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ મેં તેના પાપી કર્તવ્યને સ્વીકાર્યું નહોતું.તું એ દુર્યોધનનું ખરું ધ્યેય જાણે છે અને યુધિષ્ઠિરનું પ્રિય કરવાની ઈચ્છાવાળા મને પણ જાણે છે છતાં,તું અજાણ્યો હોય તેમ આજે કેમ મારા પ્રત્યે શંકા લાવે છે?(16)


હે પાર્થ,પૃથ્વીનો ભાર ઉતારવા માટે દેવો સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા છે,આ દૈવી ઘટનાને તું જાણે છે,ત્યારે હવે શાત્રોની સાથે કેવી રીતે સલાહ થાય? તે તું જ કહે.મારાથી વાણી અથવા કર્મ વડે જે કરી શકાશે તે હું કરીશ પણ શત્રુઓની સાથે સલાહ થાય તેવી આશા હું રાખતો નથી.વયે વર્ષે ગાયોના હરણ પછી પાછા વળતાં ભીષ્મે દુર્યોધનની પાસે સલાહની સુચના કરીને તેને હિતવચન કહ્યા હતાં,તો પણ તેણે તે ક્યાં સ્વીકાર્યા છે? જ્યારેથી તેં કૌરવોને વધ કરવા યોગ્ય માન્ય છે ત્યારેથી જ તે પરાજય પામ્યા છે.દુર્યોધન તમારો રાજ્યભાગ સ્વીકારીને પણ સંતોષ પામ્યો નથી તો તે તમને આપવા તો ક્યાંથી તૈયાર થાય?તો પણ મારે ધર્મરાજની આજ્ઞા પ્રમાણે સર્વથા કરવું જોઈએ અને તે દુર્યોધનનું પાપકર્મ ફરી તપાસવું જોઈએ (21)

અધ્યાય-79-સમાપ્ત 


અધ્યાય-૮૦-નકુળનું ભાષણ 


II नकुल उवाच II उक्तं बहुविधं वाक्यं धर्मराजेन माधव I धर्मज्ञेन वदान्येन श्रुतं चैव हि तत्त्वया II १ II

નકુલે કહ્યું-હે માધવ,ધર્મવેત્તા અને ઉદાર ધર્મરાજાએ અનેક પ્રકારનાં વચન કહ્યા અને તે તમે સાંભળ્યાં છે.ધર્મરાજાનો મત જાણીને ભીમસેને પણ સલાહનો અભિપ્રાય આપ્યો,અર્જુને કહ્યું તે પણ તમે સાંભળ્યું ને તમે તમારો વિચાર પણ કહ્યો.

હવે,શત્રુઓના મતને સાંભળ્યા પછી તમને જે સમયને યોગ્ય લાગે તેમ કરજો.હે કેશવ જુદાજુદા કારણો મળવાથી મનુષ્યના મતમાં ફેરફાર થઇ જાય છે માટે સમયને અનુસરીને જે કાર્ય યોગ્ય લાગે તે જ કરવું જોઈએ.મનુષ્યે કોઈ કામ એક રીતે કરવાનો વિચાર કર્યો હૉય,પરંતુ તે ફરી ઉલટી સ્થિતિમાં આવી જાય છે કેમ કે આ લોકમાં મનુષ્યની બુદ્ધિ અસ્થિર છે.(6)


હે કૃષ્ણ,અમે વનવાસમાં હતા ત્યારે અમારો મનોરથ જુદો હતો,ગુપ્તવાસમાં તેનાથી જુદો થયો હતો અને હમણાં અમે પ્રગટ થયા છીએ ત્યારે કંઈ જુદો જ છે.અમને વનવાસમાંથી પાછા આવેલા સાંભળીને તમારી કૃપાથી આ સાત અક્ષૌહિણી સેનાઓ  આવી મળી છે.રણભૂમિમાં હથિયાર ધારણ કરીને ઉભેલા પુરુષવ્યાઘ્રોને જોઈને કયો પુરુષ ગભરાય નહિ? માટે તમે કૌરવોની વચ્ચે દુર્યોધનને પ્રથમ શાંતિયુક્ત અને પછી ભય ઉપજાવે તેવાં વચન કહેજો.તમારા સહિત આપણા વીરો સાથે કયો મનુષ્ય યુદ્ધ કરી શકે તેમ છે? હે કૃષ્ણ,તમે ત્યાં જવાથી જ ધર્મરાજનું ઇષ્ટ કાર્ય અવશ્ય સિદ્ધ કરશો.ભીષ્મ દ્રોણ,વિદુર એ સર્વે તમારા કહેવાથી શું શ્રેય છે? તે જાણવા સમર્થ છે.તેઓ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવશે.જે વાતના તમે વક્તા છો ને વિદુર શ્રોતા  છે તો પછી તમે બંને કયી વિનાશ પામતી વાતને,માર્ગ પર સ્થિર નહિ કરી શકો? (18)

અધ્યાય-80-સમાપ્ત