.jpg)
ક્ષત્રિયોનો ધર્મ એટલે સાક્ષાત પાપ જ છે,પરંતુ અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા છીએ તેથી અમારો સ્વધર્મ,ભલે અધર્મ હોય પણ અમારા માટે બીજી વૃત્તિ નિંદ્ય છે.શુદ્ર સેવા કરે છે,વૈશ્યો વેપાર કરે,બ્રાહ્મણોએ ભિક્ષાપાત્ર સ્વીકાર્યું છે અને અમે વધ કરીને જીવીએ છીએ.ક્ષત્રિય,ક્ષત્રિયનો નાશ કરીને જીવે છે,માછલું,માછલાંનો કે કૂતરો,કુતરાનો નાશ કરીને જીવે છે,
આ કુલ પરંપરાગત ધર્મ તો જુઓ ! (48)
હે કૃષ્ણ,યુદ્ધમાં નિત્ય ક્લેશ રહેલો છે,તેમ જ તેમાં પ્રાણોની હાનિ થાય છે માટે હું નીતિરૂપ બળનો આશ્રય કરીને જ યુદ્ધ કરીશ.જય ને પરાજય પોતાની ઈચ્છા પ્રમાણે થતો નથી,તેમ,જીવન ને મરણ પણ પોતાની ઈચ્છા પ્રમાણે થતું નથી.
વળી,સમય વિના સુખ કે દુઃખ મળતું નથી.યુદ્ધમાં કોઈ વખત એક પુરુષ ઘણાનો નાશ કરે છે,ઘણાઓ એકનો નાશ કરે છે,કંગાળ,શૂર પુરુષનો નાશ કરે છે ને અયશસ્વી,યશસ્વીનો નાશ કરે છે એટલે એમાં કંઈ ઠેકાણું (નક્કી) નથી હોતું.
પરંતુ એ તો નક્કી જ છે કે લઢનારા બંનેનો જય અથવા બંનેનો પરાજય થયો હોય તેવું જોવામાં આવતું નથી.
પણ,ભયથી નાસી જવામાં દીનતા,મરણ અને દ્રવ્યનો નાશ તો જોવામાં આવે છે જ.(52)
યુદ્ધ એ સર્વથા પાપરૂપ જ છે.યુદ્ધમાં બીજાને હણનારો,કોણ હણાતો નથી?મરણ પામેલાને જય ને પરાજય સમાન જ છે.
હે કૃષ્ણ,હું મરણ કરતાં પરાજય પામીને જીવવાને શ્રેષ્ઠ માનતો નથી,તેમ,જેનો વિજય થાય છે,તેનો પણ પ્રિય મનુષ્યોના નાશને લીધે અવશ્ય પરાજય જ થયેલો ગણું છું.યુદ્ધમાં વિજયી પુરુષ પોતે બચી જાય છે,પણ શત્રુઓ તેના વહાલા પુત્રો વગેરેનો નાશ કરે છે,એટલે જાતિબળથી રહિત થયેલા અને પુત્રો આદિને ન જોતાં તે વિજયી પુરુષને સર્વ રીતે જીવન પરથી કંટાળો આવી જાય છે.હે કૃષ્ણ,જેઓ ધીર,લજ્જાશીલ,સદ્વર્તનવાળા અને દયાળુ હોય છે તેઓ જ યુદ્ધમાં હણાય છે અને હલકા મનુષ્યો બચી જાય છે.વળી,શત્રુઓને મારીને પણ નિત્ય પશ્ચાતાપ થાય છે અને વધનો દોષ પરિણામે કષ્ટ આપનારો હોય છે.આટલું વેઠતાં છતાં,જો,શત્રુઓમાંથી અમુક ભાગ બચી જાય છે અને તે બાકી રહેલો ભાગ,બળવાન થઈને વેર કરીને વિજય મેળવનારાઓનો સર્વ રીતે નાશ કરે છે ને કોઈને બચવા દેતો નથી.આ રીતે વિજયથી વેર ઉત્પન્ન થાય છે અને પરાજય પામેલો નિત્ય દુઃખયુક્ત રહે છે.જે મનુષ્ય જય-પરાજયની વાત છોડીને શાંત રહે છે તે જ સુખે સુએ છે પરંતુ જેને વેર થયું છે તે પુરુષ,ઉદ્વિગ્ન મનથી નિત્ય દુઃખમાં દિવસ ગુજારે છે.(59)