એવી નિર્ધન અવસ્થામાં આવીને કેટલાએક લોકો મરણ માગી લે છે,કેટલાએક ખરાબ ગામમાં જઈને વસે છે,કેટલાએક વનમાં ચાલ્યા જાય છે,કેટલાએક નાશને માટે નીકળી જાય છે,કેટલાએક ગાંડા થઇ જાય છે,કેટલાએક શત્રુના તાબામાં જઈને પડે છે અને કેટલાએક ધનને માટે બીજાના દાસ બની જાય છે (26) ધનનાશની આપત્તિ પુરુષને મરણ કરતાં પણ અધિક કષ્ટદાયક છે કારણકે ધન એ જ ધર્મ તથા કામ સંપાદન કરવામાં નિમિત્ત છે.
હે કૃષ્ણ,પુષ્કળ લક્ષ્મીવાન તથા સુખમાં ઉછરેલો પુરુષ,નિર્ધન થઇ જતાં જેવો દુઃખી થાય છે,તેવો જન્મથી જ નિર્ધન રહેલો પુરુષ દુઃખી થતો નથી.ધનવાન પુરુષ,પોતાના અપરાધને લીધે મહાકષ્ટમાં પડી જાય છે,ત્યારે ઇન્દ્રસહિત દેવોને દોષ દે છે પરંતુ પોતાને કોઈ રીતે પણ દોષ દેતો નથી.એવા કષ્ટનો નાશ કરવા સર્વ શાસ્ત્રો પણ સમર્થ થતા નથી પછી તે દુઃખી પુરુષ સેવકોના પર ક્રોધ કરે છે,સ્નેહીઓની ઈર્ષા કરે છે,કાર્ય-અકાર્યનું ભાન ગુમાવી દે છે ને મોહને આધીન થયેલો તે ક્રૂર કર્મ કરવા માંડે છે,પાપકર્મ કરવાથી તે સંકરતા ને પોષે છે અને સંકરભાવ પામેલો તે (સેળભેરીઓ)નરકમાં જ જાય છે.(33)
એવો પુરુષ,જો વેળાસર જાગ્રત ન થાય તો નરકમાં જાય છે,ને તેવા અવિદ્યાથી ઘેરાયેલાને પ્રજ્ઞાવિવેક જ જાગૃતિ છે.
વિવેકનો ઉદય થતા પુરુષ શાસ્ત્રોનું જ અવલોકન કર્યા કરે છે અને શાસ્ત્રનિષ્ઠ થઈને પુનઃ ધર્મનું સેવન કરે છે.
તે ધર્મનું ઉત્તમ અંગ,કાર્ય કરવાથી અટકાવવારૂપ લજ્જા છે.લજ્જાશીલ પુરુષ પાપકર્મનો દ્વેષ કરે છે અને તેમ કરવાથી તેની લક્ષ્મી વૃદ્ધિ પામે છે.મનુષ્ય જ્યાં સુધી શ્રીમાન હોય છે ત્યાં સુધી તે પુરુષ ગણાય છે.તે નિત્ય ધર્મપરાયણ રહે છે,તેનું અંતઃકરણ શાંત રહે છે,સર્વદા આવેલાં કાર્યને પાર પડે છે,અધર્મમાં બુદ્ધિ કરતો નથી ને પાપમાં પડતો નથી (37)
જેને અકાર્ય કરવાની લજ્જા નથી,કે વિવેક નથી તે સ્ત્રી એ નથી તેમ પુરુષ પણ નથી.તેને વૈદિક ધર્મનો અધિકાર નથી,
કારણકે તે શુદ્રના જ જેવો છે.લજ્જાશીલ પુરુષ દેવોનું,પિતૃઓનું અને પોતાનું પણ પરિપાલન કરે છે
અને તેથી મુક્ત થાય છે.અને મુક્તિ એ પુણ્ય કર્મની પરિસીમા છે.(39)
હે મધુસુદન,તમે મારા વિષેનું સર્વ પ્રત્યક્ષ જોયું છે અને હું જે રીતે રાજ્યભષ્ટ થઈને આ કષ્ટસ્થિતિમાં રહું છું,તે રીતે જોતાં અમારે કોઈ પણ ન્યાયથી લક્ષ્મીનો ત્યાગ કરવો યોગ્ય નથી.એટલે લક્ષ્મી મેળવવા યત્ન કરતાં અમારો નાશ થશે તો તે પણ ઠીક છે.તેમાં અમારો એક પક્ષ (વિચાર) એ છે કે અમે અને કૌરવો સલાહ કરીને શાંતિથી રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરીએ,ને બીજો પક્ષ એ છે કે અમે કૌરવોને મારીને તે રાજ્યને મેળવીએ.પરંતુ એમાં નાશપૂર્વક ઉદય રહેલો હોવાથી એ પક્ષ ક્રૂર કર્મની પરમ અવધિ જ ગણાય.હે કૃષ્ણ,જો,જેઓ સંબંધવિનાના હોય,અનાર્ય હોય અને શત્રુઓ હોય,તેઓનો પણ બનતા સુધી
વધ કરવો ન જોઈએ,તો પછી જેઓ સંબંધી,આર્ય અને અશત્રુ હોય તેઓનો તો વધ કરાય જ કેમ?
સંબંધી,સહાયકો,ગુરુજનોનો વધ કરવો એ મહાપાપ છે,યુદ્ધ કરવામાં કયું શુભ રહેલું છે?(45)