Feb 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-741

 

જે મનુષ્ય સર્વનો નાશ કરે છે તેનો યશ નાશ પામે છે અને તે સર્વ પ્રાણીઓમાં કાયમની અપકીર્તિ સંપાદન કરે છે.એકવાર વેર ઉત્પન્ન થયું એટલે તે લાંબો સમય જતાં પણ શાંત થતું નથી કારણકે શત્રુકુળમાં જો એકાદ પુરુષ પણ હયાત હોય તો તેને પૂર્વ વૈરની વાત કહેનારા લોકો મળી આવે છે.હે કેશવ,વૈર થી વૈરની કદી શાંતિ થતી નથી.પણ તે અધિકાધિક વૃદ્ધિ જ પામે છે ને જેમ,છિદ્ર જોનારાને અવશ્ય છિદ્ર મળી જ આવે છે,તેમ છેવટે પોતાનો અથવા શત્રુનો પૂરો વિનાશ થયા વિના શાંતિ થતી નથી.

જેને પુરુષાર્થનું અભિમાન છે તેને હૃદયમાં પીડા કરનાર બળવાન વૈરરૂપી મનોવ્યથા રહે છે કે જે મનોવ્યથાનો ત્યાગ કે મરણથી જ શાંતિ થાય છે.અથવા હે કેશવ,શત્રુઓનો સમૂળ નાશ કરવાથી નિષ્કંટક રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય છે,પરંતુ કોઈનો સમૂળ ઉચ્છેદ કરવો એ મહાક્રુર કર્મ કર્યું ગણાય કે નહિ? ગણાય જ.(66)

હવે,રાજ્યનો ત્યાગ કરવાથી જે શાંતિ થાય,તે શાંતિ પણ રાજ્ય છોડવાથી મરણરૂપ જ ગણાય,કારણકે એક,તો તેમાં શત્રુઓના તરફથી પ્રહાર થવાની અને સંશય રહે છે અને બીજો,લક્ષ્મી વિના પોતાના વિનાશનો સંભવ રહે છે.માટે અમે રાજ્યનો ત્યાગ ઇચ્છતા નથી તેથી આ સંબંધમાં નમી પડીને પોતાનો ભાગ મેળવવાથી જે શાંતિ થાય,તે જ અધિક શ્રેષ્ઠ છે.યુદ્ધનો પ્રસંગ ના આવે એવી ઈચ્છાથી આપણે સામ,દાન તથા ભેદથી,રાજ્યને માટે યત્ન કરીશું,છતાં જો તે ઉપાયો 

શત્રુઓ તોડી નાખશે તો યુદ્ધ કરવું નક્કી જ છે,પછી,પરાક્રમ કર્યા વિના પડી રહેવું યોગ્ય નથી.(69)


હે કૃષ્ણ,જેમ,(કૂતરાંના) યુદ્ધમાં પણ જે બળવાન કૂતરો હોય હોય છે તે બીજાને જીતીને તેનું માંસ ખાય છે,તેમ,મનુષ્યોમાં પણ બને છે,તેમાં જરાયે ફરક પડતો નથી.માટે બળવાને દુર્બળના તરફ લક્ષ્ય જ આપવું નહિ,એ સર્વથા યોગ્ય માર્ગ છે.પરંતુ અનાદર કરવાથી રાજ્યની પ્રાપ્તિ થતી નથી.યુદ્ધ કરવાથી કુળનો ક્ષય થાય છે અને નમી પડવાથી દુર્બળતા પ્રસિદ્ધ થાય છે.

હે જનાર્દન,ધૃતરાષ્ટ્ર અમારા પિતા છે,રાજા છે,વૃદ્ધ છે એટલે સર્વથા માનપાત્ર છે,માટે મારે તેમને માન આપવું જોઈએ અને પૂજવા જોઈએ,પરંતુ તેમને અતિશય પુત્રપ્રેમ છે ને પુત્રને વશ એવા તે મારા નમનને સ્વીકારશે નહિ.(75)


હે કૃષ્ણ,આ સંબંધમાં હવે પછી શું કરવું યોગ્ય છે?તમારું શું માનવું છે?અમે અર્થથી ને ધર્મથી કેવી રીતે ભ્રષ્ટ થઈએ નહિ?આવી અત્યંત વિપત્તિમાં મારે તમારા વિના બીજા કોને પૂછવું?તમે અમારા પ્રિય છો,હિતેચ્છુ છો અને સર્વ કર્મનાં પરિણામને જાણનારા છો,અમારે તમારા જેવો સર્વ નિશ્ચયને જાણનારો બીજો કોણ સ્નેહી છે?(78)


શ્રીકૃષ્ણ બોલ્યા-હું તમારા બંનેના કલ્યાણ માટે કૌરવોની સભામાં જઈશ.તમારા લાભને નુકસાન પહોંચાડ્યા વિના જો હું ત્યાં સલાહ (સુલેહ)કરાવી શકું તો મેં મહાફળવાળું મોટું પુણ્ય કરેલું ગણાય,કારણકે તેથી,હું ક્રોધે ભરાયેલા કૌરવોને,સૃન્જયોને,પાંડવોને ને આખી પૃથ્વીને પણ મૃત્યુના પાશથી મુક્ત કરી શકીશ.(81)


યુધિષ્ઠિરે કહ્યું-હે કૃષ્ણ,તમે કૌરવોની પાસે જાઓ એ મને ઠીક લાગતું નથી,કારણકે તમે બહુ સારી વાત કહેશો તો પણ દુર્યોધન તમારા વચનને માન આપશે નહિ.વળી,દુર્યોધનને અધીન રહેલા પૃથ્વીના ક્ષત્રિયો ત્યાં એકઠા મળ્યા છે તેઓની વચ્ચે તમે જાઓ તે હું પસંદ કરતો નથી,હે માધવ,તમને કષ્ટમાં નાખીને અમને દ્રવ્ય,દેવપણું,કે સર્વ ઐશ્વર્ય મળે તો પણ તે પસંદ પડે નહિ,તો કેવળ સુખ તો ક્યાંથી પસંદ પડે? (84)


શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહારાજ,હું દુર્યોધનની પાપવૃત્તિ જાણું છું,પરંતુ મારા જવાથી આપણે સર્વ લોકમાં રાજાઓની પાસે નિર્દોષ ઠરીશું.વળી,તમારે ચિંતા કરવી નહિ કારણકે હું જો કોપાયમાન થયો તો,મારી આગળ સર્વ રાજાઓ એકઠા મળીને પણ ઉભા રહેવા સમર્થ થશે નહિ.કદાચ તેઓ ત્યાં મારા પ્રત્યે અયોગ્ય વર્તન ચલાવશે તો હું તે સમયે જ સર્વ કૌરવોને બાળી નાખીશ,

એવો મેં ઠરાવ કરી જ રાખ્યો છે.મારુ ત્યાં જવાનું કદી નિરર્થક થવાનું નથી કારણકે આપણી અર્થસિદ્ધિ કદાચ થાય કે ન થાય,તો પણ લોકમાં 'યુદ્ધ આપણે ઉઠાવ્યું' એનો અપવાદ દૂર થશે જ (88)


યુધિષ્ઠિર બોલ્યા-હે કૃષ્ણ,તમેં રુચે તેમ કરો.તમે સુખેથી કૌરવોની પાસે જાઓ ને કાર્ય કરીને ક્ષેમકુશળ પાછા આવેલા હું જોઉં,એ જ મારી ઈચ્છા છે.તમે અમારા બંધુ છો,અર્જુનના મિત્ર છો,મારા પ્રીતિપાત્ર છો,અને તમારા સદ્ભાવમાં શંકાને સ્થાન નથી,માટે અમારું કલ્યાણ કરવા તમે ખુશીથી જાઓ.તમે અમને,કૌરવોને ને સર્વ વિષયોને જાણો છે અને કેવું બોલવું તે પણ જાણો છો,માટે તમારે અમારું જે જે હિત હોય તે તે દુર્યોધનને કહેવું.હે કેશવ,જો સીધી સલાહ ન થાય અને જો કે અમે અર્ધા  રાજ્યના ધણી છીએ છતાં અમને પાંચ ગામ આપણે સલાહ કરવા ઇચ્છતા હોય તો તેમ,પણ અમારા હિતનું જે જે કહેવું યોગ્ય લાગે તે તે તમે ત્યાં કહેજો (93)

અધ્યાય-72-સમાપ્ત