અધ્યાય-૭૮-અર્જુનનું ભાષણ
II अर्जुन उवाच II उक्तं युधिष्ठिरेणैव यावद्वाच्यं जनार्दन I तव वाक्यं तुमे श्रुत्वा प्रतिभाति परंतप II १ II
અર્જુને કહ્યું-હે જનાર્દન,જેટલું કહેવાનું છે તેટલું યુધિષ્ઠિરે કહ્યું જ છે,તો પણ હે પ્રભો,તમારું કહેવું સાંભળીને મને સમજાય છે કે તમે ધૃતરાષ્ટ્રના લોભને લીધે અથવા અમને પ્રાપ્ત થયેલી દીનતાને લીધે 'આ કાર્યમાં સલાહ થવી સુલભ નથી જ'એમ માનો છો.વળી,તમે પુરુષનાં પરાક્રમને નિષ્ફળ માનો છો અને પૂર્વકર્મના સંયોગ વિના એકલા પુરુષાર્થથી ફળ પ્રાપ્ત થતું નથી એમ કહો છો.એ તમે કહ્યું તેમ જ છે.તો પણ એ ઉપરથી કોઈ વાત અસાધ્ય છે એમ પણ તમારે જાણવું નહિ.(4)
જે પુરુષોના શુભ ફળનો ઉદય થવાનો નથી,તેઓનાં કરવા માંડેલાં સામ,દાન,વગેરે કર્મો પણ નાશ પામે છે,એમ જાણીને તમે કૌરવ-પાંડવોનો વિનાશ કરે તેવા યુદ્ધરૂપી સંકટને સ્વીકારો છો,પરંતુ હે પ્રભો,કોઈ પણ કર્મ સારી રીતે કરવામાં આવે તો તે સફળ થાય છે,માટે તમે શત્રુઓની સાથે સલાહ-સંપ થાય તે રીતે વર્તો.જેમ,પ્રજાપતિ,દેવો ને અસુરોના હિતકર્તા છે તેમ તમે પાંડવો અને કૌરવોના મુખ્ય હિતકર્તા છો માટે તમે બંનેનું ભલું થાય તેમ કરો.અમારું હિત કરવું તમારે માટે કઠિન નથી,એમ હું માનું છું.
હે જનાર્દન,એ પ્રમાણે કરવાથી તમારું કાર્ય ખરા કાર્યપણાને પામશે અને એ વાત તમે મન પર લેશો તો ત્યાં જતાંની સાથે જ તે પાર ઉતારશો.અથવા તે દુરાત્મા દુર્યોધનના સંબંધમાં તમે બીજું જ કરવા ધાર્યું હશે તો તે સર્વ તમારી ધારણા પ્રમાણે જ થશે.
હે કૃષ્ણ,અમારી તેમની સાથે સલાહ થાઓ અથવા તમે જે કરવા ધારતા હો તે થાઓ,કારણકે તમારો વિચારોનો સંકલ્પ અમને પ્રમાણ છે.યુધિષ્ઠિરની લક્ષ્મી દેખીને જે સહી શક્યો નહિ,અને જે કપટદ્યુત રમનારાને યુદ્ધ-આદિ ઉપાય ન જડવાથી જ જુગાર જેવા નીચ ઉપાયથી રાજ્યલક્ષ્મી હરી લીધી,તે દુષ્ટાત્મા દુર્યોધન,પુત્રો ને બાંધવો સાથે વધને જ યોગ્ય છે.
(યુધિષ્ઠિર દ્યુત રમવા ગયા જ કેમ?એમ કોઈ કહે તો તેનો ઉત્તર એ છે કે)ક્ષત્રિયકુળમાં જન્મેલો ધનુર્ધારી પુરુષ,પ્રાણત્યાગનો પ્રસંગ આવી પડતાં પણ (દ્યુત માટે) બોલાવ્યા પછી પાછો કેમ ફરે? અમને અધર્મથી હરાવીને વનમાં મોકલ્યા,તે જોતાં તે દુર્યોધન મારા હાથથી અવશ્ય વધને પાત્ર થયો છે.હે કૃષ્ણ,તમે મિત્રને માટે જે કંઈ કરવા ધારો છી,તેમાં આશ્ચર્ય નથી.આ પ્રસંગમાં કોમળ સામ-આદિ ઉપાય કે યુદ્ધ જેવો કૃત ઉપાય-એ બેમાંથી કયા ઉપાય વડે આપણું મુખ્ય કાર્ય સિદ્ધ થાય એ વિચારવાનું છે.અથવા તમે જો વધને જ શ્રેષ્ઠ માનતા હો તો તત્કાળ તેમ જ કરો,હવે એ સંબંધી વિચાર કરો નહિ.(16)
પાપબુદ્ધિ દુર્યોધને જે રીતે સભા વચ્ચે દ્રૌપદીને પજવી હતી અને અમે પણ તેના તે અપરાધને સહન કર્યો હતો તે તમે જાણો છો,તે દુર્યોધન પાંડવોની સાથે સારી રીતે વર્તે એ -મારી બુદ્ધિમાં,ખારી જમીનમાં બીજ ઉગાડવાના જેવું અશક્ય છે.
હે કૃષ્ણ,તમને જે યોગ્ય લાગતું હોય,પાંડવોનું જેમાં હિત હોય અને
હવે પછી અમારું જે કાર્ય કરવાનું હોય તે તમે તત્કાળ કરો (19)
અધ્યાય-78-સમાપ્ત