Feb 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-736

Because of some reason, no new post from feb-8 to feb-21.sorry. 

 

અધ્યાય-૭૦-હેતુવાળાં શ્રીકૃષ્ણનાં નામો 


 II धृतराष्ट्र उवाच II भूयो मे पुंडरिकाक्षं संजयाचक्ष्व पृच्छतः I नामकर्मावित्तात प्राप्यां पुरुषोत्तमं II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું તને પ્રશ્ન કરું છું માટે ફરી તું કમળનયન શ્રીકૃષ્ણ સંબંધી કથા કહે,

જે પુરુષોત્તમનાં નામો તથા કર્મોનો અર્થ જાણીને હું તેમને પ્રાપ્ત થાઉં.

સંજયે કહ્યું-મેં શ્રીકૃષ્ણનાં નામોનો શુભ અર્થ સાંભળ્યો છે,તેમાં હું જેટલું જાણું છું તેટલું તમને કહીશ.કારણકે શ્રીકૃષ્ણ વાણીના અવિષય છે.એ શ્રીકૃષ્ણ માયા વડે આવરણ કરે છે તેથી જગત એમનામાં વાસ કરે છે તેથી અને પ્રકાશમાન હોવાથી 'વાસુદેવ' કહેવાય છે.(અથવા દેવો એમનામાં વાસ કરે છે તેથી તે વાસુદેવ કહેવાય છે)સર્વવ્યાપક હોવાથી તે 'વિષ્ણુ' કહેવાય છે.

'મા'એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિ,કે જે મૌન,ધ્યાન તથા યોગથી દૂર થાય છે તેથી તેમનું નામ 'માધવ' છે.

'મધુ' એટલે પૃથ્વી-આદિ તત્વોના સંહારકર્તા હોવાથી (અથવા તત્વો તેમનામાં લય પામે છે તેથી) તે 'મધુહ' કહેવાય છે.

મધુ નામના દૈત્યનો નાશકર્તા હોવાથી તે 'મધુસુદન'કહેવાય છે.'કૃષિ'શબ્દ સત્તાવાચક છે અને 'ણ' નિર્વૃત્તિ સુખવાચક છે,એ બંને ધાતુના અર્થરૂપ સત્તા અને સંબંધથી યદુવંશી વિષ્ણુ 'શ્રીકૃષ્ણ' નામને પ્રાપ્ત થયા છે.નિત્ય અક્ષય અને અવિનાશી એવું પુંડરીક એટલે હૃદયકમળ,પ્રભુનું નિવાસસ્થાન છે છતાં તે હૃદયકમળના જરા,નાશ વગેરે દોષોથી ક્ષીણ થતા નથી માટે તે 'પુંડરીકાક્ષ' કહેવાય છે.દસ્યુને એટલે પ્રજાપીડક ચોર વગેરે જનોને તે પીડા કરે છે તેથી 'જનાર્દન' કહેવાય છે (6)


તે સત્તાથી ભ્રષ્ટ થતા નથી,તેમ સત્વ તેમનાથી દૂર થતું નથી,તેથી તે 'સાત્વત' કહેવાય છે.'વૃષભ'એટલે ધર્મભાસક વેદ,તેમજ 'ઇક્ષણ'એટલે જેના જ્ઞાનનું દ્વાર છે તેથી તે 'વૃષભેક્ષણ'કહેવાય છે.સેનાને જીતનારા શ્રીકૃષ્ણ કોઈ જનક દ્વારા ઉત્પન્ન થતા નથી એટલે તેમને 'અજ'કહેવામાં આવે છે.ઇન્દ્રિયોમાં સ્વયંપ્રકાશ હોવાથી તથા દમસંપન્ન હોવાથી 'દામોદર' કહેવાય છે.જેનાથી હર્ષ થાય તે 'ઋષીક' (એટલે વૃત્તિસુખ),સ્વરૂપાનંદ અને ઐશ્વર્ય-એ ત્રણે કૃષ્ણમાં હોવાથી 'ઋષિકેશ' કહેવાય  છે.ભગવાન પોતાના બે બાહુથી,સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરી રહ્યા છે તેથી તે 'મહાબાહુ' કહેવાય છે.(9)


તે કદી 'અધઃ' એટલે સંસારમાં 'નક્ષીયતે' પડતા નથી તેથી 'અધોક્ષજ' કહેવાય છે.નરોના તે 'અયન' (આશ્રય) છે તેથી તે 'નારાયણ' કહેવાય છે.તે ઈશ્વર 'પુરુ' એટલે પૂર્ણ કરનારા અને 'સ:' એટલે લયસ્થાન હોવાથી  'પુરુષ' અને આમ પુરુષ હોઈને 'ઉત્તમ' છે એટલે 'પુરુષોત્તમ' કહેવાય છે.તે ભગવાન સર્વ કાર્ય તથા કારણના ઉત્પત્તિ અને પ્રલયના સ્થાનરૂપ છે તથા સર્વદા જ્ઞાનવાળા છે તેથી તે 'સર્વ' કહેવાય છે.શ્રીકૃષ્ણ સત્યમાં રહેલા છે અને સત્ય તેમનામાં રહેલું છે અને તે વ્યવહારિક,સત્ય કરતાં પણ પરમ સત્યરૂપ છે તેથી તેમનું નામ 'સત્ય' છે.એ દેવ સર્વવ્યાપક હોવાથી 'વિષ્ણુ'કહેવાય છે અને સર્વને જીતનારા હોવાથી 'જિષ્ણુ' કહેવાય છે.તે પ્રભુ શાશ્વત એટલે અંત વિનાના હોવાથી 'અનંત' કહેવાય છે અને 'ગો'એટલે ઇન્દ્રિયોના પ્રકાશક હોવાથી 'ગોવિંદ'કહેવાય છે.વાસ્તવિક રીતે આ જગત મિથ્યારૂપ છે છતાં પ્રભુ પોતાની સત્તા આપીને તેને સ્ફૂર્તિ આપીને તેને સત્ય જેવું કરે છે અને તેનાથી લોકોને મોહિત કરે છે.આવા એ નિત્ય ધર્મરૂપ.મહાબાહુ.મધુસુદન,અચ્યુત ભગવાન કૌરવોનો ક્ષય ન થાય એટલા માટે કૃપા કરીને અહીં આવવાના છે.(15)

અધ્યાય-70-સમાપ્ત