અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું ભીમનું સાંત્વન
II श्रीभगवान उवाच II भावं जिनासमानोऽहं प्रणयादिदमब्रुवम् I न चाक्षेपान्न पाण्डित्यान्नक्रोध विवक्षया II १ II
શ્રી ભગવાન બોલ્યા-હે ભીમ,મેં તને જે કહ્યું,તે કંઈ તારો તિરસ્કાર કરવાના હેતુથી,પાંડિતાઈ દેખાડવાના હેતુથી,ક્રોધથી કે 'કંઈક બોલવું' એવી ઈચ્છાથી કહ્યું નથી,પરંતુ તારો અભિપ્રાય જાણવાના ઈચ્છાથી પ્રેમને લીધે કહ્યું છે.હું તારા માહાત્મ્યને જાણું છું,તારું કેટલું બળ છે તે હું જાણું છું અને તારા કર્મોને પણ જાણું છું,એટલે જ હું તારું અપમાન કરતો નથી.તું પોતાના જેટલા ઉત્તમ ગુણો ધારે છે તેના કરતાં હજાર ગણા ગુણો તારામાં છે એમ હું માનું છું.રાજાઓ આદિ સર્વેએ માન આપેલા જે મહાકુળમાં તું જન્મ્યો છે તે કુળને તું લાયક જ છે.(4)
હે વૃકોદર,મનુષ્યો ભાવિ પુણ્ય તથા પાપનાં ફળને જાણવાની ઈચ્છા રાખે છે પરંતુ નિશ્ચય કરી શકતા નથી.વળી,પુરુષાર્થના બળાબળનો નિર્ણય જાણવાની ઈચ્છા રાખે છે પણ,તેનો ય નિશ્ચય કરી શકતા નથી.અર્થાંત,કોઈ વાર શુરામાં પણ ષંઢપણું જોવામાં આવે છે તેથી નિશ્ચય થતો નથી.જે પુરુષાર્થ,પુરુષની અર્થસિદ્ધિમાં હેતુરૂપ થાય છે તે જ પુરુષાર્થ,તેના વિનાશમાં પણ હેતુરૂપ થાય છે,તેથી પુરુષાર્થનું ફળ પણ સંદેહ ભરેલું છે.કોઈ પણ કાર્યના દોષને પ્રથમથી જોનારા જ્ઞાની લોકોએ કાર્યોના સંબંધમાં 'અમુક થશે' એવો નિશ્ચય કર્યો હોય,પરંતુ તે કાર્યો,કદીક ઉલટા રૂપમાં જ પરિણામ પામે છે.મનુષ્યે એકાદ કાર્ય,સારો વિચાર કરીને,ઉત્તમ ન્યાયથી સારી રીતે આરંભીને કરવા માંડ્યું હોય,તો પણ દૈવયોગે ઉલટું થઇ જાય છે (8)
હે ભીમ,ટાઢ,તાપ,વૃષ્ટિ,ભૂખ,તરસ આ સર્વ સ્વાભાવિક દૈવી કર્મ પણ પુરુષાર્થથી દૂર કરાય છે.પ્રારબ્ધ કર્મ સિવાય પુરુષનાં પોતાનાં કરેલાં બીજાં સંચિત વગેરે કર્મ આડાં આવતાં નથી (તે દૂર કરી શકાય છે)કારણકે તેના ઉપાય શ્રુતિ તથા સ્મૃતિમાં કહેલા છે.શ્રુતિ કહે છે કે -'ધર્મેણ પાપમપનુદતિ' ધર્મ વડે પાપનો નાશ કરાય છે.સ્મૃતિ કહે છે કે-'જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે' જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે.હે પાંડુપુત્ર,પુરુષાર્થ કર્યા વિના એકલા દૈવથી લોકની આજીવિકા ચાલતી નથી.માટે દૈવ અને પુરુષાર્થ બે ભેગાં મળવાથી ફળ પ્રાપ્ત થાય છે એમ જાણીને મનુષ્યે કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી.(11)
જે આવી સમજવાળો છે તે કર્મો કર્યા જ કરે છે અને તે કર્મ નિષ્ફળ જતાં ગભરાતો નથી તેમ જ કર્મ સિદ્ધ થતાં હર્ષ પામતો નથી.કર્મ કરવાના સંબંધમાં આ મારો નિશ્ચય મેં કહ્યો છે,પરંતુ શત્રુની સાથે યુદ્ધ કરતાં અવશ્ય વિજય જ થાય એમ કહી શકાય નહિ.માટે પ્રારબ્ધ વિપરીત થતાં પરાજય થાય તો પણ અત્યંત નિસ્તેજ થઈને ખેદ કરવો નહિ ને ગ્લાનિને વશ થવું નહિ એ જાણવા માટે જ હું તને આ વિષય કહું છું.(14)
હું કાલે ધૃતરાષ્ટ્રની પાસે જઈશ અને તમારા લાભને હાનિ ન પહોંચે તે રીતે સલાહ થવા માટે યત્ન કરીશ.જો તેઓ સલાહ કરશે તો તેથી મને અપાર યશ મળશે,તમારી ઈચ્છા સફળ થશે અને તેઓનું પણ ઉત્તમ કલ્યાણ થશે.પણ કૌરવો જો મારા વચનને સ્વીકારશે નહિ અને હઠે ભરાશે તો યુદ્ધરૂપી ઘોર કર્મ વિના બીજો કોઈ ઉપાય નથી.હે ભીમસેન,આ યુદ્ધનો સર્વ ભાર તારા પર મુક્યો છે.અર્થાંત તું જાણે ભાર ઉપાડનાર રથ છે અને અર્જુને તે રથની ઝુંસરી ઘોડાની જેમ ધારણ કરવાની છે અને બીજા સર્વને ઉપાડી લેવાના છે.જો યુદ્ધ ઉભું થશે તો હું અર્જુનનો સારથી થઈશ કારણકે અર્જુનની એવી ઈચ્છા છે બાકી મને યુદ્ધ કરવાની ઈચ્છા નથી એમ તારે માનવું.આવી ગોઠવણ છે પરંતુ તું નમાલું બોલવા લાગ્યો ત્યારે મને તારી બુદ્ધિ પ્રત્યે શંકા ઉત્પન્ન થઇ,તેથી જ એવું બોલીને મેં તારી તેજ પ્રદીપ્ત કર્યું છે (20)
અધ્યાય-77-સમાપ્ત