Feb 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-742

 

અધ્યાય-૭૩-શ્રીકૃષ્ણનું ભાષણ 


II श्रीभगवान उवाच II संजयस्य श्रुतं वाक्यं भवतश्च श्रुतं मया I सर्व जानाम्यभिप्रायं तेषां च भवतश्च यः II १ II

શ્રીભગવાન બોલ્યા-હે રાજા,મેં સંજયનું અને તમારું કહેવું પણ સાંભળ્યું છે,તથા તમારો અને તેઓનો જે અભિપ્રાય છે તે સર્વ પણ હું જાણું છું.તમારી બુદ્ધિ ધર્મનો આશ્રય કરીને રહેલી છે અને તેઓની બુદ્ધિ વૈરનો આશ્રય કરીને રહેલી છે.યુદ્ધ કર્યા વિના થોડું મળે તેને તમે ઘણું માનવા તત્પર છો,પરંતુ સર્વ આશ્રમીઓ કહે છે કે-ક્ષત્રિયે,જીવતાં સુધી બ્રહ્મચર્ય પાળવું નહિ ને સન્યાસી થઈને ભિક્ષાથી નિર્વાહ કરવો નહિ.ક્ષત્રિયને માટે સંગ્રામમાં જય અથવા વધ- એજ વિધાતાએ કહેલો સનાતન સ્વધર્મ છે,દીનની જેમ યાચના કરવી એ ક્ષત્રિયનો ધર્મ નથી,દીનતાનો આશ્રય કરીને જીવન ચલાવવું યોગ્ય નથી.માટે તમે પરાક્રમ કરો અને શત્રુઓનો સંહાર કરો.(5)

ધૃતરાષ્ટ્રના પુત્રો મહાલોભી છે,તેઓએ સર્વ રાજાઓને એકઠા કરીને યુદ્ધની તૈયારી કરી દીધી છે તેથી તે તમારી સાથે સલાહ કરે તેવો ઉપાય રહ્યો નથી.વળી,તે ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરેથી પોતાને બળવાન માને છે.માટે તમે જ્યાં સુધી કોમળતાથી વર્તશો ત્યાં સુધી તેઓ તમારું રાજ્ય પાછું આપશે નહિ.હે શત્રુદમન,ધૃતરાષ્ટ્રના પુત્રો,તમારા ઉપર કૃપાથી અથવા પોતાની દીનતાથી કે ધર્મ,અર્થના કારણથી તમારો મનોરથ પૂર્ણ કરવા તૈયાર થશે નહિ.તમને કૌપીન ધારણ કરાવી,દુષ્કર વનવાસ કરાવી,દુષ્કર કષ્ટ આપીને પણ તેઓએ પશ્ચાતાપ કર્યો ન હતો,એ જ તમારે સલાહ ન થવાનું એક ઉદાહરણ છે.(10)


હે રાજા,તમે શાંત,દાની,જિતેન્દ્રિય,ધર્મશીલ તથા આચારપરાયણ હોવા છતાં,તમને જેણે,ભીષ્મ-આદિ સર્વની સમક્ષ દ્યુતમાં કપટથી છેતર્યા હતા અને જે ક્રૂર પુરુષ પોતાના નીચ કર્મને માટે શરમાયો પણ નહોતો,તેવા દુષ્ટ સ્વભાવવાળા ને દુષ્ટ આચાર વાળા ઉપર તમે પ્રેમ લાવશો નહિ.તેઓ તો સર્વ,લોકોના હાથે મરવા જેવા છે પછી તે તમારે મરવા યોગ્ય હોય એમાં કહેવું જ શું? તમે સ્મરણ કરો કે દ્યુતસભામાં દુર્યોધન હર્ષમાં આવી જઈ,બડાઈ હાંકતો અયોગ્ય વાણીથી દુઃખ ઉપજાવતો બોલ્યો હતો કે-'હવે પાંડવોનું પોતાનું અહીં કંઈપણ રહ્યું નથી.તેઓનાં નામ ને ગોત્ર પણ બાકી રહેશે નહિ,લાંબા કાળના વનવાસથી તેઓ જીર્ણ  થઈને છેવટે મૃત્યુના મુખમાં પડશે' 


વળી,દ્યુતક્રીડા વખતે પાપી દુઃશાસને,રડતી દ્રૌપદીને અનાથની જેમ ચોટલો પકડી,રાજસભામાં ખેંચી લાવી હતી અને ભીષ્મ-આદિ સર્વની આગળ તેને 'તું ગાય છે' (એટલે ગાયની જેમ સર્વ કોઈએ ભોગવવા યોગ્ય છે)એમ વારંવાર કહ્યું હતું.તે વખતે ભયંકર પરાક્રમવાળા સર્વ ભાઈઓને તમે વારી રાખ્યા હતા અને તેથી ધર્મપાશથી બંધાયેલા તેઓ કંઈપણ કરી શક્યા  નહોતા.તમે વનમાં ગયા ત્યારે પણ દુર્યોધન બીજી ઘણી કઠોર વાણી બોલતો હતો ત્યારે સભામાં,જે એકઠા મળ્યા હતા તે સર્વ તમને નિરપરાધી માનીને ગળગળા કંઠે રુદન કરતા બેસી રહ્યા હતા.રાજાઓ ને બ્રાહ્મણો પણ તેને અભિનંદન આપતા નહોતા.

હે રાજા,કુલીન પુરુષ માટે નિંદા અને વધ એ બેમાંથી વધ શ્રેષ્ઠ ગણાય છે.નિંદા ઠીક ગણાતી નથી (24)


હે મહારાજ,જે વખતે પૃથ્વીના સર્વ રાજાઓએ તે નિર્લજ્જની (દુર્યોધનની)નિંદા કરી,તે જ વખતે તેનો નાશ થયો,એમ જાણો.જે મનુષ્યનું આવું દુષ્ટ ચરિત્ર છે,તેનો વધ,ગોળ ચોતરાને આધારે જ ઉભા રહેલા પણ ઉખડી ગયેલા મૂળિયાંવાળા ઝાડની જેમ સહેજમાં જ કરી શકાય છે.દુર્બુદ્ધિવાળો નીચ પુરુષ સર્પની જેમ,સર્વ લોકને હાથે વધ પામવા યોગ્ય ગણાય છે માટે હે રાજા,તમે પણ દુર્યોધનનો નાશ કરો,વિચાર કરશો નહિ.તમે ભલે ધૃતરાષ્ટ્રને અને ભીષ્મને નમીને ચાલો,એ વાત યોગ્ય છે તથા મને રુચે છે.પણ જે લોકોને દુર્યોધનની દુષ્ટતાના સંબંધમાં બે મત છે તે સર્વના સંશયને હું ત્યાં જઈ ઉડાવી દઈશ (29)


વળી,ત્યાં હું રાજાઓની વચ્ચે તમારા સર્વ પુરુષોના યોગ્ય ગુણોનું વર્ણન કરીશ અને દુર્યોધનના સર્વ દોષને ઉઘાડા પાડીશ.હું ત્યાં,ધર્મયુક્ત,અર્થયુક્ત તથા હિતકારી વચન કહીશ,તે સાંભળીને જુદાજુદા દેશના સર્વ રાજાઓ તમને ધર્માત્મા અને સત્યવચની જાણશે અને દુર્યોધનને લોભથી વર્તનારો જાણશે.વળી,હું ચારે વર્ણના વૃદ્ધો,બાળકો,નગરવાસીઓ તથા દેશવાસીઓ,જ્યાં એકઠા થશે ત્યાં તેઓની આગળ દુર્યોધનની નિંદા કરીશ.તમે સલાહની માંગણી કરનારા છો,એટલે ત્યાં તમારો કોઈ દોષ કાઢશે નહિ,પરંતુ કૌરવો ને ધૃતરાષ્ટ્રની નિંદા કરશે.ને લોકો દુર્યોધનનો ત્યાગ કરશે એટલે તે મૂઓ જ સમજો.


હે રાજા,એમ દુર્યોધન મરણતોલ થયા પછી,બીજું કયું કામ કરવાનું બાકી રહેશે?આ રીતે હું સર્વ કૌરવોની પાસે જઈને તમારા હિતને હાનિ ન પહોંચે તે પ્રમાણે સલાહને માટે યત્ન કરીશ.બીજી તરફ હું કૌરવોની હિલચાલ જાણી લઈશ તથા યુદ્ધ સંબંધી તૈયારીઓ પણ જોઈ લઈશ.એ કાર્ય કરીને હું તમારા વિજય માટે પાછો ફરીશ (37)


હું તો શત્રુઓની સાથે સલાહ ન થતાં સર્વથા યુદ્ધ થવાની જ આશા રાખું છું કારણકે મને તેવાં સર્વ નિમિત્તો પ્રગટ થતાં જણાય છે.સાયંકાળે પશુ-પક્ષીઓ ભયંકર શબ્દો કરે છે,હાથી-ઘોડાના ભયંકર રૂપો જણાય છે અને અગ્નિ પણ ઉગ્ર રૂપવાળા અનેક રંગો ધારણ કરે છે.મનુષ્યલોકનો ક્ષય કરનારો મહાભયંકર કાળ જો અહીં સમીપમાં આવી પહોંચ્યો ન હોય તો આવાં ચિહ્નો થાય નહિ,માટે યુદ્ધ થવાનું જ છે એમ સમજીને શસ્ત્રો,બખ્તરો,રથો,હાથીઓ અને ઘોડાઓને સજ્જ કરો.


તમારા સર્વ યોદ્ધાઓ યુદ્ધના માટે દૃઢ નિશ્ચય ઉપર આવો અને તેઓ પોતપોતાના હાથી,ઘોડાઓ તથા રથોમાં સાવધાન થઇ જાઓ.હે નરેન્દ્ર,તમારે યુદ્ધ સંબંધી જે સામગ્રીઓ મેળવવી હોય તે સર્વ મેળવીને તૈયાર રાખો.કારણકે તમારું સમૃદ્ધિવાળું રાજ્ય,પૂર્વે જે દુર્યોધને દ્યુતમાં હરી લીધું છે તે રાજ્ય,દુર્યોધન જીવતો રહીને તમને હમણાં કોઈ રીતે પાછું આપશે નહિ તેની તમે ખાતરી રાખો (42)

અધ્યાય-73-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE