Feb 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-738

ભગવદ્યાન પર્વ 

અધ્યાય-૭૨-યુધિષ્ઠિરની શ્રીકૃષ્ણને પ્રેરણા 


II वैशंपायन उवाच II संजये प्रतियाते तु धर्मराजो युधिष्ठिरः I अभ्यभाव दाशांर्हमृषभं सर्वसात्वताम् II १ II

વૈશંપાયને કહ્યું-સંજય,કૌરવોના તરફ ગયા પછી,ધર્મરાજા યુધિષ્ઠિર,સર્વ યાદવોમાં શ્રેષ્ઠ,દશાર્હવંશી શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ સમય પ્રાપ્ત થયો છે.આપત્તિમાંથી અમને તારે એવા તમારા વિના બીજા કોઈને હું જોતો નથી.હે લક્ષ્મીના પતિ,તમારો આશ્રય કરીને નિર્ભય થયેલા અમે,મિથ્યા ગર્વિષ્ઠ એવા મંત્રીઓ સહિત દુર્યોધનની પાસેથી અમારા ભાગની પ્રાર્થના કરીએ છીએ.હે શત્રુદમન,તમે જેમ,સર્વ આપત્તિઓમાંથી યાદવોનું રક્ષણ કરો છો,તેમ તમારે પાંડવોનું પણ રક્ષણ કરવું જોઈએ,માટે આ મહાભયમાંથી અમને બચાવો (4)

શ્રીકૃષ્ણે કહ્યું-હે મહાબાહુ,હું તમારા માટે તૈયાર જ છું,તમારે જે કહેવાની ઈચ્છા હોય તે કહો.તમે જે કહેશો તે હું કરીશ.

યુધિષ્ઠિરે કહ્યું-હે કૃષ્ણ,પુત્રસહિત,ધૃતરાષ્ટ્રની ઈચ્છા તમે જાણી છે.સંજયે જે કહ્યું તે સર્વ ધૃતરાષ્ટ્રને માન્ય છે અને તેનાથી એમના હૃદયનો અભિપ્રાય સ્પષ્ટ થાય છે.દૂત તો ધણીએ જેવું કહ્યું હોય તેવું કહે,કેમ કે તે ખોટું બોલે તો વધને યોગ્ય થાય છે.

પોતાના વડીલપણાથી વિરુદ્ધ આચરણ કરનારા લોભી ધૃતરાષ્ટ્ર,પાપી મન વડે.રાજ્યભાગ આપ્યા વિના,આપણામાં શાંતિ ખોળવા ઈચ્છે છે.અમે તો ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી બાર વર્ષ વનમાં રહીને એક વર્ષ ગુપ્તવાસ પણ ભોગવ્યો છે.તે ધૃતરાષ્ટ્ર,ચૌદમે વર્ષે અમને રાજ્ય આપવાનો ઠરાવ પાળશે,એમ માનીને અમે અમારી પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો નથી,તે બ્રાહ્મણો જાણે છે (10)


લોભી ધૃતરાષ્ટ્ર પોતાના ધર્મ તરફ દ્રષ્ટિ કરતા નથી તથા પુત્રને વશ હોવાથી મૂર્ખ દુર્યોધનની આજ્ઞાને અનુસરે છે.ને તેના મતમાં રહીને પોતાનું પ્રિય કરવાની ઈચ્છાથી લોભી થઈને મારા પ્રત્યે મિથ્યા વર્તન કરે છે.હે જનાર્દન,હું ત્યાં રહેલી મારી માતાનું પણ સારી રીતે પોષણ કરી શકતો નથી એનાથી અધિક દુઃખ શું હોય?હું કાશીના,ચેદીદેશના,પાંચાલ દેશના અને મત્સ્ય દેશના રાજાઓથી તથા આપનાથી સનાથ છું,છતાં મેં માત્ર પાંચ ગામોની જ માંગણી કરી છે.છતાં દુષ્ટાત્મા દુર્યોધન પોતાને જ રાજ્યનો ધણી માનીને તે ગામો આપવા કબૂલ થતો નથી,આનાથી અધિક દુઃખ શું હોય?(17)


મનુષ્ય કુલીન હોય,વૃદ્ધ હોય,તો પણ તે જો પારકા ધનનો લોભ કરે તો તે લોભ તેની વિવેક બુદ્ધિનો નાશ કરે છે.બુદ્ધિ નાશ પામતાં લજ્જા નાશ પામે છે,લજ્જા જતા ધર્મનો નાશ થાય છે અને ધર્મનો વિનાશ લક્ષ્મીની નાશ કરે છે અને નિર્ધનતા પુરુષનો નાશ કરે છે.હે કૃષ્ણ,જેમ,પક્ષીઓ ફળરહિત વૃક્ષનો ત્યાગ કરે જાય છે,તેમ જ્ઞાતિજનો,સ્નેહીજનો અને બ્રાહ્મણો નિર્ધન પુરુષનો ત્યાગ કરી જાય છે.અને આમ જો જ્ઞાતિજનો-આદિ મારો ત્યાગ કરશે તો એ મારુ એક પ્રકારનું મરણ જ ગણાશે.


શંબર કહે છે કે-જે અવસ્થામાં આજની અને બીજા પ્રભાતનું ભોજન જોવામાં આવતું નથી,એનાથી દુઃખદાયક બીજી કોઈ અવસ્થા નથી.વિચક્ષણ પુરુષો ધનને જ મુખ્ય ધર્મ કહે છે,કારણકે ધનને આધારે જ સર્વ રહેલું છે.આ લોકમાં ધનવાનો જ ખરું જીવે છે અને નિર્ધન પુરુષો મરેલા જ છે એમ સમજવું.જેઓ પોતાના બળથી પુરુષને નિર્ધન કરી નાખે છે તેઓ તે પુરુષનો ધર્મ,અર્થ અને કામની સાથે નાશ કરે હે એમ જાણવું (24)