અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણનાં ભીમને ઉત્તેજન આપનારાં વાક્યો
II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा महाबाहुः केशवः प्रहसन्निव I अभूतपूर्व भीमस्य मार्दवोपहितं वचः II १ II
વૈશંપાયને કહ્યું-પૂર્વે કદી નહિ સાંભળેલું એવું ભીમનું કોમળતા ભરેલું ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને એ ભાષણને (વજનમાં)હલકું અને શીતળ જેવું માનીને,તે વખતે જેમ,વાયુ અગ્નિને પ્રદીપ્ત કરે તેમ,શ્રીકૃષ્ણ,કૃપાથી વ્યાપ્ત થઇ બેઠેલા ભીમને વાણી વડે ઉત્તેજિત કરતા કહેવા લાગ્યા કે-હે ભીમસેન,તું આડે દિવસે તો વધને અભિનંદન આપનારા ક્રૂર ધૃતરાષ્ટના પુત્રોને કચરી નાખવાની ઈચ્છાથી યુદ્ધની જ પ્રસંશા કર્યા કરે છે,તું એ વિચારમાં ઊંધતો નથી ને સર્વદા ભયંકર ક્રોધથી ભરેલી ઉગ્ર વાણી બોલ્યા કરે છે.ક્રોધથી તપી જઈને મનમાં ઉકળાટ લાવીને અગ્નિની જેમ નિસાસા નાખ્યા કરે છે,ને દુર્બળની જેમ એકાંતમાં જઈને નિશ્વાસ નાખતો પડી રહે છે,આ વાતને ના જાણનારા કેટલાક લોકો તને ગાંડો થઇ ગયેલો માને છે.(7)
હે ભીમ,તું વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખી તેના ચુરા કરી દોડતા હાથીની જેમ,પૃથ્વીને પગના આઘાતથી ધમધમાવતો અને ગર્જના કરતો ચોતરફ દોડ્યા કરે છે.અહીં કોઈ પણ મનુષ્યની સાથે રમતગમતમાં ભાગ લેતો નથી અને રાત્રે તથા દિવસે કોઈ પણ વખત કોઈને અભિનંદન અપાતો નથી ને એકાંતમાં જ સમય ગાળ્યા કરે છે.અકસ્માત હાસ્ય કરે છે.એકાંતમાં રડવા જેવો થઇ જાય છે અને કોઈ વખતે બે ઢીંચણમાં માથું નાખી જડની જેમ બેસી રહે છે.વળી તરંગ આવતાં ભ્રકૃટી ચઢાવે છે ને દાંતથી હોઠ કરડતો જણાય છે.આવું જે સર્વ જોવામાં આવે છે,તે સર્વ ક્રોધને લીધે જ થાય છે (11)
હે પરંતપ,તું ભાઈઓની વચ્ચે ગદાનો સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરતો હતો કે-'જેમ,સૂર્ય પૂર્વમાં ઉદય પામે છે ને મેરુની પુનઃ પુનઃ પ્રદિક્ષણા કરે છે,તેમ,હું સત્ય કહું છું કે ક્રોધી દુર્યોધનનો મેળાપ થતા તેને હું ગદાથી ઠાર કરીશ,એમાં ફેરફાર થશે નહિ'
આવું બોલનારા એવા તારીની,બુદ્ધિ આજે સલાહ તરફ કેમ વળી છે? હો,ભીમ,તને શું ભય લાગ્યો છે?આ ઉપરથી 'યુદ્ધની ઈચ્છા રાખનારા પુરુષોના ચિત્તો યુદ્ધકાળ આવતા ફરી જાય છે'-એમ જ કહેવું પડશે.તું શું જાગૃતિ અને સ્વપ્નમાં વિપરીત નિમિત્તો જુએ છે?અને તેથી સલાહ કરવાની ઈચ્છા રાખે છે? જેમ,નપુંસક પોતાનામાં પુરુષાતન જોતો નથી,તેમ,તું પોતાનામાં લેશમાત્ર પુરુષાર્થની આશા નથી રાખતો કે શું ? તું મોહથી વ્યાપ્ત થઇ ગયો છે અને તેથી તારું મન વિકાર પામી ગયું છે.(17)
તારું હૃદય કંપે છે,મન ખિન્ન થઇ ગયું છે અને તારી સાથળો ઝલાઈ ગઈ છે,તેથી તું શાંતિની ઈચ્છા કરે છે? ખરેખર,મનુષ્યનું ચિત્ત ચંચળ છે,તે એક ઠરાવ પર રહેતું નથી.તારી બુદ્ધિ ને વાણી પાંડવોનાં મનને નિરાશાના સમુદ્રમાં ડુબાડે છે.તું જે તને છાજે જ નહિ તેવું બોલે છે એ મને પર્વતના ચાલવા જેવું મહા આશ્ચર્યકારક લાગે છે.તું તારા ઉત્તમકુળમાં થયેલા જન્મ અને તારાં પોતાના કર્મો પર દ્રષ્ટિ કર અને ઉઠ,ને ખેદ ન કરતાં સ્થિર થઇ જા.તારામાં ગ્લાનિ આવે એ તારા સ્વરૂપથી વિરુદ્ધ છે.જે વસ્તુ પરાક્રમથી ન મળે તેને ક્ષત્રિય ભોગવતો નથી,માટે પરાક્રમથી મેળવવું એજ ક્ષત્રિયધર્મ છે (23)
અધ્યાય-75-સમાપ્ત
અધ્યાય-૭૬-ભીમસેનનું તેજ
II वैशंपायन उवाच II तथोक्तो वासुदेवेन नित्यमनरमर्षणः I तदष्ववत्समाधावन वभाषे तदनन्तरः II १ II
વૈશંપાયને કહ્યું-વાસુદેવે તે પ્રમાણે કહ્યું એટલે નિત્ય ક્રોધી તથા અસહનશીલ ભીમ,તુરત,પાણીદાર ઘોડાની જેમ ઉછળીને કહેવા લાગ્યો કે-હે અચ્યુત,મારો બોલવાનો ભાવ જુદો છે અને તેનો તમે જુદો જ અભિપ્રાય માનો છો.હું યુદ્ધમાં અત્યંત પ્રીતિવાળો છું અને સત્ય પરાક્રમી છું,એ વાત તમે ખરી રીતે જાણો છો,કે પછી તમે મારા સ્વરૂપને જાણી શક્યા નથી અને તેથી જ તમે અયોગ્ય વાણી વડે મારો તિરસ્કાર કરો છો.તમે મને જેવાં વચનો કહો છો તેવાં વચન મને જાણનારો કયો પુરુષ બોલી શકે?
હે યાદવનંદન,તમે મને ઉતારી પાડો છો,એટલે મારાં બીજાથી ઉત્તમ પરાક્રમ અને બળ સંબંધી આ વચનો હું કહું છું,જો કે પોતે પોતાનાં વખાણ કરવાં,એ કામ સર્વથા અનાર્ય મનુષ્યોનું છે,તો પણ તમારા આ અતિવાદથી હું વીંધાઈ ગયો છું,માટે હું મારુ પોતાનું બળ કહું છું.હે કૃષ્ણ,આ અચળ,નિરાધાર,અનંત ને સર્વનાં માતા સમાન કે જેનાથી આ પ્રજા ઉત્પન્ન થઇ છે તે સ્વર્ગ અને પૃથ્વી,એ બંને એકાએક ક્રોધે ભરાઈને શિલાઓની જેમ એકઠાં થઇ જાય તો હું મારા બાહુ વડે એ બંનેને તેમ થતા અટકાવું, તમે મારા બાહુઓના મધ્યને તો જુઓ કે જેના મધ્યમાં આવેલો જીવતો છૂટી જાય એવા પુરુષને હું જોતો નથી.
મારા સપાટામાં આવેલા પુરુષને બચાવવા,હિમાલય,સમુદ્ર કે ઇન્દ્ર પણ સમર્થ નથી.પાંડવો પર ચઢી આવનારા સર્વ ક્ષત્રિયોને હું જમીન પર નાખી,તેઓના પાર પગ મૂકીને ઉભો રહીશ.હે અચ્યુત,મેં રાજાઓને હરાવીને જે રીતે વશ કર્યા હતા એ મારા પરાક્રમને તમે જાણતા નથી એમ નથી.કદાચ તમે જાણતા ન હો,તો ભયંકર યુદ્ધના ઝપાટામાં તમે મારો પ્રભાવ જોશો.
તમે કઠોર વાણીથી મારો તિરસ્કાર કરો છો પરંતુ હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું કે,મેં કરેલા વર્ણન કરતાં પણ તમે મને અધિક જાણો.જયારે ઘનઘોર યુદ્ધ થશે ત્યારે તમે મારો પ્રભાવ જોશો.
હે કૃષ્ણ,મારા મનમાં કંપ થતો નથી અને ચોમેરથી ક્રોધે ભરાયેલા સર્વ લોકોથી મને ભય લાગે તેમ નથી પરંતુ
અમારા ભરતકુળમાં જન્મેલાઓનો નાશ ન થાય એટલા માટે દયાથી હું સર્વ કષ્ટોને સહેવા તૈયાર થયો છું.
મારુ આ વર્તન ભયથી નહિ પણ સુહૃદધર્મથી જ છે એમ તમે જાણો.(18)
અધ્યાય-76-સમાપ્ત