Mar 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-743

 

અધ્યાય-૭૪-સુલેહ તરફ ભીમનું વલણ 


II भीम उवाच II यथा यथैव शान्तिः स्यात्यरुणां मधुसूदन I तथा तथैव भाषेथा म सं युद्वेन भीषये II १ II

ભીમે કહ્યું-હે મધુસુદન,કૌરવોમાં જે જે રીતે શાંતિ થાય તે તે રીતે જ તમે ત્યાં બોલજો,તેઓને યુદ્ધનું નામ આપીને ડરાવશો નહિ.દુર્યોધન અસહનશીલ,ક્રોધી,કલ્યાણનો દ્વેષી અને ગર્વિષ્ઠ છે માટે તમારે તેને ઉગ્ર વચન કહેવાં નહિ,પણ તેની સાથે સમજાવીને જ કામ લેવું.દુર્યોધન સ્વાભાવિક રીતે જ પાપી બુદ્ધિવાળો છે,ચોરના જેવો ચિત્તવાળો છે,ઐશ્વર્યના મદથી છકી ગયેલો છે,પાંડવોની સાથે વૈર બાંધી બેઠો છે,ટૂંકી દ્રષ્ટિનો છે,કઠોર વાણીવાળો છે,લાંબા ક્રોધવાળો છે,ઉપદેશને માટે અયોગ્ય છે,પાપાત્મા છે,કપટપ્રિય છે,મારે પણ નમે નહિ તેવો છે અને મતીલો છે.(4)

હે કૃષ્ણ,તેવાની સાથે સલાહ કરવી અતિકઠિન છે એમ હું માનું છું.તે હિતેચ્છુઓથી વિરુદ્ધ ચાલે છે,તેણે ધર્મનો ત્યાગ કર્યો છે,તેને અસત્ય પ્રિય છે,તે હિતેચ્છુઓના વચનને તોડીને તેઓનાં મનને દુભાવે છે,તેમ જ જયારે પોતાના દુષ્ટ સ્વભાવને લીધે ક્રોધને અધીન થાય છે ત્યારે ઘાસથી ઢંકાયેલા સર્પની જેમ સહજમાં પાપ કરી બેસે છે.તે દુર્યોધનનું સૈન્ય કેટલું છે,ચારિત્ર્ય કેવું છે,તેનો સ્વભાવ કેવો છે,તેનું બળ ને પરાક્રમ કેવું છે-એ સર્વ તમે સારી રીતે જાણો છો.પૂર્વે અમે કૌરવોની સાથે આનંદમાં રહેતા હતા,પણ હવે જેમ,ઉનાળામાં અગ્નિથી વનો બળી જાય તેમ,દુર્યોધનના ક્રોધથી ભરતવંશીઓ બળી જશે.


હે મધુસુદન,એ અઢાર રાજાઓ પ્રખ્યાત છે કે જેઓએ સગોત્રીઓનો,મિત્રોનો અને સાળા-સસરા વગેરે બાંધવોનો સંહાર વાળ્યો હતો.જયારે ધર્મનો અંતકાળ થયો ત્યારે જેમ,તેજ વડે પ્રજ્વલિત તથા સમૃદ્ધિયુક્ત અસુરોના વંશમાં કલિ પુરુષ ઉત્પન્ન થયો હતો તેમ,આ રાજાઓ ઉત્પન્ન થયા હતા.હૈહેયોના વંશમાં મુદાવર્ત,નીપોમાં જન્મેજય,તાલજંઘોમાં બહુલ,કૃમિઓમાં ઉદ્વત તથા વસુ,સુવીરોમાં અજબિંદુ,સુરાષ્ટ્રોમાં રુષર્દ્વિક,બહીલોમાં અર્કજ,ચીનાઓમાં ધૌતમુલક,વિદેહોમાં હયગ્રીવ,મહાજસોમાં વરયુ,સુંદરવંશીઓમાં બાહુ,દીપ્તાક્ષોમાં પુરુરવા,ચેદીમતસોમાં સહજ,પ્રવીરોમાં વૃષધ્વજ,ચંદ્રવત્સોમાં ધારણ,મુકુટોમાં વિહાગન,અને નંદીવેગોમાં શમ થયો હતો.હે કૃષ્ણ,આ કુળને કલંક લગાડનાર મહાનીચ પુરુષો પ્રલય સમયે રાજકુળોમાં ઉત્પન્ન થયા હતા.અને હવે હમણાં આ દ્વાપર યુગના અંતમાં,કાળની પ્રેરણાથી અમારા કુળમાં આ પાપી પુરુષ નીચ દુર્યોધન,કુલાંગાર તો નીપજ્યો ન હોય ! મને તો એમ જ લાગે છે (18)


માટે હે ઉગ્ર પરાક્રમી કૃષ્ણ,તમે ત્યાં ઉગ્ર ભાષણ કરશો નહિ,પણ ધર્મ તથા અર્થથી યુક્ત અને હિતકારક કોમળ વચન,લગભગ તેનાં ચિત્તને અનુસરીને ધીરેથી બોલજો.હે કૃષ્ણ,અમે સર્વે દુર્યોધનના હાથ નીચે રહીશું ને  નમ્ર થઈને તેની પાછળ ચાલીશું,પરંતુ અમારા ભરતકુળમાં ઉત્પન્ન થયેલાઓનો નાશ થવો જોઈએ નહિ.હે વાસુદેવ,અમે કૌરવોની સાથે ત્રાહિતની જેમ,મધ્યસ્થ રીતે શાંતિથી રહીએ તેમ તમે કરજો કે જેથી કૌરવોને કુળક્ષયનો દોષ લાગે નહિ.


હે કૃષ્ણ,તમારે વૃદ્ધ પિતામહને તથા બીજા સભાસદોને કહેવું કે ભાઈઓમાં ઉત્તમ ભ્રાતૃભાવ થાય અને દુર્યોધન શાંત થાય તેમ તમે કરો.મારો મત આ છે.યુધિષ્ઠિર સલાહને વખાણે છે અને અર્જુન પણ દયાળુ હોવાથી યુદ્ધની ઈચ્છા રાખતો નથી (23)

અધ્યાય-74-સમાપ્ત